Vadodara

મોદી સરકારની વિકાસગાથા વર્ણવાઈ પરંતુ વિશ્વામિત્રીનો વિકાસ અધુરો

વડોદરા: મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થતા સરકારની ગૌરવ ગાથા વર્ણવવા માટે એક મહિનાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજરોજ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ ક્યારે પૂરો થશે આ પૂછતાં બહેને કહ્યું કે હું કોર્પોરેશનમાં નથી. તો શું વિશ્વામિત્રી નદી અને તેનો પ્રોજેક્ટ સાંસદના મતવિસ્તારમાં નથી આવતો? છેલ્લા કેટલાય વર્ષોથી અભરાઈએ ચઢેલ આ પ્રોજેક્ટ કદાચ વડોદરાના લોકો માટે આગામી ચૂંટણીમાં લોકસભાના ઉમેદવારના મેનીફેસ્ટોમાં પણ નહિ હોય.શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રીના બ્યુટીફીકેશન અને તેના શુદ્ધિકરણનો પ્રોજેક્ટ છેલ્લા ઘણા વર્ષોથી અભરાઈએ ચઢી ગયો છે.

અગાઉના નેતાઓએ આ પ્રોજેક્ટ અંગે માત્ર વાતો જ કરી. પરંતુ હજુ સુધી આ પ્રોજેક્ટ માત્ર પેપર ઉપર જ રહ્યો છે. હાલમાં નરેન્દ્ર મોદી સરકારે જયારે શાસનના 9 વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે આ 9 વર્ષની ગૌરવ ગાથા રાહુ કરવા એક મહિનાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સંસદના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમો યોજાશે જેના ભાગરૂપે આજરોજ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે સવાલો કરવામાં આવ્યા હતા. આ મુદ્દે સંસદે જણાવ્યું હતું કે હાલ તેનો DPR ( ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ ) બની રહ્યો છે.

એજન્સી તેના ઉપર કામ કરી રહી છે. અને આ પ્રોજેક્ટમાં રાજ્ય સરકાર યોગદાન આપશે અને જરુર પડ્યે કેન્દ્ર સરકાર પણ યોગદાન આપશે. ત્યાર બાદ આ પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થશે તેમ પૂછતાં બહેને રોકડું ચોપડ્યું હતું કે હું કોર્પોરેશનમાં નથી જેથી મને કેવી રીતે ખ્યાલ હોય. જો કે ત્યાર બાદ નજીકમાં બેઠેલ ધારાસભ્ય કેયુર રોકડીયાએ સુર પુરાવતા બહેને ફેરવી દીધું હતું અને જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આ પ્રોજેક્ટનો DPR બની જશે અને કામ શરુ થશે. ત્યારે સવાલ એ ઉભા થાય છે કે શું વિશ્વામિત્રી નદીનું શુદ્ધિકરણ થાય અને તેનું બ્યુટીફીકેશન થાય તેમાં કોઈને રસ જ નથી? માત્ર વાહ વાહ લૂંટવામાં જ રસ છે કે પછી આ મુદ્દે સહુ કોઈક કારણોસર અકળ મૌન ધારણ કરી રહ્યા છે.

Most Popular

To Top