મુંબઈ : આદિપુરૂષ (Adipurusha) ફિલ્મને રિલીઝ થવામાં માત્ર એક અઠવાડિયુ રહી ગયું છે. આ ફિલ્મ ઘણા વિવાદોમાંથી પસાર થઈને રિલીઝ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં નિર્માતાઓ તેના માર્કેટિંગમાં કોઈ કસર છોડી રહ્યા નથી. આ સાથે ઘણા ફેમસ અભિનેતાઓ આ ફિલ્મની ટિકિટ મફતમાં વહેંચી રહ્યા છે. ગઈ કાલે એટલે કે 9 જુનના રોજ બોલીવુડ એક્ટર રણવીર કપૂરે (Ranveer Kapoor) આદિપુરૂષની 10 હજાર ટિકિટ મફતમાં વહેંચવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે સાઉથ એક્ટર રામ ચરણે (Ram Charan) પણ આવી જાહેરાત કરી હોવાનું સામે આવ્યું છે.
એક અહેવાલ મુજબ RRR સ્ટાર રામ ચરણ પણ આદિપુરૂષની 10 હજાર ટિકિટ ખરીદશે. રામ ચરણ આ ટિકિટ દિવ્યાંગ બાળકો અને કેટલાક પસંદ કરેલા ચાહકોને ટિકિટનું વિતરણ કરશે તેવું જાણવા મળ્યું છે. જો વાત કરીએ તો પ્રખ્યાત તેલુગુ નિર્માતા અભિષેક અગ્રવાલે પણ 10 હજાર ટિકિટ ખરીદવાની જાહેરાત કરી હતી. તેમણે આ ટિકિટ સરકારી શાળાઓ અને વૃદ્ધાશ્રમોમાં વિતરણ કરવાનું નક્કિ કર્યું હતું.
થિયેટરમાં હનુમાનજી માટે સીટ ખાલી રખાશે
આદિપુરૂષ ફિલ્મનું અલગ-અલગ રીતે માર્કેટિંગ થઈ રહ્યું છે. તાજેતરમાં આદિપુરૂષના ડાયરેક્ટર ઓમ રાઉતેએ એક જાહેરાત કરી હતી કે આદિપુરૂષ ફિલ્મ જે થિયેટરમાં બતાવવામાં આવશે ત્યાં દરેક થિયેટરમાં એક સીટ ખાલી રાખવામાં આવશે. આ સીટ હનુમાનજી માટે ખાલી રાખવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર આ ફિલ્મની સામાન્ય ટિકીટ 250 રૂપિયા છે, જ્યારે હનુમાનજીની બાજુની સીટમાં બેસવા માટે 500 રૂપિયા ચૂકવવા પડશે.
ટીઝર રિલીઝ થતા તેમાં આપવામાં આવેલા VFXની ટીકા કરવામાં આવી
આ પહેલા ગયા વર્ષે એટલે કે 2022માં આદિપુરૂષનું ટીઝર આવ્યું હતું. ટીઝર રિલીઝ થતા તેમાં આપવામાં આવેલા VFXની સોશિયલ મીડિયા અને અન્ય અલગ-અલગ ઈન્ટરનેટના માધ્યમથી ટીકા કરવામાં આવી હતી. ત્યારબાદ ફિલ્મ નિર્માતાઓએ VFXમાં સુઘારા કર્યા હતા. VFXમાં સુધારા કરી 9 મેના રોજ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. જોકે આમાં પણ જનતાને ખામીઓ જોવા મળી હતી. પરંતુ એવું પણ કહેવામાં આવ્યું હતું કે ટીઝર કરતા ટ્રેલર સારૂં છે.
રિલીઝ પહેલા જ 432 કરોડની કમાણી
VFX સુધારવા માટે લગભગ 100 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેની સાથે આદિપુરૂષ ફિલ્મ 500 કરોડમાં બનીને તૈયાર થઈ છે. જો કે આ ફિલ્મ રિલીઝ પહેલા જ 432 કરોડની કમાણી કરી ચૂકી છે. તેવું એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું. 432 કરોડની કમાણીમાં 247 કરોડ રૂપિયા ટેલાઇટ રાઇટ્સ, મ્યુઝિક રાઇટ્સ અને ડિજિટલ રાઇટ્સમાંથી આવ્યા છે.