તિરુવનંતપુરમ: કેરલ હાઈકોર્ટે (Kerala High Court) સેમી ન્યૂડ બોડી પેન્ટ (Semi nude body pant) કરવાના કેસમાં મહિલા કાર્યકર રેહાના ફાતિમાને નિર્દોષ જાહેર કરી છે. જજ કૌસર એડપ્પાગથે પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું કે નગ્નતાને (Nudity) અશ્લીલતા કે અનૈતિકતા કહેવું ખોટું છે. નગ્નતાને સેક્સ સાથે જોડી ન શકાય. સ્ત્રીના નગ્ન શરીરનું વર્ણન અથવા નિરૂપણ પણ હંમેશા જાતીય અથવા અશ્લીલ નથી હોતું.
જાણો કોર્ટે આ કેસ બાબતે શું કહ્યું
આ કેસમાં બેંચે ભરેલી કોર્ટમાં વીડિયો જોયો અને કહ્યું કે આ જાતીય સંતુષ્ટિનું કૃત્ય નથી. ઉપરાંત કોર્ટે કહ્યું કે નગ્નતા અને અશ્લીલતા હંમેશા સમાનાર્થી નથી હોતાં. મંદિર અને અન્ય પબ્લિક પ્લેસિસમાં નગ્ન મહિલાઓની મૂર્તિ અને આર્ટને પવિત્ર ગણવામાં આવે છે. કોર્ટે કહ્યું કેરલ એવું રાજ્ય છે જ્યાં કેટલીક નીચલી જાતિની મહિલાઓએ પોતાના સ્તન ઢાંકવા માટે પોતાના અધિકારો માટે લડાઈ લડી હતી. સમગ્ર દેશમાં પ્રાચીન મંદિરોમાં અર્ધનગ્ન મૂર્તિઓ છે. ભલે દેવી દેવતાની મૂર્તિઓ નગ્ન હોય પણ જ્યારે મંદિરમાં પ્રાર્થના કરવા જઈએ છીએ ત્યારે આપણો ભાવ શુદ્ધ હોય છે. આપણે તે સમયે દેવત્વની ભાવનાનો અનુભવ કરીએ છીએ.
જે લોકો મહિલાઓના શરીરને અશ્લીલ માને છે તેઓ આવું એટલા માટે વિચારે છે કારણ કે તેઓનું માનવું એવું છે કે સ્ત્રી માત્ર ઈચ્છા પૂર્તિનું સાધન છે. એક પુરુષના અર્ધનગ્ન શરીરને સામાન્ય માનવામાં આવે છે પણ અર્ધનગ્ન મહિલાના શરીરને સામાન્ય માનવામાં નથી આવતું. કોર્ટે કહ્યું તમામ વ્યકિત પોતાના શરીરની આઝાદી માટે હકદાર છે. શરીર અને જીવનની પસંદગી માટે મહિલાઓને ધમકાવવામાં આવે છે અને કેસ કરવામાં આવે છે.
કોર્ટે વધુમાં કહ્યું કે આવી “નિર્દોષ કલાત્મક અભિવ્યક્તિ” ને કોઈપણ સ્વરૂપમાં જાતીય પ્રવૃત્તિ સાથે જોડવી “ક્રૂર” છે. કોર્ટે કહ્યું, “બાળકોનો પોર્નોગ્રાફી માટે ઉપયોગ કરવામાં આવ્યો છે તે સાબિત કરવા માટે પણ કોઈ આધાર નથી. વીડિયોમાં જાતીય સંતુષ્ટિનો કોઈ સંકેત નથી. કોર્ટે કહ્યું હતું કે “નગ્નતા અને અશ્લીલતા હંમેશા સમાનાર્થી નથી હોતા”.
શું હતો કેસ?
રેહાના ફાતિમા કે જે મોડેલ અને મહિલા કાર્યકર્તા છે તેણે પોતાના શરીરના ઉપરના ભાગે સેમી ન્યૂડ એટલે કે અર્ધનગ્ન થઈ પોતાના સગીર બાળકોને પોતાનું શરીર પેંટ કરવા આપ્યું હતું જેનો વીડિયો પણ તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ તરત જ રેહાના વિરુદ્ધ પોક્સો, જુવેનાઈલ જસ્ટિસ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી) એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.