વિદેશી આક્રમણને ખાળી, જાનને જોખમે સુરક્ષા જાળવતા ફૌજી ભાઈઓ માટે વિવિધ ભારતી રેડિયો દ્વારા રોજ સાંજે સાત વાગ્યે ‘‘જય માલા’’ નામનો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ બોલીવુડની સેલિબ્રીટી દ્વારા પ્રસ્તુત થાય છે, જે તમામ શ્રોતાજનો માણી શકે છે, મનોરંજન મેળવી શકે છે. એ કાર્યક્રમ વિશેષ તો સૈનિકોને ધ્યાનમાં રાખીને, સંબોધીને રજૂ થાય છે અને તે પછીની પંદર મિનિટમાં રાગ અનુરાગ, એક હી ફિલ્મ સે, સાઝ ઔર આવાઝ, રોશન કરેં દુનિયા જેવા માહિતીપ્રદ ઉપરાંત મનોરંજક કાર્યક્રમ પીરસવામાં આવે છે. સૈનિકોના આ મનોરંજક કાર્યક્રમ પર જ આકાશવાણી દ્વારા હાલમાં આક્રમણ થતું રહે છે.
સમાચાર બુલેટીનના નામે વિવિધ ભારતીના કાર્યક્રમો પર આક્રમણ થઈ જાય છે. સવારે અને બપોરે પણ બળજબરીપૂર્વક આવાં આક્રમણો ચાલુ થઈ ગયાં છે. નવાં જૂનાં અને કર્ણપ્રિય ગીતો આક્રમણથી ઝૂંટવી લેવાય છે, શ્રોતાઓનો રસ ભંગ થતો રહે છે. લાંબાલચક સમાચાર બુલેટીનો અસહ્ય થઈ પડે છે. શ્રોતાજનોની સ્વતંત્રતા, અધિકાર ઝૂંટવાઈ જાય છે. ટી.વી., મોબાઈલ અને અખબારો દ્વારા સમાચાર લોકો જાણી લે છે, વધારામાં રેડિયો આક્રમણ કરવું જરૂરી નથી. આનંદ અને મનોરંજન પર આક્રમણ કરી શ્રોતાજનોને વિવશ કરી દેવાનું અયોગ્ય જ ગણાય.
સુરત. – યૂસુફ એમ. ગુજરાતી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
પોલીસ જવાનોને CPR ટ્રેનિંગ: સ્તુત્ય પગલું
કોઈ અકસ્માતનો બનાવ હોય કે પછી હ્રદયરોગનો હુમલો, તેમાં વ્યકિતને શરૂઆતના તબક્કામાં આપવામાં આવતી પ્રાથમિક સારવારનું ખૂબ જ મહત્ત્વ છે. આજે અનિયમિત જીવનશૈલી( બેઠાડુ જીવનશૈલી) ફાસ્ટ ફુડનું પ્રભુત્વ, તણાવને કારણે યુવાનો અને મિડલ એઈજની વ્યકિતમાં હ્રદય રોગનું પ્રમાણ વધી ગયું છે ત્યારે આ રોગમાં જો યોગ્ય પ્રાથમિક સારવાર મળી રહે તો વ્યકિતને અકાળે આવતાં મૃત્યુથી બચાવી શકાય છે. સ્વાસ્થ્ય અને સલામતીના આવા જ એક ઉમદા આશયથી રાજય સરકાર, ભાજપા ડૉક્ટર સેલની ટીમ અને isa- ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં 51 સ્થળોએ 55 હજારથી વધુ પોલીસ જવાનોને CPR ( કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન) તાલીમ આપવામાં આવી. આ એક સ્તુત્ય પગલું કહી શકાય.
સુરત- – વૈશાલી શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.