SURAT

વરાછામાં પાનની દુકાન ચલાવતા યુવક સાથેના ઝઘડામાં યુવકના મિત્રની ઘાતકી હત્યા

સુરત: (Surat) કતારગામ ખાતે રહેતા અને વરાછામાં પાનની દુકાન (Shop) ચલાવતા દુકાનદારને સિગારેટના પૈસા બાબતે ઝઘડો કરનાર યુવકે તેની સાથે ટોળાને લઈ આવી તોડફોડ કરી હતી. જેથી દુકાનદાર રાત્રે તેના મિત્રોને લઇને દુકાને બેસેલો હતો. રાત્રે દુકાન બંધ કરતી વખતે ફરીથી આ ટોળાએ આવીને દુકાનદાર અને તેના મિત્રો પર હુમલો કરતા દુકાનદારના મિત્રને ગળામાં છરો મારતા તેનું મોત થયું હતું. વરાછા પોલીસે (Varacha Police) હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • ‘દુકાન ખોલશો તો જીવતા રહેવા દઇશું નહીં’ કહીં ટોળાએ દુકાનદારના મિત્રને પતાવી દીધો
  • ઝઘડો મોટો ન થાય તે માટે દુકાનદારે બે-ત્રણ મિત્રોને બેસવા માટે બોલાવ્યા હતા
  • રાત્રે દુકાન બંધ કરતી વખતે ટોળાએ હુમલો કરતા સુનિલ રબારીને ગળા પર ઘા મારી દીધો
  • વરાછામાં સિગારેટના પૈસા બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ

કતારગામ ખાતે શ્યામ રેસીડેન્સીમાં રહેતા 25 વર્ષીય વિજયભાઈ મહિપતભાઈ બેરા (આહીર) એ વરાછા પોલીસ સ્ટેશનમાં મહેશ નગુભાઈ પામક અને હિમ્મત જગુભાઈ શિયાળની સામે હત્યાનો ગુનો નોંધાવ્યો છે. વિજયભાઈ વરાછા મોહનની ચાલ પાસે મુરલીધર પાનની દુકાન ચલાવે છે. ગઈકાલે વિજય અને તેનો ભાઈ વિશાલ દુકાને બેઠા હતા. ગઈકાલે રાત્રે સાડા દસેક વાગે તેમની દુકાન પાસે મહેશ નગુભાઈ પામક (કોળી) તથા હિમ્મત જગુભાઈ શિયાળ અને બીજા પાંચ-છ જણા બેસેલા હતા. ત્યારે મહેશ પામકે એક સિગારેટ લીધી હતી. અને તેના અડધા પૈસા આપ્યા હતા. વિશાલે તેને સિગારેટના પુરા પૈસા આપવા માટે કહ્યું હતું.

વિશાલે તેને પુરા પૈસા આપવાનું કહેતા મહેશે પૈસા દુકાનમાં ફેક્યા હતા. વિશાલે પૈસા ફેંકવાની ના પાડી તો મહેશે હું આવું છુ તેમ કહીને નીકળી ગયો હતો. અને થોડીવારમાં તેની સાથે હિમત શિયાળ અને છએક અજાણ્યાઓ આવીને વિશાલને માર મારી દુકાનમાં પડેલો સામાન ફેંકવા લાગ્યા હતા. બંને ભાઈઓએ આવુ નહીં કરવા માટે કહ્યું હતું. ત્યારે હવે તું તારી આ દુકાન કેમ ચાલુ રાખે તે જોઈએ છીએ અને જતા જતા હવે દુકાન ખોલશ તો તને કે તારા ભાઈને જીવતા રહેવા દઈશ નહી તેવી ધમકી આપી હતી. આ અંગે બંને ભાઈઓએ તેમના પિતા અને માસાને જાણ કરતા તેઓ દુકાને આવ્યા હતા. અને બંને ભાઈઓને ઘરે મોકલી આપ્યા હતા. બાદમાં દુકાને તેમના મિત્ર સુનિલ ચૌહાણ (રબારી) અને વિરલ વાડોલીયા બેસેલા હતા. બાદમાં રાત્રે આશરે 11 વાગે વિશાલ દુકાન પાસે ઉભો હતો અને તેણે દુકાન બંધ કરી હતી.

ત્યારે મહેશ પામક, હિમ્મત શિયાળ અને તેમની સાથે આશે આઠેક અજાણ્યાઓ લાકડાના ફટકા અને છરીઓ લઈને આવ્યા હતા. અને આવીને બધાને આડેધડ માર મારવા લાગતા વિશાલ સહિત બધા ત્યાંથી ભાગી ગયા હતા. જેથી પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને દુકાને ગયા તો સુનિલ ચીથરભાઈ ચૌહાણ (રબારી) ને ટોળામાંથી કોઈકે ગળાના ભાગે છરી મારી દીધી હોવાથી લોહીલુહાણ હાલતમાં પડેલો હતો. આ સિવાય વિશાલ, પ્રિન્સ જોષીને મુંઢ માર માર્યો હતો. રાહુલ લુવાને હાથના અંગુઠે છરીનો ઘા વાગ્યો હતો. તેમને 108 માં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડતા ત્યાં સુનિલ ચૌહાણને મૃત જાહેર કરાયો હતો. વરાછા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી પાંચ આરોપીઓની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top