સુરત: શહેરની વીર નર્મદ યુનિવર્સિટી (VNSGI) દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૦૨૪થી કોમર્સ (Commerce) વિદ્યાશાખામાં સ્નાતક કક્ષાના નવા ચાર અભ્યાસક્રમો શરૂ કરવા માટે એકડેમિક કાઉન્સિલે લીલી ઝંડી આપી દીધી છે. હવે બીકોમ (Bcom) સાથે આઈટીના (IT) વિષયો સામેલ કરવામાં આવશે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત આ અભ્યાસક્રમો ચાર વર્ષના ઓનર્સ અભ્યાસક્રમ હશે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની બેઠક ૭મી જૂન, ૨૦૨૩ના યોજાઈ હતી. જેમાં કોમર્સ વિદ્યાશાખાનો મુદ્દો ચર્ચામાં લેવાયો હતો. એકેડેમિક કાઉન્સિલ દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ૨૦૨૦ અંતર્ગત કોમર્સ વિદ્યાશાખાના સ્નાતક કક્ષાના નવા ચાર અભ્યાસક્રમોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં બીકોમ વિથ ડેટા સાયન્સ, બીકોમ વિથ ઇ-કોમર્સ, બીકોમ વિથ ફિનટેક અને બીકોમ વિથ પ્રોફેશનલ અભ્યાસક્રમો છે. આ તમામ અભ્યાસક્રમો ચાર વર્ષના ઓનર્સના અભ્યાસક્રમો રહેશે. નવા અભ્યાસક્રમોમાં આઈટીના વિષયો સામેલ કરવામાં આવ્યા છે. આ અભ્યાસક્રમો શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૦૨૪થી લાગુ કરવામાં આવશે.
કોમર્સ વિદ્યાશાખાની કમિટીએ નવા અભ્યાસક્રમોના સિલેબસ બનાવ્યા છે. ૧૦મી જૂન, ૨૦૨૩ના રોજ કોમર્સ વિદ્યાશાખાની બેઠક મળશે. જેમાં કમિટી દ્વારા બનાવેલા અભ્યાસક્રમને મંજૂરી આપવામાં આવશે. ત્યારબાદ તે અભ્યાસક્રમ મંજૂરી માટે એકેડેમિક કાઉન્સિલમાં રજૂ કરવામાં આવશે.
એક વર્ષનો કોમ્પ્યુટર એપ્લિકેશનનો પીજીનો કોર્સ શરૂ થશે
નર્મદ યુનિવર્સિટી બીસીએ ઓનર્સ બાદ એમએસસી કોમ્પ્યુટર એપ્લિકેશનનો એક વર્ષનો અનુસ્નાતકનો અભ્યાસક્રમ શરૂ કરશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલ દ્વારા સ્નાતકના ચાર વર્ષના બીસીએ ઓનર્સ અભ્યાસક્રમ પછી વિદ્યાર્થી અનુસ્નાતકનો એમએસસી કોમ્પ્યુટર એપ્લિકેશનનો એક વર્ષનો અભ્યાસક્રમ કરી શકશે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૦૨૪થી આ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે.