નડિયાદ: કઠલાલ પોલીસની ટીમે લાડવેલ પીકઅપ સ્ટેન્ડ નજીકથી ટ્રકમાં ઘઉંના જથ્થાની આડમાં લઈ જવાતાં 2722 કિલો પોશડોડાના જથ્થા સાથે બે રાજસ્થાની શખ્સોને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે પોશડોડાનો જથ્થો, ઘઉંનો જથ્થો, મોબાઈલ, ટ્રક તેમજ રોકડ મળી કુલ એક કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ-ઈન્દોર હાઈવે રોડ પર કઠલાલ થઈને અમદાવાદ તરફ જનાર એક ટ્રકમાં વનસ્પતિજન્ય પોશડોડા જેવો કેફી પદાર્થની હેરાફેરી થતી હોવાની બાતમી કઠલાલ પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે ગુરૂવારના રોજ કઠલાલ તાલુકાના લાડવેલ પીકઅપ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળી ટ્રક નં આરજે 14 જીબી 9617 આવતાં પોલીસે તેને રોકી હતી અને તેમાં સવાર ગ્યારસીલાલ કલ્યાણમલ રેગર અને નેમીચંન્દ કલ્યાણમલ રેગર (બંને રહે.જામોલી, જિ.ભીલવાડા, રાજસ્થાન) ની અટકાયત કરી હતી. જે બાદ, ટ્રકના પાછળના ભાગે લગાવેલી તાડપત્રી હટાવીને તલાશી લેતાં, તેમાં ઘઉં ભરેલાં કોથળા નજરે પડ્યાં હતાં. જોકે, બાતમી ચોક્કસ હોવાથી પોલીસે ઘઉંના કટ્ટા ઉતારીને સઘન તલાશી લીધી હતી. દરમિયાન ઘઉંના કટ્ટા પાછળ સંતાડેલો વનસ્પતિજન્ય માદક પદાર્થ પોશડોડાનો 2722 કિલો 800 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે પોશડોડાનો જથ્થો કિંમત રૂ.81,68,400, ઘઉંનો જથ્થો કિંમત રૂ.1,33,800, બે મોબાઈલ કિંમત રૂ.10,000, તાડપત્રી કિંમત રૂ.1000, રસ્સી કિંમત રૂ.500, રોકડા રૂ.18,300 તેમજ ટ્રક કિંમત રૂ.18,00,000 મળી કુલ રૂ.1,01,32,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે પકડાયેલાં બંને શખ્સો ઉપરાંત અસલમનુર રાસીદનુર (રહે.ગોળ હાથઈ, જિ.ભીલવાડા, રાજસ્થાન), એન.ડી.પી.એસનો જથ્થો મેળવનાર ઈસમ તેમજ અન્ય એક મોબાઈલ નંબર ધારક સહિત કુલ પાંચ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આણંદ – ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ પાકની આડમાં ગાંજાનું વાવેતર વધ્યું છે. આ અંગે પોલીસે વારંવાર દરોડા પાડી કેટલોક જથ્થો પકડી પણ પાડ્યો છે.