વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના હંસાપુરા ગામની આ વાત છે. રમણ વસાવાનો મજૂર બાપ સના ઉકડ ગરીબી અને માંદગીમાં મરણ પામ્યો. ૯ વર્ષના રમણને ડભોઈમાં વાંચવા- લખવા જોગ ભણાવવાનું કામ સના ઉકડની વિધવા માટે શકય જ નહોતું. કારણ લક્ષ્મીના માથે ગરીબી, વૈધવ્ય અને બે છોકરાના ઉછેરની જવાબદારી હતી. માત્ર નામ લક્ષ્મી, પરંતુ હંસાપુરા ગામના પંચાયત દફતરે સના ઉકડની હયાત વિધવા તરીકે નોંધાયેલ લક્ષ્મીને પિયર અને સાસરે બંનેથી ગરીબાઈ જ મળેલી. આજે ૫૫ વર્ષની ઉંમરે લક્ષ્મીબહેન પાસે મિલ્કતમાં પોતાનાં છોકરાંવ, તેમની વહુઓ અને તેમનાં છોકરાં મળીને ૧૧ માણસોનો વસ્તાર અને એક કાચું ઝૂંપડું છે.
પણ નસીબજોગે વાર્ષિક રૂ.૨૦,૦૦૦ કરતાં ઓછી આવક ધરાવતા, ગરીબીની રેખા હેઠળ જીવતા આદિવાસી કુટુંબને સરદાર આવાસ યોજનાનો લાભ મળતાં ૫૦ ચોરસ મીટર જમીન ઉપર લક્ષ્મીબહેના કુટુંબને ૨૦ ચોરસ મીટરના બાંધકામવાળું પાકું મકાન અને ઘરને છાંયે સુવાય તેવું આંગણું મળતાં વસાવાના જીવનમાં ઉમંગ ઉભરાયો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મળેલ રૂ.૧,૭૫,૦૦૦/-નો પૂરો સદ્દવ્યય થયો, એટલું જ નહીં પણ લાભાર્થીનો શ્રમ ફાળો અને સ્વૈચ્છિક સંસ્થાની સેવાપરાયણતા ઉમેરાતાં ઈંટ-સિમેન્ટનું ઘર પોતાની મહેનતથી, પોતાના અધિકારથી મળ્યાનો આનંદ છે.
હંસાપુરા ગામની લક્ષ્મીના જીવનમાં થોડી આશા ઉમેરાયાનો રંગ દેખાઈ રહ્યો છે. વંચિતો અને આદિવાસી કુટુંબને ઓળખ આપતા, ગરીબોના દર્દભર્યા ભટકતા જીવનને સ્થિરતા આપતા, વારસાગત રીતે ગરીબોના સ્થળાંતરને અટકાવતા આવાસો તમામ નિરાધારો માટે લગભગ સમાન રીતે અસરકારક બની રહ્યા છે. ભારત સરકારની ૭૫ ટકા સબસિડી અને રાજ્ય સરકારની ૨૫ ટકા સબસિડીની મર્યાદામાં ઘરવિહોણાંઓને પ્રધાનમંત્રી આવાસ આપવાની યોજના છે. આવાસોને રિપેર કરવા માટે પણ ઘર દીઠ રૂ.૩૮,૦૦૦/-ની વધારાની સહાયની સુવિધા અપાય છે.
ગુજરાત સરકારે પોતાના તાજેતરના બજેટમાં ગરીબોના આવાસ માટે રૂ.૧૬૫ કરોડ ફાળવી ૧,૧૨,૦૦૦ મકાનો તૈયાર કરવાનો મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ જારી કર્યો છે, જે દેશભરમાં અન્ય રાજ્યો માટે નમૂનારૂપ બને છે. તો સૌરાષ્ટ્રના દરિયા કાંઠે મહુવાસ્થિત ગ્રામનિર્માણ સંઘે ગરીબી રેખા હેઠળ જીવતાં ૭૦૦ કુટુંબોને આવાસની સુવિધા આપી ગરીબ માણસને ઓળખાણ આપી છે. આઝાદીનાં ૭૫ વર્ષમાં ગરીબોના નામે અબજો રૂપિયા વેરાયા છે પરંતુ દુર્ભાગ્યવશાત્ તે ગરીબો સુધી પહોંચતા નથી. ૧૦૦ રૂપિયામાંથી ૬૮ રૂપિયા વ્યવસ્થા ખર્ચ ખાતે ખેંચી જનાર રાજ્યના સરકારી અધિકારીઓ અને રાજકીય પક્ષોએ પણ ગામડાંઓના ગરીબોને જેની તે સ્થિતિમાં ઊભા રાખ્યા છે. આ સ્થિતિ વચ્ચે ગોકુળ ગામ યોજના હેઠળ રાજ્યનાં ગામડાંઓમાં શાળા, દવાખાનાં, રસ્તા અને પીવાના પાણીની વહેંચણીનું કામ થયું છે. તેમાં ગરીબો માટે આવાસની યોજના ઉમેરાય છે તેથી આશાનું કિરણ જણાયું.
રાજ્ય ગ્રામ મંત્રાલયની સીધી દેખરેખ હેઠળ કાર્યાન્વિત થતી આ યોજનાઓ અમલ સ્વૈચ્છિક સંસ્થાઓના ઉપક્રમે થાય તેવું સ્વીકારીને રાજ્ય સરકારે ભ્રષ્ટાચારના નિષેધ માટે સંકલ્પ વ્યકત કર્યો છે. એટલું જ નહીં, પણ જે તે જિલ્લાની સ્વૈચ્છિક સંસ્થાઓ એકત્ર સ્વરૂપ આવાસ માટે જરૂરી સામાન ખરીદે અને જિલ્લાના નિવૃત્ત ઇજનેરોની સેવા લેવાની અનુકૂળતા કરાતાં પ્રજાકીય વિશ્વસનીયતા વધી છે અને વહીવટી ભારણ ઘટાડી શકાયું છે.
યોજનાના અમલમાં સરકારી અમલદારીથી અલગ પ્રજાકીય ભાગીદારી નિમંત્રીને સરકારે વિકાસના રાજકારણને આવકાર્યું છે. એટલું જ નહીં પણ યોજનાના અમલ સમયે પ્રાથમિક ધોરણો નિયત રાખી બાંધકામનાં સાધન-સ્વરૂપમાં સ્થાનિક સામગ્રીના ઉપયોગ માટે લચીલાપણું અપનાવ્યું છે. તેથી સસ્તા અને ટકાઉ આવાસની તકનીકો કાર્યાન્વિત થતી જોવા મળે છે.
ગાંધીનગર પાસે•જ્ગામ ઓગણજથી પ્રારંભાયેલ અને ક્રમશઃ ગુજરાતનાં લગભગ તમામ ગામડાંઓમાં સ્થાપિત થયેલ આ યોજના સાથે ગુજરાત ઇકોલોજી કમિશન જેવી સંસ્થાઓ પૂરક બનશે તો રાખ, ચૂનો, કવોરી ડસ્ટ, ડામર પ્રકારની ઔદ્યોગિક આડ પેદાશો અને ઍગ્રોવેસ્ટના ઉપયોગથી બનતી ઈકો-ફ્રેન્ડલી બ્રિક્સમાંથી આવાસો તૈયાર થઈ શકશે અને નદી અને તળાવકાંઠાની યુક્ત ફળદ્રુપ જમીન ખોદાતી અટકશે. ખેતી માટેની ફળદ્રુપ જમીન જળવાઈ રહેશે અને બાંધકામનાં નવાં ધોરણો પ્રચલિત થશે.
ઘેટાં બકરાં સાથે લઈ ફરતા માલધારીઓ, માટીકામ માટે ફરતા પઢારો, કચ્છનાં જત અને ડફેરો, મીઠાના અગરિયાઓ તેમજ ગામેગામ ભટકતા વણજારાઓને સ્થિર કરી તેમની નવી પેઢીને ભીખ કે બાળમજૂરીમાંથી છોડાવી તેને ઓળખ આપવા માટે ઘરનું ઘર એ નીવડેલો પ્રયોગ છે. ગામ હંસાપુરાની સના ઉકડની લક્ષ્મીના જીવનમાં એક પાકું મકાન આવતાં ૨૮ વર્ષથી પંચાયતના ચોપડે કોઈની વિધવા નામે ઓળખાતી શ્રમિક, સ્ત્રીના જીવનમાં આત્મગૌરવ અને સામાજિક પ્રતિષ્ઠા આવ્યા છે.
ઘરનું ઘર, ભટકતા રહી જીવન ગુજારતી અનેક ગરીબ લક્ષ્મીઓના જીવનમાં ઉમંગ લાવે છે. એટલું જ નહીં પણ સ્વૈચ્છિક સંસ્થાઓના માધ્યમથી સરકાર પ્રજાભિમુખ થઈ શકે તેમ છે. સાચા અર્થમાં અંત્યોદય થાય છે ત્યારે ગરીબો માટે આવાસની પ્રવૃત્તિ વધુ દૃઢ થાય તો ગુજરાતનો પ્રયત્ન દેશને એક નવી દિશા આપી શકશે.
ડો.નાનક ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.