સુરત: સુરતના (Surat) પુણા અને ગોડાદરા વિસ્તારમાં રહેતી બે કીશોરીઓ (Teenagers Girl) ઘરે કોઇને કહ્યા વગર ચાલી ગઈ હતી. બંને ગુમ થયાના ગણતરીના કલાકોમાં રેલ્વે પોલીસની (Railway Police) મદદ મેળવી મધ્યપ્રદેશના (MP) ખંડવા રેલ્વે સ્ટેશન ખાતેથી બંનેને શોધી લેવાઈ હતી. બંને કિશોરીઓ ઘરેથી 50 હજાર લઈને કોલકત્તા જવા નીકળી હતી.
શહેરના પુણા વિસ્તારમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી 15 વર્ષીય કિશોરી તથા ગોડાદરા ખાતે રહેતી અને ધોરણ 9માં અભ્યાસ કરતી 14 વર્ષીય કિશોરી ગઈકાલે ભેદી સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. બંનેની માતા એકબીજાની બહેનપણી હોવાથી આ કિશોરીઓ પણ એકબીજાને ઓળખતી હતી.
ગત 12મી જુને બંને કિશોરીઓ એકાએક ઘરેથી ગુમ થઈ હતી. ગોડાદરા ખાતે રહેતી કિશોરી પોતાના ઘરમાંથી 50 હજાર રોકડા લઈને નીકળી હતી. પરિવારજનોએ શોધખોળ કરતા મળી આવી નહોતી. જેથી પુણા પોલીસને જાણ કરાઈ હતી. પીઆઈ વી.એમ.કોલાદરાએ ગુમ થયેલી બન્ને કિશોરીઓને શોધી-કાઢવા તેમની ટીમને સુચના આપી હતી.
પીએસઆઈ એન.પી.મંડલી તથા સાથેના સ્ટાફના માણસોની અલગ-અલગ ટીમો બનાવી તમામ રૂટમેપના સી.સી.ટી.વી કેમેરા ચેક કરાવ્યા હતા. ગોડાદરાની કિશોરી તેના ભાઈના મોબાઈલમાંથી કોઈક છોકરા સાથે ઇન્સ્ટાગ્રામ પર વાત કરતી હોવાથી આ છોકરાનો સંપર્ક કરાયો હતો અને તેની સાથે ફોન પર છોકરીઓને વાત કરાવી જાણવા પ્રયાસ કરાયો હતો.
બાદમાં છોકરી પાસે રહેલા નંબરના આધારે તેમનું લોકેશન મેળવતા રાત્રે 12 વાગે મહારાષ્ટ્રના આમલનેર રેલવે સ્ટેશન પર હતી. બન્ને કીશોરીને મધ્યપ્રદેશના ખંડવા રેલ્વે સ્ટેશનથી રેલ્વે પોલીસ અને ટીટીની મદદથી સ્ટેશન પર ઉતારી લેવાઈ હતી અને સુરત લાવી તેમના માતા-પિતાને સોંપવામાં આવી હતી. બંને કિશોરીઓને પુછતા તેઓ મોજશોખ માટે કલકત્તા જવા નીકળી હતી. કિશોરીઓ કલકતા જવા માટે ઉધના બરોની ટ્રેનમાં રવાના થઈ હતી.
કિશોરી ઇન્સ્ટાગ્રામ પર ચાર-પાંચ છોકરાઓ સાથે સંપર્કમાં હતી
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એક કિશોરી ઇન્સ્ટાગ્રામ પર એક્ટીવ હોવાની સાથે ચાર પાંચ છોકરાઓ સાથે પણ સંપર્કમાં હતી. આ છોકરાઓ ક્યાંના છે અને કોણ છે તે અંગે પોલીસ તપાસ કરશે. બંને કલકત્તા જ કેમ જવા નીકળી તેની પણ પુછપરછ કરાશે.