સરકારે 19 05 2023 ના રોજ રૂપિયા 2000 ની નોટ અર્થતંત્રમાંથી ઓછી થઇ જતાં કાળા નાણાં રૂપે જમા થઇ રહી હોવાનું લાગતાં પાછી ખેંચવાની જાહેરાત કરી છે. 30 સપ્ટેમ્બર સુધી બેંકો નોટ સ્વીકારશે અને બજારમાં ચલણમાં ચાલુ રહેશે. 30 સપ્ટેમ્બર પછી બજારમાં મોટી નોટોમાં 500 ની નોટ જ રહેશે. સરકાર હવે 2000 ની સામે 1000 રૂપિયાની નોટો અર્થતંત્રમાં મૂકવાનું કદાચ વિચારે તો મૂકવી જોઈએ નહીં. ભ્રષ્ટાચારને કાબૂમાં લાવવો હોય તો હવે 500 ની નોટ જ મહત્તમ રાખવી તેનાથી ભ્રષ્ટાચાર કાબૂમાં આવી શકે છે.
અમેરિકામાં વર્ષોથી 100 ડોલર થી વધુ રકમની નોટો ચલણમાં નથી. આપણે ત્યાં હવે ડિજિટલ યુગ શરૂ થયો છે ત્યારે મોટી રકમની નોટોની એટલી જરૂર પડવાની નથી. તમામ વર્ગનાં લોકો માટે 500 રૂપિયા સુધીની નોટો જ સીમિત રાખવી જોઈએ, જેથી કરી રોકડા રૂપિયાની લાંચો લેનારા ઓફિસરો કે રાજકારણીઓ જો નાની નોટો હશે તો લાખો કરોડોની રકમ મોટા જથ્થામાં લઈ જવી પડે અને તેને લઇ જવા માટે મોટા વાહનની અને સંગ્રહ કરવા માટે મોટી જગ્યાની જરૂર પડે. હાલ 2000 ની નોટ ગરીબ કે મધ્યમ વર્ગ પાસે તો ભાગ્યે જ હશે, ત્યારે સરકારનું આ પગલું જેની પાસે બે હજારની નોટોનો મોટો સંગ્રહ હશે તેવા ભ્રષ્ટાચારીઓ માટે કદાચ મુસીબત લાવનારું કહી શકાય.
સુરત – વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
રેલ દુર્ઘટના : યાત્રીઓની સુરક્ષા સામે પ્રશ્નાર્થ
તાજેતરમાં ઓડિશાના બાલાસોર ખાતે થયેલા ગોઝારા અકસ્માતે દેશને હચમચાવી દીધો છે. આ લખાય છે ત્યારે -મૃતકાંક 288. બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં ચાલુ છે. આ મોટી રેલ દુર્ઘટનાને પગલે યાત્રીઓની સુરક્ષા સામે ઘણા પ્રશ્નાર્થ ખડા કર્યા છે. એપ્રિલ 2017 થી 2021 દરમ્યાન પાટા પરથી ટ્રેન ઊતરી જવાની કુલ 1129 ઘટના બની. આ ઘટનાઓ બનવા માટેનાં કારણોમાં કેગના અહેવાલ અનુસાર ટ્રેકનાં સમારકામ, જાળવણી અને નવીનીકરણ માટે ફાળવવામાં આવતી રકમનો સંપૂર્ણ ઉપયોગ નથી થતો એ પણ છે.બીજી બાજુ વંદે ભારત જેવી આધુનિક અને ઝડપી ટ્રેન પાછળ જંગી ખર્ચ થાય છે. આ અહેવાલમાં રેલમાં કર્મચારીઓની અપૂરતી સંખ્યાનો મુદ્દો પણ ધ્યાનમાં આવ્યો છે.આ અકસ્માતના બનાવમાંથી બોધપાઠ લઈ પ્રવર્તમાન સિસ્ટમમાં રહેલાં છીંડાં દૂર કરી ફરી આવી દુર્ઘટના ન બને તે માટે સજાગ થઈએ ત્યારે મૃતકોને સાચી શ્રધ્ધાંજલિ આપી ગણાશે.
સુરત – વૈશાલી શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.