Vadodara

શહેરમાં 3 જૂને 12.35 કલાકે ઘટશે ખગોળીયઘટના: પડછાયો પણ આપનો સાથ છોડશે

વડોદરા: અનેક કહેવતોમાં કહેવાયું છે કે ગમે તેવી વિષમ પરિસ્થિતિ આવે પરંતુ પડછાયો ક્યારેય સાથ નથી છોડતો. પરંતુ આગામી 3 જૂને પડછાયો પણ તમારો સાથ છોડી દેશે. જો કે આ એક ખગોળીય ઘટના છે અને સૂર્યના કિરણોના કારણે થોડા સમય માટે પડછાયો અદ્રશ્ય થઇ જશે. ગુજરાતના શહેરોમાં તા. 23 મે થી 14 જૂન સુધી શૂન્ય પડછાયો દિવસ એટલે કે zero shadow dayની સીઝન ચાલુ થઇ ગઈ છે. સૂર્ય ઉત્તરથી દક્ષિણ અને દક્ષિણથી ઉત્તર ભ્રમણ કરે છે ત્યારે વર્ષમાં બે વખત આ વૈજ્ઞાનિક ખગોળીય ઘટના સર્જાય છે.

જેમાં આકાશમાં સૂર્ય તેના ઉચ્ચતમ સ્થાને પહોંચે છે અને ચોક્કસ સમય અને સ્થળે સૂર્યના કિરણો સીધા પડતા જે તે વસ્તુનો પડછાયો તેની બરાબર નીચે આવતા અલોપ થઈ જાય છે. સામાન્ય રીતે આપણને બધાને એમ લાગતું હોય છે કે સૂર્ય રોજ બપોરે આપણા માથા ઉપરથી પસાર થાય છે પરંતુ વાસ્તવમાં એવું નથી હોતું. શહેરમાં આગામી 3 જૂનના રોજ બરાબર બપોરે 12.35 કલાકે પડછાયો ગાયબ થઇ જશે. આ ખગોળીય ઘટના આપ પણ જાતે અનુભવી શકશો.

આવનાર દિવસોમાં દિવસ 25 કલાકનો થશે
આવનાર 160 વર્ષમાં દિવસ 24 કલાકનો નહિ પણ 25 કલાકનો હશે. આપણી પૃથ્વી જે ધરી પર ફરી રહી છે. તેની ગતિ ધીમી પડી રહી છે અને આગામી વર્ષોમાં તેને લઈ દિવસ 25 કલાકનો થઈ જશે. સાથે જ મકરસંક્રાંતિ ઉત્તરાયણ પણ 14 ને બદલે 15 જાન્યુઆરીએ આવશે. દર વર્ષે સૂર્યની ગતિના આધારે દિવસો બદલાતા જાય છે. અને તેના કારણે આ પરિવર્તન પણ આવી શકે છે. – અરવિંદ પંચાલ, ખગોળ શાસ્ત્રી

Most Popular

To Top