પુત્રની કમાણી સારી હોય એટલે તે લગ્ન માટે દેખાવડી યુવતી પસંદ કરે. સુંદર યુવતી પૂછે, “ઘરે જૂનાં ફર્નિચર છે કે નહિ?” આ જૂનાં ફર્નિચર એટલે મા-બાપ. અને જો હોય તો લગ્ન પછી શહેરમાં મકાન રાખીને અલગ રહેવાનું મંજૂર હોય તો જ યુવતી લગ્ન માટે હા કહે. આ વાત સાંભળીને મને અને તમને અચરજ થાય એ સ્વાભાવિક છે. અમે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ત્યારે દરેક શાળામાં “વડીલોને માન આપો.” એ સુવિચાર ચોક્કસ વાંચવા મળતો. આજે માન શબ્દના સ્થાને ક્યાંક માર આપવો એવા અર્થમાં લેવામાં આવે ત્યારે દુઃખ થાય છે.
વડીલોને પ્રતાપે આપણું અસ્તિત્વ છે ત્યારે તેમની કદર કરવી જોઈએ. તેમને માન, પ્રતિષ્ઠા અને આબરૂ મળે તેવો વ્યવહાર કરવો જોઈએ. દરેક મા-બાપ, વડીલો અને મહેમાનોને આદરસત્કાર આપવો જોઈએ. આજે ક્યાંક તો વડીલો મૂંઝાયેલાં અને ગભરાયેલાં નજરે પડે છે. સત્ય છે કે, આપણને આપણાં વડીલો, સ્નેહી-સ્વજનોની કદર તેમની હાજરી હોય ત્યાં સુધી થતી નથી અને તેમની ગેરહાજરીમાં તેમની યાદો આપણને દુઃખી કરે છે. વડીલોની દરકાર કરો તો તેનું પ્રદર્શન પણ કરવાની જરૂર નથી. કદર તદ્દન નિઃસ્વાર્થ ભાવે કરવી જોઈએ.
હાલમાં યુવા સંસ્કૃતિ ટ્રસ્ટ દ્વારા સરથાણા ખાતે વડીલ વંદના કાર્યક્રમનું આયોજન સ્વામી સચ્ચિદાનંદજીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦૦ વડીલોનું પૂજન સાથે સન્માન કરાયું હતું. વડીલોને બીજું કાંઈ નથી જોઈતું, પરંતુ તેઓને આદર, સત્કાર અને પ્રેમ મળવો જોઈએ એમ અંકિત બુટાણીએ જણાવ્યું હતું. સ્વામીજીએ જણાવ્યું હતું કે વડીલ એટલે વટવૃક્ષ કહેવાય. તેની છત્રછાયામાં હજારો પશુ પક્ષીઓને અને માણસોને શીતળતા મળે છે. તેવી જ રીતે આપના ઘરમાં વડીલની છત્રછાયામાં કુટુંબને શીતળતા મળે છે એ વાત આપણે ન ભૂલવી જોઈએ. જે ઘરમાં વડીલોને માન-સન્માન નથી ત્યાં સમૃદ્ધિ આવતી નથી. ચાલો દરેક વડીલોને પ્રેમ, આદર અને સત્કાર આપીએ. નવી પેઢીએ આ વાત સારી રીતે શીખી લેવાની તાતી જરૂર છે.
નવસારી – કિશોર આર. ટંડેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.