પીવા માટે આપણી પૃથ્વી પર કેવળ વરસાદી જળ જ ઉપલબ્ધ હોય એવા સંજોગોમાં વિવિધ નાનાં-મોટાં જળાશયોનું ખૂબ જ મહત્ત્વ છે. આવાં જળાશયમાં સંઘરાયેલું પાણી અનેક ઉપયોગો ધરાવે છે, એમ તેની આસપાસ વિવિધ જીવસૃષ્ટિ પણ સંકળાયેલી હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા આમ તો છેક ૧૯૮૬થી સિંચાઈ માટે વપરાતાં નાનાં જળાશયોની ગણતરી દર પાંચ વરસે કરવામાં આવે છે. પણ હવે જળશક્તિ મંત્રાલયે પહેલવહેલી વાર કુદરતી તેમજ કૃત્રિમ જળાશયોની ગણતરી કરીને તેના આંકડા બહાર પાડ્યા છે. આ આંકડા ઘણી વિગતોને ઉજાગર કરે છે.
સૌ પ્રથમ તો જળાશયની વ્યાખ્યા જાણી લેવા જેવી છે. એ મુજબ તમામ કુદરતી કે માનવસર્જીત એકમો, કે જેની ચારે તરફ થોડુંઘણું ચણતરકામ કરાયેલું હોય યા ન હોય અને તે સિંચાઈ કે અન્ય હેતુ માટે પાણીનો સંચય કરવા માટે વપરાતું હોય તેને જળાશય ગણવામાં આવે છે. અન્ય હેતુમાં ઔદ્યોગિક, મત્સ્યઉછેર, ઘરેલુ કે પીવા માટે, મનોરંજન, ધાર્મિક કે ભૂગર્ભ જળના રિચાર્જ વગેરેનો સમાવેશ થાય છે. વિવિધ હેતુઓ અને કદ અનુસાર આ જળાશયોને તળાવ, તળાવડી, સરોવર જેવાં વિવિધ નામે ઓળખવામાં આવે છે.
જળાશયમાં શેની ગણતરી કરવામાં નથી આવતી એ પણ જાણવા જેવું છે. એમાં સમુદ્ર, ખારા પાણીનું સરોવર, નદી, ઝરણાં, ધોધ, નહેર એટલે કે પાણી વહેતું રહેતું હોય એનો સમાવેશ કરાતો નથી. આ ઉપરાંત સ્વીમિંગ પુલ, પાણીની ટાંકી, ખનન યા ખોદકામ, ઈંટોની ભઠ્ઠી કે બાંધકામની પ્રવૃત્તિને કારણે બનેલું જળાશય તેમજ ઢોરઢાંખરને પાણી પીવા માટે બનાવેલા પાકા હોજને પણ આમાં ગણતરીમાં લેવામાં આવતા નથી. ગણતરીમાં લેવાતા જળાશયમાં હિમ પીગળવાથી, ઝરણાં, જળપ્રવાહ કે વરસાદ દ્વારા અથવા નિવાસી યા અન્ય વિસ્તારોમાંથી નિકાલ પામવાથી પાણીની આવક થાય છે.
તે કાં આવાં સ્થાને એકઠું થાય છે કે પછી તેને નાળું, નદી કે અન્ય પ્રવાહને વાળીને સંઘરવામાં આવે છે. આ પણ જળાશયની વ્યાખ્યામાં આવે છે. બંગાળમાં દેશભરમાં સૌથી વધુ, લગભગ સાડા સાત લાખ જળાશયો આવેલાં છે. બીજા ક્રમે આવેલા, સૌથી ગીચ રાજ્ય ઉત્તર પ્રદેશમાં લગભગ અઢી લાખ જળાશયો છે. આમ, પહેલા અને બીજા ક્રમ વચ્ચે જ દેખીતું અંતર રહેલું છે. આંધ્ર પ્રદેશ, ઓડિસા, આસામ, ઝારખંડ અને તામિલનાડુ રાજ્યોમાં જળાશયોની સંખ્યા એક લાખથી વધુ છે. અરુણાચલ પ્રદેશ, દિલ્હી, ચંદીગઢ અને સિક્કિમમાં આ સંખ્યા એક હજારથી ઓછી છે.
તમામ રાજ્યોમાં મહારાષ્ટ્ર જળસંચયમાં અગ્રતા ક્રમે છે. શહેર અને નગરમાં કુલ જળાશયો પૈકીનાં માત્ર ત્રણ ટકા જળાશયો જ આવેલાં છે એ ગંભીર બાબત ગણાવી શકાય. નગરો હવે વિકસી રહ્યાં છે અને શહેરો વધુ વિકસિત બની રહ્યાં છે. વસતિની ગીચતાને કારણે હવે શહેરોમાં જમીનની અછત પડી રહી છે. શહેરોમાં સતત થઈ રહેલા માળખાકીય ફેરફારને કારણે તેનું ભૂપૃષ્ઠ સદંતર બદલાઈ રહ્યું છે. આ સંજોગોમાં શહેરોમાં નાનાં યા મધ્યમ કદનાં ઘણાં ખરાં જળાશયો પાણી વિનાનાં રહે એમ બનતું હોય છે. તેની સામે હવે શહેરોના સૌંદર્યમાં વૃદ્ધિ કરવાના આશયથી કૃત્રિમ જળાશયોનું નિર્માણ થઈ રહ્યું છે. ઘણા ખરા કિસ્સામાં અણઘડ આયોજનને કારણે આવાં કૃત્રિમ જળાશયો પણ પાણી વિનાનાં રહે છે. આસપાસના ભૂપૃષ્ઠ સાથે તે બંધબેસતાં નથી અને છેવટે એ જળાશય સિવાયના વિસ્તારોમાં પાણી ભરાતું રહે છે.
વિવિધ જળાશયોનાં કદ, તેની પર થયેલાં દબાણ અને તેની સંગ્રહક્ષમતાને લગતી વિગતો આ અહેવાલમાં ઉલ્લેખાયેલી છે. આ વિગતો આગામી આયોજન માટે ઘણી મદદરૂપ બની શકે એમ છે. શહેરી આયોજન તેમજ ગ્રામ્ય રોજગારી નિર્માણની યોજનાઓ ઘડવામાં તેનો ઉપયોગ કરી શકાય. સ્થાનિક સ્તરે સંબંધિત એજન્સીઓને આ આયોજનની જવાબદારી સોંપી શકાય, જેનો અંતિમ હેતુ જળસંચયનો અને અન્ય હેતુઓ માટે જળને ઉપલબ્ધ કરાવવાનો હોય. આ પ્રકારના અભ્યાસ ચોક્કસ પ્રકારની વિગતો અવશ્ય પૂરી પાડે છે, જેને પગલે અનેક સંબંધિત બાબતો ધ્યાનમાં આવે છે. જેમ કે, કયા વિસ્તારોમાં જળસંચયની આવશ્યકતા વધુ છે, તેને વધારવા માટે શું કરી શકાય, જળાશયોની સંખ્યા વધે એ માટેના ઉપાયો વગેરે…કેવળ અભ્યાસ કરવો પૂરતો નથી.
એ અભ્યાસમાંથી નીકળતાં તારણ અને પરિણામનો ઉપયોગ સુયોગ્ય નીતિઘડતર માટે કરી શકાય. આ પ્રકારનો દેશવ્યાપી અભ્યાસ હજી પહેલવહેલી વાર થયો હોવાથી એવી આશા રાખવી અસ્થાને નહીં ગણાય. આ અભ્યાસ કેવળ ઉપલા સ્તર પૂરતો મર્યાદિત રહે તો એનો કશો અર્થ નથી. પંચાયત, નગર પંચાયત, નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની અન્ય સંસ્થાઓ આમાં સહભાગી બને અને પોતાના વિસ્તારની સમસ્યાની રજૂઆત કરે તથા તેના ઉકેલ માટે યોગ્ય પગલાં લે તો આખી કવાયત સફળ બની શકે. કેમ કે, આખરે તો જળસંકટનું નિવારણ જ તેનું અંતિમ લક્ષ્ય છે.
સાથે એ પણ સમજી લેવું જરૂરી છે કે જળસંકટને હળવું કરવાનું કામ કેવળ કોઈ સંસ્થા યા સરકારનું એકલાનું નથી. નાગરિકો પાણીનો વેડફાટ અને દુરુપયોગ અટકાવે એ બાબતે તેમને પ્રશિક્ષિત કરવા જરૂરી છે. કેમ કે, છેવટે તેના અંતિમ ઉપભોક્તા નાગરિકો છે. આથી તેઓ જેટલા સચેત અને સાવધ રહે તેટલા તેઓ પાણીના દુરુપયોગ અંગે સભાન બની શકશે. વ્યક્તિગતથી લઈને સામુહિક સ્તર સુધી જળનો વેડફાટ અટકાવવો એ આ દિશામાં પહેલું પગલું છે, કેમ કે, તેને પ્રાપ્ત કરવાનો સ્રોત નૈસર્ગિક છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.