દુબઈ : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ (ICC) સોમવારે આ જાહેરાત કરી હતી કે ઈંગ્લેન્ડના (England) રિચર્ડ ઈલિંગવર્થ અને ન્યુઝીલેન્ડના ક્રિસ ગેફેની લંડનમાં (London) ભારત (India) અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ (WTC) માટે ફિલ્ડ અમ્પાયર તરીકે રહેશે.
ઓવલ ખાતે 7થી 11 જૂન દરમિયાન યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી) ફાઇનલ માટેના મેચ અધિકારીઓની જાહેરાત કરતા, આઇસીસીએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે ન્યૂઝીલેન્ડના ક્રિસ ગેફેની અને ઇંગ્લેન્ડના રિચર્ડ ઇલિંગવર્થની ડબલ્યુટીસી ફાઈનલ માટે ફિલ્ડ અમ્પાયર તરીકે નિમણૂક કરવામાં આવી છે. સાથે જ આઇસીસીએ કહ્યું હતું કે જો જરૂર પડશે તો પાંચ દિવસની રમત દરમિયાન ગુમાવેલા સમયની ભરપાઈ કરવા માટે 12 જૂનને ‘અનામત દિવસ’ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. 48 વર્ષિય ગેફેનીની આ 49મી ટેસ્ટ મેચ હશે જ્યારે 59 વર્ષીય ઇલિંગવર્થ તેની 64મી મેચમાં અમ્પાયરિંગ કરશે. ઇલિંગવર્થ બે વર્ષ પહેલા ડબલ્યુટીસીની શરૂઆતની ફાઇનલમાં પણ અમ્પાયર હતા જેમાં ન્યૂઝીલેન્ડે સાઉધમ્પ્ટનમાં ભારત પર આઠ વિકેટે જીત મેળવી હતી. અન્ય ઇંગ્લિશ અમ્પાયર, રિચાર્ડ કેટલબોરો, પણ સતત બીજી ડબલ્યુટીસી ફાઇનલમાં કાર્ય કરશે, તેમને ફરી એકવાર ટીવી અમ્પાયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
WTC ફાઇનલ : કોહલીની ટીમ ઇન્ડિયા સાથે પ્રેક્ટિસ
ઓરેન્ડેલ : ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સોમવારે ઓરેન્ડેલ કેસલ ક્રિકેટ ક્લબમાં ડાબા હાથના સીમર જયદેવ ઉનડકટ સાથે રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના પ્રેક્ટિસ સેશનમાં જોડાયો હતો. લાગે છે કે ઉનડકટ ડાબા ખભાની ઈજામાંથી સાજો થઈ ગયો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 થી 11 જૂન દરમિયાન ઓવલ ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી)ની ફાઈનલ રમાશે.
ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)એ સોમવારે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ભારતીય ટીમના સભ્યોની એક તસવીર શેર કરી, જેમાં કોહલી સિવાય ઝડપી બોલર મહંમદ સિરાજ અને ઉમેશ યાદવનો સમાવેશ થાય છે. બીસીસીઆઈએ એક ટ્વિટમાં કહ્યું હતું કે ટીમ ઈન્ડિયાના સભ્યો ઓરેન્ડેલ કેસલ ક્રિકેટ ક્લબમાં ડબલ્યુટીસી 2023 માટે તેમની તૈયારીઓ શરૂ કરી છે. કોહલી, ઉમેશ અને સિરાજ નવી ટ્રેનિંગ કિટમાં જોગિંગ કરતા જોઈ શકાય છે જ્યારે ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન નેટ્સમાં બોલિંગ કરતો દેખાયો હતો.
ઉનડકટે મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રે સાથે પણ વાત કરી હતી. ફાઈનલની તૈયારીમાં ઈંગ્લિશ કાઉન્ટીમાં સસેક્સ તરફથી રમી રહેલો ચેતેશ્વર પૂજારા પણ ટ્રેનિંગ માટે પહોંચ્યો હતો. ઉમેશ અને શાર્દુલ ઠાકુર અહીં પહોંચનારા ભારતીય ખેલાડીઓના પ્રારંભિક જૂથમાં સામેલ હતા. કેપ્ટન રોહિત શર્મા અને મુંબઈના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ પણ અહીં પહોંચી ગયા છે. રવિન્દ્ર જાડેજા, શુભમન ગિલ, મહંમદ શમી, કેએસ ભરત અને અજિંક્ય રહાણેનો સમાવેશ કરતું અંતિમ જૂથ અમદાવાદમાં આઇપીએલ ફાઇનલ બાદ મંગળવારે ઇંગ્લેન્ડ જવા રવાના થશે.
ઋતુરાજ ગાયકવાડે બીસીસીઆઈને જાણ કરી છે કે તે 3 અને 4 જૂને લગ્ન કરી રહ્યો છે ત્યાર બાદ જયસ્વાલને સ્ટેન્ડબાય પ્લેયર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 2021માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રથમ ફાઇનલમાં સાઉથમ્પટનમાં કેન વિલિયમસનની આગેવાની હેઠળની ન્યુઝીલેન્ડની ટીમ સામે ભારત આઠ વિકેટે હારી ગયું હતું. ડબલ્યુટીસી ફાઈનલ પહેલા ભારત કોઈપણ વોર્મ-અપ મેચ રમશે નહીં.