Columns

અરબી સમુદ્રમાં વધી રહેલાં વિનાશક વાવાઝોડાંઓના મૂળમાં વધી રહેલું તાપમાન છે

એક સમય એવો હતો કે જ્યારે ભારતમાં વિનાશક વાવાઝોડાંઓ બંગાળના ઉપસાગરમાં જ આવતાં હતાં અને ભારે વિનાશ વેરતાં હતાં. વર્ષ ૧૯૯૯ના ઓક્ટોબરમાં ઓડિશાના સમુદ્ર તટે કલાકના ૨૬૦ કિલોમીટરની ઝડપે વાવાઝોડું ત્રાટક્યું તેમાં સત્તાવાર આંકડાઓ મુજબ ૯,૮૮૫ નાગરિકો માર્યાં ગયાં હતાં અને ૨,૧૪૨ ઇજા પામ્યાં હતાં. બંગાળના ઉપસાગરની સરખામણીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડાંઓ ઓછાં આવતાં હતાં તેનું કારણ એ હતું કે તેનું ઉષ્ણતામાન બંગાળના ઉપસાગરના ઉષ્ણતામાન કરતાં સરેરાશ ઓછું રહેતું હતું. છેલ્લા ચાર દાયકામાં અરબી સમુદ્રના ઉષ્ણતામાનમાં સરેરાશ ૧.૪ ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થયો હોવાથી અરબી સમુદ્રમાં આવતાં વિનાશક વાવાઝોડાંની સંખ્યા તેમ જ તેમની વિનાશકતામાં પણ વધારો દેખાઈ રહ્યો છે.

આજથી ૪૦ વર્ષ પહેલાં પરિસ્થિતિ એવી હતી કે બંગાળના ઉપસાગરની સરખામણીમાં અરબી સમુદ્રનું પાણી પ્રમાણમાં ઠંડું રહેતું હતું. નેચર નામના પર્યાવરણ મેગેઝિનમાં ૨૦૨૧માં પ્રકાશિત થયેલા લેખ મુજબ વર્ષ ૧૯૮૨થી ૨૦૧૯ દરમિયાન અરબી સમુદ્રમાં પેદા થતાં વાવાઝોડાંઓની સંખ્યામાં અને તેના સમયગાળામાં વધારો થઈ રહ્યો છે. તેમાં લખવામાં આવ્યું છે કે ૧૯૮૨ અને ૨૦૧૯ વચ્ચે અરબી સમુદ્રમાં પેદા થતાં વાવાઝોડાંઓની સંખ્યામાં ૫૨ ટકાનો વધારો થયો છે, જ્યારે બંગાળના ઉપસાગરમાં પેદા થતાં વાવાઝોડાંઓમાં ૮ ટકાનો ઘટાડો થયો છે. 

ઉત્તર ભારતના સમુદ્રમાં આવતાં વાવાઝોડાંઓ જગતનાં કુલ વાવાઝોડાંઓના માંડ ૬ ટકા જેટલાં જ છે; તો પણ દુનિયાનાં કેટલાંક સૌથી વધુ વિનાશક વાવાઝોડાંઓ આ સમુદ્રમાં આવ્યાં છે. જાગતિક તાપમાન વધવાને કારણે સમુદ્રનું પાણી ગરમ થાય છે ત્યારે વધારાની ગરમી વાતાવરણમાં ઠલવાય છે, જેને કારણે વાવાઝોડાંનો જન્મ થાય છે. પુણેની વેધશાળાના વિજ્ઞાની રોક્સી કોલ્લે તા. ૬ જૂને ચેતવણી આપી હતી કે અરબી સમુદ્રનું તાપમાન વધતાં વાવાઝોડું આવી શકે તેમ છે.

ગુજરાતનાં અને મહારાષ્ટ્રનાં લોકો જ્યારે ચાતક નજરે ચોમાસાંના આગમનની પ્રતીક્ષા કરી રહ્યાં હતાં ત્યારે અરબી સમુદ્રનું તાપમાન વધતાં વર્ષાઋતુનાં ઘેરાયેલાં વાદળો વિખેરાઈ ગયાં હતાં. આજકાલ અરબી સમુદ્રનાં પાણીનું ઉષ્ણતામાન ૩૧થી ૩૨ ડિગ્રી સેલ્સિયસ જોવા મળી રહ્યું છે, જે સરેરાશ કરતાં ૨-૪ ડિગ્રી જેટલું વધારે છે. બિપરજોય નામનું વાવાઝોડું પેદા થયું તેના મૂળમાં પણ અરબી સમુદ્રનું વધી રહેલું તાપમાન છે.

છેલ્લાં ૧૦ વર્ષમાં તો તાપમાનમાં સ્પષ્ટ વધારો દેખાઈ રહ્યો છે. બિપરજોય ઇતિહાસમાં સૌથી ધીમાં વાવાઝોડાં તરીકે આગળ વધી રહ્યું છે. તેની આગળ વધવાની ઝડપ ઘટી જવાનું મુખ્ય કારણ એ છે કે તેની બંને બાજુએ વિરુદ્ધ દિશામાં નાનાં-નાનાં વાવાઝોડાંઓ પેદા થયાં છે. આ મિની વાવાઝોડાંઓ બિપરજોયની ઝડપ તોડવા ઉપરાંત તેની દિશામાં પરિવર્તન કરવાનું કામ પણ કરે છે. આ કારણે અગાઉ જે વાવાઝોડું પાકિસ્તાનના કરાંચી બંદર ઉપર જમીનને અથડાવાની દહેશત હતી તે હવે કચ્છની જમીન પર અથડાશે. આ વાવાઝોડું જમીન સાથે અથડાશે ત્યારે તેની ઝડપ કલાકના ૧૫૦ કિ.મી.ની હોવાની ધારણા છે.

સમુદ્રની અંદર વાવાઝોડાંઓ કેવી રીતે પેદા થાય છે? તેનું પણ વિજ્ઞાન છે. સૂરજના તાપને કારણે સમુદ્રનાં પાણીનું તાપમાન વધતાં તે આજુબાજુની હવાને પણ ગરમ બનાવે છે. આ ગરમ હવામાં વમળો પેદા થાય છે. ઉત્તર ગોળાર્ધમાં આ વમળો ઘડિયાળના કાંટાની ઊંધી દિશામાં હોય છે, પણ દક્ષિણ ગોળાર્ધમાં તે ઘડિયાળના કાંટાની દિશામાં હોય છે. આ વમળોને કારણે દરિયામાં પણ તોફાન આવે છે અને તેનાં મોજાંઓ આકાશમાં ઊંચે ઉછળે છે. જો કોઈ મનુષ્ય કે વાહન આ વમળની ઝપટમાં આવી જાય તો તે પણ આકાશમાં ઊડવા લાગે છે. સમુદ્રમાં પેદા થયેલું આ વમળ એક જગ્યા પર સ્થિર નથી રહેતું પણ જમીન તરફ આગળ વધે છે.

તે જે જગ્યા પર જમીન સાથે ટકરાય ત્યાં વિશેષ વિનાશ મચાવતું હોય છે. તેની વિનાશક અસર સમુદ્રતટે વધુ જોવા મળે છે. વાવાઝોડાંઓ પણ બે પ્રકારનાં હોય છે : ટ્રોપિકલ અને એક્સ્ટ્રા ટ્રોપિકલ. ટ્રોપિકલ વાવાઝોડાંઓ કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે જોવા મળતાં હોય છે, જે સૌથી વધુ વિનાશક હોય છે. ટ્રોપિકલ વાવાઝોડાંમાં તેનાં કેન્દ્રની નજીક વીજળીના કડાકાભડાકા અને ઝબકારા જોવા મળે છે. પાણીની વરાળ જ્યારે ઠરે છે ત્યારે તે પોતાની આજુબાજુની હવામાં પોતાની ગરમી છોડી દે છે. આ ગરમી વાવાઝોડાંને ઊર્જા પ્રદાન કરવાનું કામ કરે છે. આ વાવાઝોડાંના કેન્દ્રમાં ભારે વરસાદ જોવા મળે છે. આ વખતે ગુજરાતના કચ્છમાં ભારે વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે.

ઇ.સ.૧૯૭૦ના નવેમ્બરમાં બાંગ્લા દ્દેશમાં ‘બોહા’નામે ઓળખાયેલું વાવાઝોડું આવ્યું તેમાં ત્રણથી પાંચ લાખ લોકોના જીવ ગયા હતા. ઇ.સ.૧૯૭૧માં ઓડિશાના દરિયાકિનારે જે વાવાઝોડું આવ્યું તેમાં આશરે ૯,૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા. છેલ્લે ઇ.સ.૧૯૯૯માં ઓડિશાના દરિયાકિનારે જે સાઇક્લોન આવ્યું તેમાં આશરે ૯,૫૦૦ લોકોનાં મોત થયાં હતાં અને આશરે ૯ કરોડ વૃક્ષોનો ખુડદો બોલી ગયો હતો.

ઇ.સ.૧૯૯૯ના ભાવો પ્રમાણે એ વાવાઝોડામાં આશરે ૨.૫ અબજ ડોલરનું નુકસાન થયું હતું. ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું તેની વિનાશકતા જેમ પર્યાવરણના વિનાશને કારણે વધી ગઇ હતી તેમ ઓડિશાના દરિયાકિનારે પણ વિકાસના નામે પ્રકૃતિનો આડેધડ વિનાશ વેરવામાં આવ્યો છે. દરિયાકિનારે અગાઉ મોજાંઓ અટકાવવા જે મેન્ગ્રોવનાં વૃક્ષો અને રેતીના ટેકરાઓ હતા તેનો તો લગભગ નાશ કરવામાં આવ્યો છે. મેન્ગ્રોવનાં જંગલોનો નાશ કરીને તેની જગ્યાએ ઝીંગા માછલીનાં ઉત્પાદનકેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. ૭૦થી ૮૦ ફૂટ ઊંચા રેતીના ટેકરાઓ તોડીને તેની જગ્યાએ સરૂનાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જેનું લાકડું પેપર મિલોના ઉપયોગમાં લેવાય છે. આ નબળાં વૃક્ષો વાવાઝોડાં સામે ટકી શકતાં નથી.

ઇ.સ.૧૯૯૯માં ઓડિશામાં જે વિનાશક વાવાઝોડું આવ્યું તેની યાદો હજી પ્રજાના દિમાગમાં અંકિત થયેલી છે. એ વખતે સરકાર તરફથી સાઇક્લોનની કોઇ ચેતવણી આપવામાં નહોતી આવી અથવા ૨૦૧૩ની જેમ લાખોની સંખ્યામાં લોકોને ઘરો ખાલી કરાવવામાં નહોતાં આવ્યાં. ત્યારે દરિયાકિનારે આવેલાં ગામોમાં આશરો લેવા માટેનાં પાકાં મકાનો પણ બાંધવામાં આવ્યાં નહોતાં. આ વાવાઝોડાંમાં લોકોનાં ઘરો ઉપરાંત સ્કૂલો, હોસ્પિટલો, વીજળીના થાંભલાઓ, રસ્તાઓ, વૃક્ષો વગેરેને પ્રચંડ નુકસાન થયું હતું.

આ નુકસાન સરભર કરવામાં લગભગ એક દાયકો વીતી ગયો હતો અને અબજો રૂપિયાનો ખર્ચો થયો હતો. વિશ્વમાં જે ૩૫ સૌથી વિનાશક વાવાઝોડાંઓ આવ્યાં છે, તેમાંનાં ૨૬ બંગાળના ઉપસાગરમાં નોંધાયાં છે. ઇ.સ.૨૦૦૪ની સાલમાં જે વિનાશક સુનામી નામનું તોફાન આવ્યું તે પણ બંગાળના ઉપસાગરમાં જ આવ્યું હતું. વર્ષ ૧૯૯૯માં ઓડિશાના સમુદ્રતટે જે વિનાશક વાવાઝોડું આવ્યું તેના પરથી બોધપાઠ લઈને રાજ્ય સરકારે દરિયાકિનારે ૫૦૦ પાકાં શેલ્ટરો અને હજારો પાકાં મકાનો બંધાવ્યાં હતાં. તેને કારણે વર્ષ ૨૦૧૩માં ફાઇલીન નામનું ભારે વાવાઝોડું આવ્યું તેમાં બિલકુલ જાનહાનિ થઈ નહોતી. ગુજરાત સરકારે પણ આવી અગમચેતીની લાંબા ગાળાની યોજના તૈયાર કરવી પડશે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top