પીપલોદ: પીપલોદ પાસે ના ભથવાડા ટોલનાકા પરથી પસાર થઈ રહેલા ઓક્સિજનના ટેન્કરમાં છુપાવીને ગેરકાયદેસર રીતે પરપ્રાંતિય અંગ્રેજી દારૂના વિપુલ જથ્થાની હેરાફેરી થઈ રહેલી હોવાની મળેલી બાતમીના આધારે પિપલોદ પોલીસે 43 લાખથી વધુનો મુદ્દા માલ ઝડપી પાડી બે બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલીદીધા હોવાનું જાણવા મળેલ છે.
મળતી માહિતી મુજબ નાયબ પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરાની સૂચના ના આધારે દાહોદ પોલીસ અધિક્ષક બલરામ મીનાનાઓએ આગામી જગન્નાથ યાત્રાને અનુલક્ષીને અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવી સદંતર નેસ્ત નાબૂદ કરવાના હેતુસર લિસ્ટેડ પ્રોહિ બુટલેગરો ,તેમાં સંડોવાયેલા ઈસમો અને તેમના આશ્રય સ્થાનો પર પરિણામ લક્ષી કામગીરી કરવા આપેલ સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક લીમખેડા અને સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર દેવગઢ બારીયા ની સૂચનો અનુસંધાને પીપલોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.બી. પરમાર પોલીસ જવાનો સાથે ભથવાડા ટોલનાકા પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા. દરમિયાન મળેલ બાતમીના આધારે ગોધરા તરફ જઈ રહેલ ઓક્સિજનનું ટેન્કર HR 55W8899 ને રોકી ઈ ગુચકોપના આધારે માલિકનું નામ સર્ચ કરી પોલીસે વાહનની અંદર તપાસ કરતાં પોલીસને ખાખી પુઠાની પેટીઓમાં સંતાડી રાખેલ પર પ્રાંતિય વિદેશી દારૂનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે અલગ અલગ બ્રાન્ડની 552 પેટીઓ કાચની બોટલ તેમજ 7236 પતરાની બિયર મળી કુલ 2822568 રૂપિયાનો ગેરકાયદેસર હેરાફેરી કરી રહેલ વિદેશી દારૂ નો જથ્થો હતો. પીપલોદ પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના જબર સિંહ સોઢા તેમજ મુકુંદ જાટ નામના બે બુટલેગરોની ધરપકડ કરી 15 લાખના ટેન્કર સહિત કુલ 4366068 રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.