નડિયાદ: નડિયાદના હાથજ ગામના એક બંધ મકાનમાંથી રોકડા 1.10 લાખની ચોરી થઈ છે. આ ચોરી મકાનની સામે જ રહેતાં શખ્સે કરી હોવાના શક સાથે મકાન માલિકે નડિયાદ રૂરલ પોલીસ મથકમાં ફરીયાદ આપી છે.
નડિયાદના હાથજ ગામમાં આવેલ કપલેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતાં જીતેન્દ્રભાઈ નટુભાઈ સોઢા નડિયાદની એક ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર આસીસન્ટન્ટ તરીકે નોકરી કરે છે. તેઓ ગત તા.18-5-23 ના રોજ સવારે નોકરીએ હતાં. જે બાદ તેમનાં પત્નિ રંજનબેને મકાન લોક કરીને સંતાનને લઈને પિયરમાં ગયાં હતાં. જ્યાં રંજનબેન સાંજના અરસામાં પરત ઘરે આવ્યાં હતાં.
તે વખતે તેમના ઘરની બારીનો કાચ તુટેલો હતો અને ઘરવખરીનો સામાન વેરવિખેર પડ્યો હતો. જેથી રંજનબેને ફોન કરી પતિ જીતેન્દ્રભાઈને ઘરે બોલાવ્યા હતાં. જે બાદ તેઓ ઘરમાં તપાસ કરતાં તિજોરીમાંથી રોકડા રૂ.1,10,000 ની મત્તા ચોરાઈ હોવાનું જણાઈ આવ્યું હતું. તસ્કરે રૂમમાં મુકેલ ચાવી વડે તિજોરીનું લોક ખોલી ચોરી કર્યા બાદ પરત તે જ સ્થળે ચાવી મુકી હોવાથી કોઈ જાણભેદુએ જ ચોરી કરી હોવાનું લાગ્યું હતું. જેથી ખાનગી રાહે તપાસ કરતાં તેમના મકાનની સામે જ રહેતાં સંજય પ્રતાપભાઈ સોઢાએ જ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. બીજી બાજુ સંજય સોઢા કમાતો ન હોવા છતાં પુષ્કળ પ્રમાણમાં રૂપિયા ખર્ચવા લાગ્યો હતો. આ અંગે સંજય સોઢા સામે પોલીસે ગુનો નોંધ્યો હતો.