સુરત: શહેરીજનો માટે સુરત મેટ્રોનો (SuratMetro) ડ્રીમ પ્રોજેક્ટ (DreamProject) હાલ તો હાડમારી પ્રોજેક્ટ બનીને રહી ગયો છે, શહેરભરમાં મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા તાણી બાંધવામાં આવેલા બેરિકેડથી રાહદારીઓ, વાહનચાલકો, દુકાનદારો અને વસવાટકર્તા નાગરિકો તોબા પોકારી ઉઠ્યા છે, આવા સંજોગોમાં સુરતીઓ માટે એક રાહતના સમાચાર એ છે કે સુરત મેટ્રોના સૌથી મહત્વના ફેઝ-1નો જે 6.47 કિલોમીટરનો કાપોદ્રાથી ગાંધીબાગ સુધીનો અંડરગ્રાઉન્ડ રૂટ છે તેની 50 ટકા કામગીરી પૂર્ણ થવા આવી છે. આ અંડરગ્રાઉન્ડ રૂટ માટે ચાર ટીબીએમ મશીનથી ટનલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. કુલ 11.2 કિલોમીટરની ટનલ રિંગ કાસ્ટિંગ કરવાની છે, જે પૈકી હાલ 6.02 કિલોમીટરની કામગીરી પૂર્ણ ચૂકી છે.
મેટ્રોની કામગીરીની કારણે વેઠવી પડતી પારાવાર હાલાકીના કારણે શહેરના ઘણાં વિસ્તારોમાં લોકઆક્રોશ વધી રહ્યો છે, ખાસ કરીને જે વિસ્તારોમાં લોકોના ધંધા-રોજગાર બંધ થઈ રહ્યાં છે ત્યાંના વેપારીવર્ગ ખૂબ જ નારાજ છે. આ વાત હવે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓ પણ સમજી ચૂક્યા છે અને સુરત મેટ્રો રેલના બંને ફેઝ માટેના તમામ કામોની ટેન્ડરીંગ પ્રક્રિયા ઝડપભેર પાર પાડવા કમર કસી છે.
આ પ્રોજેક્ટનો ફેઝ-1નો મુખ્ય રૂટ સરથાણાથી ખજોદા ડ્રીમ સિટી સુધીનો 21.61 કિલોમીટર છે તે પૈકી 6.47 કિલોમીટર એટલે કે કાપોદ્રાથી લઈને ગાંધીબાગ સુધી જમીનની નીચેથી રેલ દોડવવાની છે તે સૌથી મુશ્કેલ રૂટની 50 ટકા કામગીરી પૂરી થવા આવી હોવાનું જાણવા મળે છે, તેમ છતાં આ વિકટ કામગીરીના કારણે મેટ્રોના ફેઝ-1ને પૂર્ણ કરવાની ડેડલાઈન ડિસેમ્બર 2024 આપવામાં આવી છે પરંતુ આ ડેડલાઈન માર્ચ- 2025 સુધી લંબાઈ શકે છે.
ત્રણ પેકેજમાં ચાલતું કામ…ક્યાં કેટલું કામ પૂર્ણ
મેટ્રોની કામગીરી વિવિધ પેકેજમાં થઈ રહી છે. જેમાં પ્રથમ કોરિડોર ડ્રીમ સિટીથી સરથાણાના રૂટ પર પેકેજ સીએસ 01 કાદરશાની નાળથી ડ્રીમ સિટીનું 19.80 ટકા કામ થયું છે.પેકેજ સીએસ 02 કાપોદ્રા રેમ્પથી સુરત રેલવે સ્ટેશનનું 31.38 ટકા કામ પૂર્ણ થયું છે. પેકેજ સી.એસ.03 સુરત સ્ટેશનથી ચોકબજાર રેમ્પ 24.57 ટકા કામગીરી પૂર્ણ થઈ છે, ડ્રીમ સિટી ડેપોની કામગીરી 40 ટકા પૂર્ણ ચૂકી છે.
3500થી વધુ કર્મચારી અને 700થી વધુ એન્જિનિયરોની ફોર્સ કાર્યરત
જીએમઆરસીના અધિકારીના જણાવ્યા અનુસાર, સુરત મેટ્રો પ્રોજેક્ટની કામગીરી પુરઝડપે ચાલી રહી છે. મેટ્રો પ્રોજેક્ટમાં હાલ 3500થી વધારે સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ વર્કરો કામગીરી કરી રહ્યાં છે. તેમજ 700થી વધુ એન્જિનિયર અને એકસપર્ટની ટીમ જોડાઈ છે. સામગ્રીમાં 4 ટીબીએમ મશીન, 15 ફૂલ કેપેસિટીના કોંક્રીટ બેચીંગ પ્લાન્ટસ, 30 પાઈલિંગ રીંગ મશીન, 2 લોચિંગ ગર્ડર અને 150 નાની મોટી મશીનરીઓ જેમ કે, જેસીબી, હાઈડ્રા, ક્રેન અને અન્ય મશીનરીઓ થકી કામગીરી ફુલફ્લેજમાં ચાલી રહી છે.
ડ્રીમસિટી ડેપોની કામગીરી 50 પૂર્ણ, જ્યારે ભેંસાણ ડેપોની 5 ટકા
સુરત મેટ્રો રેલ માટે બે સ્થળે ડેપો બનશે જે પૈકી એક ડ્રીમસિટી ખાતે અને બીજો ડેપો ભેંસાણ ખાતે બનશે. જેમાં ડ્રીમસિટી ડેપોની કામગીરી 50 ટકા પુર્ણ થઈ હોવાનું જાણવામાં આવ્યું છે તેમજ ભેંસાણ ડેપોની 5 ટકા કામગીરી થઈ ચુકી છે. ઉલ્લેખનિય છે કે મેટ્રોનો બીજો ફેઝ ભેંસાણથી સરોલી સુધીનો છે. આવનારા 4 માસમાં વધુ 8 લોન્ચર બંને કોરીડોર માટે શરૂ કરાશે. જેથી કામગીરી હજી ઝડપી થશે.