Editorial

નાટોનો એશિયામાં પ્રવેશ:એક નોંધપાત્ર ઘટના

બીજું વિશ્વયુદ્ધ પુરું થયું અને ધીમે ધીમે આખી દુનિયા જાણે બે છાવણીઓમાં વહેંચાવા માંડી. વિશ્વયુદ્ધ વખતે જેઓ એક સાથે મળીને હિટલરના જર્મની સામે અને તેના જાપાન સહિતના સાથીદારો સામે લડ્યા હતા તે દેશોમાં રશિયાનો પણ સમાવેશ થતો હતો. જો કે બોલ્શેવિક ક્રાંતિ પછી રશિયા સામ્યવાદી બની ગયું હતું અને સોવિયેટ યુનિયનનું નિર્માણ થયું હતું તે બાબત અમેરિકા સહિતના ૫શ્ચિમી દેશોને ખટકી તો રહી જ હતી અને બીજા વિશ્વયુદ્ધ પછી અવિશ્વાસ વધતો ગયો અને દુનિયા જાણે મૂડીવાદી અને સામ્યવાદી એમ બે છાવણીઓમાં વહેંચાવા માંડી.

ચોથી એપ્રિલ, ૧૯૪૯ના દિવસે અમેરિકાના વૉશિંગ્ટનમાં એક સંધિ થઇ જેમાં એટલાન્ટિક મહાસાગરના ઉત્તરીય ભાગની આસપાસ વસેલા ૩૧ દેશો જોડાયા અને તે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન(નાટો)ના નામે ઓળખાયુ, જ્યારે વોર્સો શહેરમાં સામ્યવાદી દેશો વચ્ચે સંધિ થઇ અને તેઓ વોર્સો છાવણીમાં ભેગા થયા. આખી દુનિયા નાટો અને વોર્સો બે છાવણીઓમાં વહેંચાઇ જાય તે પહેલા આપણા નહેરૂજી સહિતના કેટલાક વિશ્વનેતાઓએ બિનજોડાણવાદી ચળવળ – નામની સ્થાપના કરી. જો કે સમય જતા સોવિયેટ યુનિયના વિસર્જન સાથે વોર્સો છાવણી નાબૂદ થઇ અને નામ સંગઠન પણ અપ્રસ્તુત બન્યુ, પરંતુ નાટો સંગઠન હજી મજબૂત છે અને પોતાની વગ વધારવા માગતુ જણાય છે. હાલમાં તેણે એશિયામાં પ્રવેશ કર્યો છે.

અમેરિકાના નેતૃત્વ હેઠળનું લશ્કરી સંગઠન નાટો હવે એશિયા ખંડમાં પણ પ્રવેશ કરી રહ્યું છે. જાપાનની રાજધાની ટોકિયોમાં તે પોતાની એક સંપર્ક કચેરી શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. જાપાનીઝ સમાચાર સંસ્થા નિક્કી એશિયાએ આપેલા અહેવાલ મુજબ ટોકિયોમાં શરૂ થનાર નાટોની લાયેઝન ઓફિસ આ સંગઠનને સમયે સમયે જાપાન અને આ પ્રદેશના મહત્વના ભાગીદારો જેવા કે સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સાથે ચર્ચા વિચારણા કરી શકશે. અમેરિકાના ખાસ સાથીદાર મનાતા આ ચાર દેશો સાથે ભાગીદારી વધારવાની નાટો(નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન)ની ઇચ્છા આમાં દેખાઇ આવે છે.

આ કચેરી નાટો અહીં એવા સમયે ખોલી રહ્યું છે જ્યારે ચીન આ વિસ્તારમાં અમેરિકા અને તેના સાથી દેશો માટે મોટો પડકાર બનીને ઉભરી રહ્યું છે અને રશિયા પણ પશ્ચિમી દેશો અને તેમના સાથીદાર દેશો માટે પડકાર સર્જી રહ્યું છે. દરમ્યાન, જાપાનમાં નાટો પોતાની કચેરી ખોલવા જઇ રહ્યું છે તેવા અહેવાલો સામે ચીને સખત પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે આ પ્રદેશના દેશોએ ભારે સતર્કતા રાખવાની જરૂર છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવકતા માઓ નિંગે કહ્યું હતું કે એશિયા એ શાંતિ અને સ્થિરતાનું દૂત છે અને સહકાર તથા વિકાસ માટેની આશાસ્પદ ભૂમી છે અને નહીં કે ભૂરાજકીય સ્પર્ધા માટેનું કુસ્તીનું મેદાન. પૂર્વમાં આગળ વધવાની નાટોની હિલચાલ પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા જોખમાવશે અને છાવણી સંઘર્ષના સંજોગો સર્જશે. ચીનની આ પ્રતિક્રિયા સ્વાભાવિક છે. બલ્કે જાપાનમાં નાટોનો પ્રવેશ જ ચીનને કાબૂમાં રાખવા માટે છે એ સ્પષ્ટ જણાઇ આવે છે.

શીતયુદ્ધ સમયે હતા ત્યાર કરતા અત્યારે સંજોગો જુદા છે છતાં તેને ઘણે અંશે મળતા પણ આવે છે. અમેરિકા અને કેનેડા તથા તેમના સાથી યુરોપિયન દેશો મૂડીવાદી દેશો છે. સામ્યવાદ આજે વિશ્વમાં તેના મૂળ સ્વરૂપે તો અસ્તિત્વમાં નથી પરંતુ ચીનમાં અને ઉત્તર કોરિયા જેવા દેશોમાં તે કંઇક જુદા જુદા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે ખરો. સોવિયેટ યુનિયનના વિસર્જનના દાયકાઓ પછી આ યુનિયનનો મુખ્ય દેશ રશિયા હવે બળવાન બનીને ફરી એક વાર અમેરિકાને પડકારી રહ્યો છે.

અમેરિકા અને તેના સાથી દેશોના અનેક હોંકારા પડકારાને અવગણીને પણ તેણે યુક્રેન પર ધરાર આક્રમણ કર્યું અને તે યુદ્ધ હજી ચાલુ જ છે. બીજી બાજુ, અમેરિકા સામેનો સૌથી મોટો પડકાર આજે ચીન છે. સામ્યવાદી સોવિયેટ યુનિયનનું સ્થાન સામ્યવાદી ચીને લઇ લીધું હોય તેવા સંજોગો સર્જાયા છે. બલ્કે અમુક દષ્ટિએ જોતા તો ભૂતપૂર્વ સોવિયેટ યુનિયન કરતા અનેક રીતે ચીન વધુ બળવાન બની ગયું છે.

સોવિયેટ યુનિયન કંઇ બહુ મોટી આર્થિક શક્તિ ન હતું પરંતુ ચીન એક આર્થિક મહાસત્તા પણ બની ચુકયું છે. ઇલેકટ્રોનિક વસ્તુઓની બાબતમાં તેણે જાપાનને અને દક્ષિણ કોરિયાને પણ હંફાવી દીધા છે અને લશ્કરી રીતે તો આ ક્ષેત્રમાં તેની ટક્કર લઇ શકે તેવો કોઇ દેશ નથી. આ બધા સંજોગો જોઇને નાટોએ જાપાનમાં પોતાની લાયેઝન ઓફિસ ખોલવાનું યોગ્ય સમજયું હોય તે સ્વાભાવિક છે. નાટો તેના નામ પ્રમાણે તો નોર્થ એટલાન્ટિક એટલે કે ઉત્તરીય એટલાન્ટિક મહાસાગરની આસપાસના દેશો વચ્ચેની સંધિનું સંગઠન છે અને આ સંગઠનમાં તે કોઇ એશિયન દેશને સમાવાય તેવી તો શક્યતા લાગતી નથી પરંતુ જાપાનમાં ઓફિસ શરૂ કરીને નાટોએ એશિયામાં પ્રવેશ કરી લીધો છે તે ચોક્કસ છે.

Most Popular

To Top