કચ્છ: ગુજરાતમાં (Gujarat) બિપોરજોય વાવાઝોડાનું (Biporjoy storm) કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. વાવાઝોડાની અસર ગુજરાતના ધણાં રાજ્યો અને જિલ્લામાં વર્તાઈ રહી છે. ત્યારે આ વચ્ચે કચ્છમાં (Kutch) સાંજે લગભગ 5.05 વાગ્યે ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર ભચાવથી 5 કિલોમીટર દૂર દક્ષિણ પશ્ચિમમાં જણાયું હતું. આ ઉપરાંત કશ્મીરના કિશ્તવાડમાં 4.15 વાગ્યે ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. કિશ્તવાડમાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.4 માપવામાં આવી હતી. જો કે કચ્છ અને કશ્મીરમાંથી જાનહાનિની ધટના સામે આવી નથી.
ભૂકંપના કારણે કચ્છમાં લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા. કચ્છના માંડવી બીચ સહિતમાં પવનની ગતિમાં વધારો થયો છે. દરિયા કિનારે પણ 10 ફૂટ જેટલા ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે. કચ્છના અબડાસા, મુન્દ્રા અને ભચાઉ કાંઠા વિસ્તારમાં ઊંચી ઊંચી લહેરો ઊડી રહી છે. ભચાઉ તાલુકાના સૂરજબારી નજીકના દરિયાઈ ક્રિક વિસ્તારમાં વીર આવતા પાણી છેક ટિક્કરના રણ સુધી પહોંચી ગયા હોવાનું સૂરજબારીના સરપંચ સલીમ ધેડાએ જણાવ્યું હતું. બીજી તરફ દ્વારકામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો હોય દ્વારકા મંદિરના શિખર પર ફરકાવવામાં આવેલી ધજા પણ ખંડિત થઈ હતી.
ગુજરાતમાં ભૂકંપની સાથે વાવાઝોડુ બિપોરજોય ચિંતાનો વિષય છે. વાવાઝોડુ બિપરજોય આક્રમક સ્વરૂપ ધારણ કર્યા બાદ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડુ 15 જૂન ગુરુવારે રાજ્યમાં લેન્ડફોલ કરશે. પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની 17 ટીમો તૈનાત કરવામાં આવી છે. જેમાં કચ્છમાં 4, દ્વારકા અને રાજકોટમાં 3-3, જામનગરમાં 2 અને પોરબંદરમાં 1 ટીમ તૈનાત કરવામાં આવી છે.
ગુરુવારે ગૃહમંત્રી તેલંગણાના પ્રવાસે હતા જો કે ગુજરાતમાં જે રીતે બિપોરજોય વાવાઝોડાનો ખતરો મંડાઈ રહ્યો છે તેને જોતા તેમણે પોતાનો આ પ્રવાસ કેન્સલ કરી નાંખ્યો છે. તેઓ નવી દિલ્હી ખાતે ગૃહમંત્રાલયની ઓફિસમાં રહીને જ પરિસ્થિતનું નિરિક્ષણ કરશે.
રાજયમાં પ્રવર્તી રહેલી સંભવિત બિપરજોય વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત જિલ્લાઓમાં ટેલીકોમ નેટવર્ક ખોરવાય તો નાગરિકો કોઈપણ ટેલીકોમ ઓપરેટર નેટવર્કનો ઉપયોગ કરી શકશે એમ દૂર સંચાર વિભાગના ગુજરાત લાઇસન્સ સર્વિસ એરિયાઝ (GLSA) દ્વારા જણાવાયું છે.