વ્યારા: તાપી જિલ્લામાં વ્યારાના માયપુર અને ટીચકપુરા તેમજ વાલોડના દેગામા ગામને જોડતો મીંઢોળા નદી ઉપર નિર્માણાધિન બ્રિજનું લોકાર્પણ થાય એ પહેલાં જ બુધવારે સવારે ૬ વાગે અચાનક ધરાશાયી થઈ જતાં આશરે ૧૫ કેટલાં ગામના લોકોને સામે ચોમાસે વરસાદ સમય હાલાકી ભોગવવાનો વારો આવે તેમ છે. આ બ્રિજ ધરાશયી થતાં એજન્સી અને ક્વોલિટી કંટ્રોલની સાથે સાથે કામનું સુપરવિઝન કરનાર અધિકારીઓની બેદરકારી છતી થઈ છે.
મટિરિયલ્સ હાથમાં લેતાં માટીની જેમ સરળતાથી પીસાઈ જાય તેવું જોવા મળ્યું છે. જે જગ્યાએથી બ્રિજ તૂટ્યો તેમાં સળિયાની માત્રા પણ ઓછી હોય બ્રિજનો ભાર ખમી શક્યા ન હતા, વચ્ચેથી વળી ગયા હતા. તદ્દન હલકી કક્ષાનું મટિરિયલ્સ, જેમાં રેતીની જગ્યાએ જાણે ભાઠુ વાપર્યુ હોય તેમજ નિમ્ન કક્ષાની સિમેન્ટ હોય તેમ કોંક્રીટ વચ્ચેની કોઇ પકડ પણ જોવા મળી ન હતી.
આ બ્રિજ તૂટી પડવાની ઘટનાને લઈ ક્વોલિટી કંટ્રોલની ટીમ સ્થળ ઉપર નિરીક્ષણ માટે દોડી આવી હતી. આ બ્રિજના ૨૦x૪ના ચાર પૈકીનો એક ગાળો વચ્ચેથી કોઇપણ પ્રકારનાં દબાણ વિના ધરાશાયી થયો છે. કહેવાય છે કે, આ બ્રિજ ૨ કરોડના ખર્ચે અક્ષય કન્સ્ટ્રક્શન નામની કંપનીએ બનાવ્યો હતો. ત્યારે તમામ કામગીરીની મટિરિયલ્સ ટેસ્ટિંગ સહિતની તબક્કાવારની તપાસ તટસ્થ એજન્સીની સાથે સાથે ગેરી તેમજ પ્રાઇવેટ લેબમાં થવી જરૂરી છે.
અહીં બ્રિજની ૯૮ ટકા કામગીરી પૂર્ણ કરી દેવાઈ હતી. ટૂંક સમયમાં ફાઇનલ લોડ ટેસ્ટ પણ થનાર હતું. ટૂંક સમયમાં આ બ્રિજ લોકસભાની સામે ચૂંટણીએ ખુલ્લો મૂકવાની ગતિવિધિ પણ શરૂ કરી દેવાઇ હતી. હાલ તો ચોમાસા પહેલાં તેમજ તેનું લોકાર્પણ થાય એ પહેલા આ બ્રિજ ધરાશાયીનો મામલો બહાર આવ્યો છે ત્યારે મોટું અકસ્માત કે જાનહાનિ ટળતાં લોકોએ રાહત અનુભવી છે. આ બ્રિજની કામગીરી વર્ષોથી ચાલી રહી છે. આ બ્રિજની કામગીરી બે વર્ષ પહેલાં પૂર્ણ કરી દેવાની હતી, પણ એજન્સી એક્સ્ટેન્શન લીધા પછી પણ વર્ષ-૨૦૨૩ સુધી પણ આ કામગીરીને પૂર્ણ કરી શકી નથી. અહીં સમયમર્યાદામાં કામ પૂર્ણ નહીં કરી શકનારી એજન્સીને બ્લેક લિસ્ટ કરવાની પણ તસદી પણ જે-તે સમયે લેવાઇ ન હતી.
બ્રિજ ધરાશાયી થયો તેની બાજુમાં જ તદ્દન હલકી કક્ષાની કપચીનો ઢગલો!
વ્યારા: બ્રિજ ધરાશાયી થયો તેની બાજુમાં જ તદ્દન હલકી કક્ષાની કપચીનો ઢગલો નજરે પડ્યો હતો. કપચી સફેદ છાંટવાળી વધુ હોય તો આવું મટિરિયલ્સ સામાન્ય રીતે ક્વોલિટી કંટ્રોલ રિજેક્ટ કરતી હોય છે. ત્યારે અહીં સફેદ છાંટવાળી લાલ કલરની અને તેમાં પણ વધું પ્રમાણમાં ડસ્ટનું મિશ્રણ જોવા મળ્યું હતું. આ ઘટનાને પગલે એજન્સીના માણસો હલકી કક્ષાની તમામ સામગ્રી રફેદફે કરવાની કામગીરી કરતા જોવા મળ્યા હતા.