National

ઓડિશા ટ્રેન દુર્ઘટના મામલે રેલવે બોર્ડે CBI તપાસની ભલામણ કરી, સિસ્ટમ સાથે ચેડાં થયાની શક્યતા

ભુવનેશ્વર: ઓડિશા ટ્રેન દુર્ઘટના મામલે રેલવેએ સંભવિત ‘તોડફોડ’ અને ‘ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ’ સિસ્ટમ સાથે ચેડા થયાનો સંકેત આપ્યો છે. રેલવેએ અકસ્માતમાં ડ્રાઈવરની ભૂલ અને સિસ્ટમની નિષ્ફળતાને નકારી કાઢી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે અકસ્માતનું ચોક્કસ કારણ શોધી કાઢવામાં આવ્યું છે અને તેના માટે જવાબદાર ગુનેગારોની ઓળખ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અકસ્માત ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ અને પોઈન્ટ મશીનમાં ફેરફારને કારણે થયો હતો. આ સાથે રેલવે મંત્રી દ્વારા અકસ્માતની તપાસ માટે સીબીઆઈને ભલામણ કરવામાં આવી છે.

ઓડિશાના બાલાસોરમાં (Balasore) શુક્રવાર સાંજે થયેલા ત્રણ ટ્રેન અકસ્માતમાં (Train Accident) 288 લોકોના મોત (Death) જ્યારે 800થી વધુ લોકો ધાયલ થયા હોવાની જાણકારી મળી હતી. આ અંગે ઓડિશા સરકારે દાવો કર્યો કે અકસ્માતમાં 288 નહીં પરંતુ 275 લોકોનાં મોત થયા છે. ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ કહ્યું કે, કેટલાક મૃતદેહોની બે વખત ગણતરી કરવામાં આવી હતી. આ અકસ્માતમાં 1175 લોકો ઘાયલ થયા છે. જેમાં 793 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. શનિવારે પીએમ (PM) મોદીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને થતી તમામ મદદ કરવાના આદેશ આપ્યા હતા. ઉપરાંત પીએમે કહ્યું હતું કે ધટનામાં સંડોવાયેલ તમામને કડક સજા કરવામાં આવશે.

રેલવે બોર્ડે પ્રેસ કોન્ફરન્સે રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી જેમાં બોર્ડ તરફથી આ મામલે કેટલીક જાણકારી આપવામાં આવી છે. બોર્ડે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં સિગ્નલમાં કેટલીક સમસ્યા જોવા મળી છે. જો કે આ અંગે વધુ તપાસ ચાલુ છે. બોર્ડે કહ્યું ગુડ્સ ટ્રેન લૂપ લાઇન પર ઊભી હતી. કોરોમંડલ એક્સપ્રેસની ઝડપ 128 kmph હતી. યશવંતપુર એક્સપ્રેસ ટ્રેન પણ 126 કિ.મી. ની ઝડપે આવી રહી હતી આ દરમિયાન કોરોમંડલ એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી. માલગાડીમાં લોખંડ ભરેલું હતું. જેના કારણે માલગાડીના ડબ્બા પોતાની જગ્યાએથી ખસ્યા ન હતા. આ દરમિયાન ત્યાંથી યશવંતપુર એક્સપ્રેસ પસાર થઈ રહી હતી. અથડામણ બાદ કોરોમંડલ એક્સપ્રેસના પાટા પરથી ઉતરી ગયેલા કોચ યશવંતપુર એક્સપ્રેસના પાછળના બે કોચ સાથે અથડાયા હતા. જેના કારણે યશવંતપુર એક્સપ્રેસના ડબ્બા પણ પાટા પરથી ઉતરી ગયા હતા.

બોર્ડે કહ્યું કે ઓવર સ્પીડ જેવું કશું હતું નહિં. આ ઉપરાંત ટ્રેનના ડ્રાઈવરોને ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું હતું જેને તેઓ સારી રીતે જોઈ શકતા હતા અને પછી જ ટ્રેનને તેઓએ તેની સ્પીડ પર ચલાવી હતી. બોર્ડ કહ્યું કે ત્રણ ટ્રેનો વચ્ચે અકસ્માત થયો તેવું કહેવું ખોટું હશે કારણ કે અકસ્માત માત્ર કોરોમંડલ એકસપ્રેસનો થયો હતો. આ અકસ્માત થવા પાછળનું કારણ રેલ્વે સેફટી કમિશનરના રિપોર્ટ આવ્યા પછી જાણી શકાશે.

ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફારને કારણે અકસ્માત થયો: રેલ્વેમંત્રી
રવિવારે રેલ્વેમંત્રી અશ્વિનિ વૈષ્ણવ તરફથી નિવેદન સામે આવ્યું છે. રેલવેમંત્રી અશ્વિનિ વૈષ્ણવે કહ્યું કે આ ધટના પાછળનું મુખ્ય કારણ મળી ગયું છે. વૈષ્ણવે કહ્યું કે રેલવે સેફ્ટી કમિશનરે મામલાની તપાસ કરી જેના કારણે આ ઘટના પાછળનું કારણ અને તેના માટે જવાબદાર લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. તેમણે કહ્યું ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફારને કારણે આવું થયું છે. તેમણે કહ્યું કે ગઈકાલે વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા નિર્દેશો પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. ગઈ રાત્રે એક ટ્રેકનું કામ લગભગ થઈ ગયું. આજે એક ટ્રેકને સંપૂર્ણ રિપેર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. બુધવાર સવાર સુધીમાં સામાન્ય રૂટ ચાલુ થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે. રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, 1000થી વધુ કર્મચારીઓ કામમાં રોકાયેલા છે. તેમજ 7થી વધુ પોકલેન મશીન, 2 અકસ્માત રાહત ટ્રેનો, 3-4 રેલ્વે અને રોડ ક્રેન્સ તૈનાત છે.

ગઈકાલે મમતા બેનર્જીએ રેલ્વે મંત્રીની સામે કહ્યું હતું કે જો ટ્રેનમાં કવચની વ્યવસ્થા હોત તો ટ્રેન દુર્ઘટના ટળી શકી હોત. આ અંગે રેલવે મંત્રીએ નિવેદન આપ્યું છે કે મમતાએ તેમની પાસે રહેલી માહિતીના આધારે પોતાનું નિવેદન આપ્યું હતું. રેલવે મંત્રીએ કહ્યું આ દુર્ઘટના ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફારને કારણે થઈ છે.

આ ભયાનક ઘટના પછી લોકો રેલ્વેમંત્રી અશ્વિનિ વૈષ્ણવ પાસે રાજીનામાની માગણી કરી રહ્યાં હતા ત્યારે શનિવારે આ અંગે વૈષ્ણવે કહ્યું કે આ રાજનિતિ કરવાનો સમય નથી. એકબીજાને કોસવાનો કે આરોપો લગાવવાનો સમય નથી. રાજીનામા અંગે તેમણે કહ્યું કે હું અહીં જ છું, હું કશે નથી જઈ રહ્યો. હાલ અમારું ફોક્સ રેસ્કયું તરફ છે. અમારાથી બનતી તમામ મદદ અને કોશિશ અમે કરી રહ્યાં છે.

એડવોકેટ વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી
એડવોકેટ વિશાલ તિવારીએ બાલાસોર ટ્રેન દુર્ઘટનાની તપાસને લઈને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. અરજીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ પંચ બનાવવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ટેકનિકલ નિષ્ણાતો સાથેના નિષ્ણાત કમિશનની રચના કરવાની પણ માંગ કરવામાં આવી છે, જે રેલ્વે સિસ્ટમમાં બખ્તર સહિત તમામ હાલના જોખમ અને સલામતી પરિમાણો અને સિસ્ટમોનું વિશ્લેષણ અને સમીક્ષા કરે છે અને ભલામણો આપે છે.

ઓડિશા ટ્રેન અકસ્માત પીડિતો માટે LICની મોટી જાહેરાત
એલઆઈસીના ચેરમેન સિદ્ધાર્થ મોહંતીએ એક નિવેદન જારી કરીને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના સંબંધીઓ માટે ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયાના નિયમોમાં ઘણી છૂટછાટોની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે એલઆઈસી પોલીસી હોય તેવા તેમજ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ધરાવનારોની સમસ્યા ઓછી કરવા માટે અનેક રાહતો પણ જાહેર કરવામાં આવી છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે અમે ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છીએ. એલઆઈસીના અધ્યક્ષ સિદ્ધાર્થ મોહંતીએ કહ્યું છે કે ડેથ સર્ટિફિકેટની જગ્યાએ, રેલવે, પોલીસ અથવા કોઈપણ રાજ્ય અને કેન્દ્રીય વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલી જાનહાનિની ​​સૂચિને પણ મૃત્યુના પુરાવા તરીકે ગણવામાં આવશે.

Most Popular

To Top