Dakshin Gujarat

‘તું દોઢ ફૂટની ડેમેજ પીસ છે, અમને ગમતી નથી’ કહી શિક્ષિકાને સુરતના શિક્ષિત સાસરિયાનો ત્રાસ

બારડોલી: ‘તું દોઢ ફૂટની ડેમેજ પીસ છે, તું અમને ગમતી નથી’ એમ કહી સાસરિયાઓએ શિક્ષિકા એવી પુત્રવધૂને શારીરિક-માનસિક ત્રાસ આપી દહેજમાં (dowry) ગાડી, ફ્રીજ અને ફર્નિચર લાવવા માટે દબાણ કરતાં પુત્રવધૂએ સુરત (Surat) જિલ્લા મહિલા પોલીસમથકમાં (Police Station) સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલીના ગાંધી રોડ પર આવેલા દેસાઇ નગરમાં મોતી મહલ સોસાયટીમાં રહેતા જોહારખાન મોહમદ ખાન પઠાણની પુત્રી મહેઝબીનાં લગ્ન ગત તા.23/5/2021ના રોજ સુરતના શાહપોર વિસ્તારમાં આરઝુ લુહારપોળમાં રહેતા શાહબાઝ ખાન મુખત્યારખાન પઠાણ સાથે થયાં હતાં. લગ્નના એક મહિના પહેલાં જ મહેઝબીના પિતાનું અવસાન થયું હતું. આથી લગ્નના 6 મહિના બાદ તેણીને સાસરે વિદાય કરવામાં આવી હતી. સસરામાં પતિ, સાસુ-સસરા અને દિયર સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા, બે મહિનામાં જ પતિ અને સાસુ સસરા દ્વારા તેણીને મેણાંટોણાં મારી ‘તું દોઢ ફૂટની તું ડેમેજ પીસ છે તું અમને ગમતી નથી અને તારાં માતા-પિતાએ લગ્ન વખતે કંઈ આપ્યું નથી. તારી મેમરી લોસ છે, તું અમારા મન પરથી ઉતરી ગઈ છે’ એમ કહી ત્રાસ આપવામાં આવતો હતો અને દહેજમાં પૈસા તેમજ ગાડી, ફ્રીજ અને ફર્નિચરની લાવવા દબાણ કરવામાં આવતું હતું.

ત્યારબાદ પરિણીતાની એંગલો ઉર્દૂ શાળામાં એડહોક શિક્ષક તરીકે નોકરી લાગતાં સાસુ દ્વારા તેનો પગાર પણ લઈ લેવામાં આવતો હતો. સાસુ સમીમબેન ખુદ ફૈઝ એ.એ.ચક્કીવાળા સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. જ્યારે સસરા મુખત્યારખાન પઠાણ પણ નિવૃત્ત શિક્ષક છે. તા.19/2/2022ના રોજ શિક્ષણ સહાયક તરીકે નોકરી લાગી હતી. તે સમયે અચાનક ગર્ભાશયમાં ગાંઠ હોવાથી ઓપરેશન કરવું પડ્યું હતું. પગારની તમામ રકમ પણ સાસુને જ આપી દેવા માટે ફરજ પાડવામાં આવતી હતી.

દરમિયાન મહેઝબી પતિને સમજાવવા જતાં પતિએ થપ્પડ મારી દીધી હતી અને સાસુ સાથે મળી ફોન અને પર્સ લઈ લીધા હતા. આથી ડરીને તેણી ઘરની બહાર નીકળી અજાણ્યાની મદદ લઈ માતાને ફોન કર્યો હતો અને સમગ્ર હકીકતની જાણ કરી હતી. અને તે પોતાના પિયર જતી રહી હતી. પિયરમાં આવ્યા બાદ તે ગર્ભવતી હોવાની જાણ થતાં પતિ તેને ફરવા માટે લઈ ગયો હતો. જ્યાંથી પરત આવ્યા બાદ ફરી સાસરિયાના ત્રાસથી પોતાના પિયર પરત આવી હતી. જ્યાં તેને ગર્ભપાત થઈ ગયો હતો. વારંવાર ત્રાસ બાબતે અનેક વખત સમાધાનના પ્રયાસો છતાં કોઈ નિવેડો આવ્યો ન હતો. અંતે મહેઝબીએ મહિલા પોલીસમથક માં તેના પતિ શાહબાઝખાન મુખત્યારખાન પઠાણ, સસરા મુખત્યારખાન અને સમીમબેન વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top