નડિયાદ: નડિયાદમાં ડેટાએન્ટ્રીના કામના બદલામાં રૂપિયા કમાવવાની લોભામણી લાલચ આપી, અનેક ગ્રાહકો પાસેથી ડિપોઝીટની રકમ લઈ, કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર માસ્ટર સોલ્યુશન પ્રા.લિમીટેડ કંપનીના એમ.ડી જગજીતસીંગ ધારીવાલને પોલીસે ઝડપી પાડ્યો હતો. ગુજરાતભરમાં દોઢ વર્ષ અગાઉ હજારો લોકો માસ્ટર સોલ્યુશન પ્રા.લિ કંપનીમાં મેમ્બરશીપ ફી ભરી, ડેટાએન્ટ્રીનું કામ કરતાં હતાં અને દર મહિને સારી એવી કમાણી કરતાં હતાં. જોકે, આ કંપની દ્વારા સતત પાંચ-છ મહિના સુધી સભ્યોને ડેટા એન્ટ્રીના કામના બદલામાં રૂપિયા ચુકવવાનું બંધ કરી દીધું હતું.
જે તે વખતે ગ્રાહકોએ રૂપિયાની માંગણી કરતાં, કંપનીએ વાયદાઓ કર્યા હતાં. પરંતુ, કંપનીએ આપેલાં વાયદા ઠગારા નીવડ્યાં હોવાથી ગ્રાહકોની ધીરજ ખુટી હતી. બીજી બાજુ કંપનીની વિશ્વસનીયતા ઉપર પણ સવાલો ઉઠ્યાં હતાં. જેથી રોષે ભરાયેલાં ગ્રાહકોએ સૌપ્રથમ તારીખ 20 મે 2022 ના રોજ કંપનીની વિવિધ શાખાઓમાં જઈ હોબાળો મચાવ્યો હતો. નડિયાદ સંતરામ રોડ પરના વર્ગો કોમ્પ્લેક્ષમાં, કોલેજ રોડ પર તેમજ ડભાણ ખાતે આવેલ માસ્ટર સોલ્યુશનની ઓફિસોમાં પણ ગ્રાહકોના ટોળેટોળા વળ્યાં હતાં અને પોતાના અટવાયેલાં રૂપિયા બાબતે હલ્લાબોલ મચાવ્યો હતો.
જે બાદ પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ, તપાસ કરી હતી. જેમાં આ કંપની દ્વારા રાજ્યભરના કુલ 22 હજાર જેટલાં વ્યક્તિઓ સાથે 50 કરોડ રૂપિયાનું ફુલેકુ ફેરવવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આ આંકડો વધીને 200 થી 250 કરોડ સુધી પહોંચવાની પુરેપુરી શક્યતા હતી. જેથી એક મહિલા ગ્રાહકે આ મામલે માસ્ટર ડીજીટલ ટેકનોલોજી કંપનીના સીંગ નામના પાર્ટનર, રાહુલ વાઘેલા, મિતુલ મેનેજર અને ચિરાગ મેનેજર વિરૂધ્ધ નડિયાદ રૂરલ પોલીસમથકમાં ફરીયાદ આપી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જેના ગણતરીના કલાકોમાં જ બનાસકાંઠા એલ.સી.બી પોલીસે મુખ્ય સુત્રધાર રાહુલ વાઘેલાને ધાનેરા બોર્ડર પરથી ઝડપી પાડી, નડિયાદ રૂરલ પોલીસને સોંપ્યો હતો.
બીજી બાજુ નડિયાદ રૂરલ પોલીસે રાહુલની પત્નિ અને કંપનીની ડાયરેક્ટર ગૌરી વાઘેલાની પણ અટકાયત કરી હતી. જેના એક વર્ષ બાદ વડોદરા ક્રાઈમબ્રાન્ચ પોલીસે નાસતાં ફરતાં માસ્ટર સોલ્યુસન કંપનીના એમ.ડી જગજીતસીંગ હરભજનસીંગ ધારીવાલને પકડી પાડી, નડિયાદ રૂરલ પોલીસને સોંપ્યો હતો. માસ્ટર સોલ્યુશન પ્રા.લિમીટેડ કંપનીની સ્કીમમાં જે ગ્રાહક 20 હજાર રૂપિયા ભરી સ્કીમમાં જોડાય તેને ડેટા એન્ટ્રીના કામના બદલામાં રોજના 200 રૂપિયા મળતાં હતાં. તેવી જ રીતે 25 હજારની સ્કીમમાં જોડાયેલાં ગ્રાહકોને રોજના 300 રૂપિયા મળતાં હતાં. જ્યારે 90 હજારની સ્કીમમાં જોડાયેલાં ગ્રાહકોને રોજના 1000 રૂપિયા મળતાં હતા.