Gujarat

ધો. 12 કોમર્સનું 73.27 ટકા રિઝલ્ટ જાહેર, ગયા વર્ષ કરતા 13.64 ટકા ઓછું

ગાંધીનગરઃ ગુજરાત શિક્ષણ બોર્ડે આજે તા. ૩૧ મે ૨૦૨૩ના રોજ ધો. ૧૨ સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સનું પરિણામ જાહેર કર્યું છે. રાજયનું કુલ પરિણામ ૭૩.૨૭ ટકા આવ્યું છે, જે પાછલા વર્ષ ૨૦૨૨ની સરખામણીએ ૧૩.૬૪ ટકા ઓછું છે. ગયા વર્ષે ૮૬.૯૧ ટકા પરિણામ રહ્યું હતું. આ વર્ષે વધુ સંખ્યામાં સ્ટુન્ડટ્સ ફેઈલ થયા છે. શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org અને વોટ્સએપ નંબર ૬૩૫૭૩૦૦૯૭૧ પર સવારે ૭.૩૦ કલાકે નિયત સમય કરતા અડધો કલાક વહેલું પરિણામ જાહેર થયું હતું.

આ અગાઉ ગયા વર્ષે ૨૦૨૨માં પાછલા ૧૨ વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો. ગયા વર્ષે ૮૬.૯૧ ટકા રેકોર્ડ પરિણામ રહ્યું હતું. આ વર્ષે કોરોના બેચ માટે પરીક્ષા અને પરીણામ પડકાર જનક રહેશે તેવું માનવામાં આવતું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર સૌથી સારું પરિણામ કચ્છ જિલ્લાનું ૮૪.૫૯ ટકા રહ્યું છે. રાજ્યની ૩૧૧ સ્કૂલોનું પરિણામ ૧૦૦ ટકા રહ્યું છે. વિદ્યાર્થીઓની સરખામણીએ વિદ્યાર્થીનીઓએ આ પરીક્ષામાં પણ બાજી મારી છે. વિદ્યાર્થીઓનું પરિણામ ૬૭.૦૩ ટકા રહ્યું છે તેની સામે વિદ્યાર્થીનીઓનું પરિણામ ૮૦.૩૯ ટકા જેટલું ઊંચુ નોંધાયું છે.

રાજ્યમાં એ ૧ ગ્રેડમાં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૮૭૪ રહી છે, જ્યારે એ ૨માં ૨૦,૮૯૬, બી૧માં ૫૧,૬૦૭, બી-૨માં ૮૨,૫૨૭, સી-૧માં ૧,૦૦,૬૯૯ સી-૨માં ૭૬,૩૫૨, ડીમાં ૧૧૯૩૬ જ્યારે ઈ-૧ ગ્રેડમાં ૧૩૧ વિદ્યાર્થીઓ પાસ થયા છે.

માધ્યમ અનુસાર જાણીએ તો ગુજરાતી માધ્યમ ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૭૨.૮૩ ટકા, હિન્દી માધ્યમનું ૬૭.૪૫ ટકા, મરાઠી માધ્યમનું ૭૨.૫૮ ટકા, ઉર્દુ માધ્યમનું ૮૨.૬૭ ટકા, સિંધી માધ્યમનું ૦.૦૦ ટકા, ઈંગ્લીશ માધ્યમનું ૭૯.૧૬ ટકા રહ્યું છે.

Most Popular

To Top