વડોદરા : વડોદરા મહાનગરપાલિકામાં એડિશનલ સીટી એન્જિનિયર ગેસ વિભાગ તથા હ.ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઉત્તર ઝોન તરીકે ફરજ બજાવતા શૈલેષ નાયક વય નિવૃત થતા તેમના હસ્તકના ખાતાઓનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના અગત્યના કહી શકાય એવા વિભાગો પૈકીનું એક સોલીડ વેસ્ટ જે વિભાગના વડા શૈલેષ નાયકને વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમના હસ્તકના વિવિધ વિભાગોની કામગીરી અન્ય અધિકારીઓને સોંપવામાં આવી હોવાનો હુકમ મ્યુ.કમિશ્નરે કર્યો હતો.
જેમાં એડિશનલ સીટી એન્જિનિયર તરીકે ગેસ વિભાગ અને આઈસીડીએસ વિભાગ અર્પિત સાગરને, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અને એંક્રોચમેંટ રિમુવલ એન્ડ સિક્યુરિટી વિભાગ અલ્પેશ મજમુદારને જ્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નોર્થ ઝોન પીઆરઓ અને વીએસસીડીએલનો ચાર્જ એચ.જે. પ્રજાપતિ અને સૌથી અગત્યનો કહેવાતું એચઓડી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ સેનિટેશન સેલ વિભાગ ધર્મેશ રાણા ને સોંપવામાં આવ્યો છે.
અત્રે મહત્વની બાબતો એ છે કે વડોદરા મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગમાં ચાલતા કચરા કૌભાંડમાં વય નિવૃત થયેલા વડાનું નામ ઘણી વખત ઉછાળ્યું છે.પરંતુ જેના માથે છત્રી હોય તેને વરસાદ ક્યાંથી નડે પણ માત્ર કીચડમાંથી પસાર થવાની નોબત આવી હતી. અને આ મામલે અત્યાર સુધી કોઈ જ કાર્યવાહી થઈ ન હતી અને જેને લઇ આ કચરા કૌભાંડ જે સે થેની પરિસ્થિતિમાં જ જોવા મળ્યું છે. ત્યારે હવે તેમના નિવૃત્ત થયા બાદ મ્યુનિસિપલ કમિશનરે વિવિધ વિભાગોનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપતા પાલિકા પરિસરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.