વડોદરા: વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી હાલમાં પ્રદૂષણનો પર્યાય બની ગઈ છે વિશ્વામિત્રી નદીમાં કેટલાક બે જવાબદાર ઉદ્યોગો દ્વારા સીધેસીધુ ટ્રીટમેન્ટ કર્યા વગરનું પ્રદૂષિત પાણી છોડી દેવામાં આવે છે અને તેના કારણે કેટલાક સ્થળોએ નદી પ્રદૂષિત બની ગઈ છે. પાવાગઢના ડુંગરો માંથી નીકળતી વિશ્વામિત્રી નદી વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થાય છે અને કેટલાક સ્થળોએ આ નદી શહેરીજનો માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થઈ છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તંત્રના પાપે આ નદીની યોગ્ય રીતે માવજત કરવામાં નથી આવી રહી અને તેના કારણે કેટલાક બે જવાબદાર ઉદ્યોગો માટે વિશ્વામિત્રી નદી એ પ્રદૂષણ ઠાલવવા માટેની ખાડી બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે.
નદીની આસપાસના કેટલાક વિસ્તારના ઉદ્યોગો દ્વારા રાત્રીના અંધકારમાં કેટલાક મળતીયાઓની મદદથી ટેન્કરોના ટેન્કર પ્રદૂષિત પાણી વિશ્વામિત્રી નદીમાં ઠાલવી દેવામાં આવે છે અને તેના માટે તંત્ર દ્વારા પણ આ ખાડા કાન કરી દેવામાં આવે છે આ અંગે અનેકવિધ ફરિયાદો તંત્રને કરવામાં આવી છે તેમ છતાં આજથી સુધી જવાબદાર ઉદ્યોગ સામે કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. અથવા તો કોઈ પણ જવાબદાર ઉદ્યોગ પકડાયો નથી. એક તરફ વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટ માટે લોકો રાહ જોઈ રહ્યા છે તેનું શુદ્ધિકરણ થાય અને તેની આસપાસ રિવરફ્રન્ટ બને તે માટે વડોદરાવાસીઓ ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે તંત્ર જણાવે છે કે ડીપીઆર અંતિમ તબક્કામાં છે પરંતુ બીજી તરફ પ્રદૂષણ પણ એટલું જ ફેલાવવામાં આવી રહ્યું છે જેને અટકાવવામાં તંત્ર સદંતર નિષ્ફળ નિવડ્યું છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓના છુપા આશીર્વાદ?
વિશ્વામિત્રી નદીમાં જે પ્રકારે પ્રદૂષણ ફાળવવામાં આવી રહ્યું છે તે જોતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કોઈક અધિકારીના છુપા આશીર્વાદ પણ હોઈ શકે આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જ એક અધિકારીએ નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે આ અંગેની અનેકવિધ ફરિયાદો આવી છે. સેમ્પલો પણ લેવાય છે. પરંતુ સેમ્પલ માં કંઈ પણ નીકળતું નથી અને સીધેસીધી ક્લિનચીટ આપી દેવામાં આવે છે.