SURAT

આને કહેવાય ઓફિશિયલ લૂંટ : દિલ્હીથી સુરતનું સિંગલ સાઈડ ટિકિટ ભાડું 15,000થી 17,400

સુરત: સુરત એરપોર્ટથી સ્પાઇસ જેટ અને એર ઇન્ડિયાના એર ઓપરેશન સમેટાયા પછી ઈન્ડિગો એરલાઈન્સ અને એર એશિયા વચ્ચે એકસમાન રૂટ પર પ્રાઈઝ વોર ફાટી નીકળશે. એના લીધે પેસેન્જરોને સસ્તી ટિકિટ મળશે એવી આશા ઠગારી નીવડી છે.

બંને એરલાઈન્સે વેકેશનમાં તગડી કમાણી કરવા કેટલાંક સ્ટેશનના ટિકિટના દર એકસરખા રાખી સુરતથી દિલ્હી જતા અને દિલ્હીથી સુરત આવતા પેસેન્જર્સને ખંખેરી મોટો નફો રળ્યો છે. એરલાઈન્સ કંપનીઓ સસ્તી ટિકિટ વેચી બીજા એરપોર્ટ પર ખોટ કરી રહી છે. ત્યાં સુરત એરપોર્ટ પર ટિકિટનો દર દિલ્હી રૂટ પર એકસમાન રાખવા જાણે અઘોષિત સંધિ કરી હોય એમ જણાઈ રહ્યું છે.

દિલ્હીથી સુરત આવવા ઈન્ડિગો જ્યાં 15,025થી 17,440 રૂપિયા ટિકિટનો દર વસૂલી રહ્યું છે. ત્યાં એર એશિયા પણ 17,439 રૂપિયા જેટલો ભાવ વસૂલી રહી છે. સુરતથી દિલ્હી જવાનો ભાવ ઈન્ડિગો અને એર એશિયા 6000થી 6200 સુધી વસૂલી રહ્યું છે.

જાણકારો કહે છે કે, વેકેશનમાં જમ્મુ કાશ્મીર, લેહ-લડાખ, કુલુ-મનાલી અને નોર્થ ઇસ્ટના સેવન સિસ્ટર સ્ટેટમાં પ્રવાસે ગયેલા પેસેન્જર્સ વાયા દિલ્હી થઈ સુરત આવે છે. એ તકનો લાભ બંને એરલાઈન્સ ઉઠાવી રહી છે, જેટલું સુરત-શારજાહ ઇન્ટરનેશનલ રિટર્ન ફ્લાઈટનું ટિકિટ ભાડું છે. એટલું જ રિટર્ન ટિકિટ ભાડું દિલ્હી સુરત રૂટ ઉપર 21,000થી 23,000 જેટલું એરલાઈન્સ વસૂલી રહી છે.

સુરતથી દિલ્હી માટે 6000 અને દિલ્હીથી સુરત આવવા માટે 15025થી 17,440 રૂપિયાનો ભાવ રાખી એરલાઈન્સ એક સેક્ટર વ્યાજબી અને બીજું ડબલ ભાવ સાથેનું રાખી રહી છે. રિટર્નમાં પ્રીમિયમ દર વસૂલી રહી છે. નવાઈની વાત એ છે કે, દિલ્હીથી બીજી મેટ્રો સિટીનું ભાડું સસ્તું છે. જ્યારે દિલ્હીથી સુરતનું મોંઘું જણાય છે. અહીં ફેર બકેટ, ફેર ક્લબ અને એ ટુ ઝેડ કેટેગરીમાં ભાડું વસૂલી રહી છે. સુરત-દિલ્હી રૂટ પર ડિમાન્ડ વધુ છે અને એર કનેક્ટિવિટી ઓછી એવું એરલાઈન્સ જાણી ગઈ હોવાથી મનગમતો ભાવ વસૂલી રહી છે.

સુરત એટીસી બિલ્ડિંગનું રિપેરિંગ શરૂ કરાયું
સુરતના નવનિયુક્ત એરપોર્ટ ડાયરેક્ટર રૂપેશકુમાર લોહાણીના આગમન પછી એરપોર્ટમાં વિકાસનાં કામોમાં ઝડપ આવી હોય એવું જણાઈ રહ્યું છે. સલામતી અને કાર્યક્ષમતાના ઉચ્ચત્તમ ધોરણો જાળવવા સુરત એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી) ટાવરનું ઘણાં વર્ષો પછી મરામત કામ શરૂ કરવામાં આવ્યું છે. જેથી નવા ટર્મિનલ બિલ્ડિંગ સાથે આ ટાવર પણ ઝળહળી ઊઠે. એપીડીએ ટ્વીટ કરી માહિતી આપી છે કે, હાલમાં ATC ટાવરમાં જાળવણી અને નવીનીકરણ કરી રહ્યા છીએ.

Most Popular

To Top