નવી દિલ્હી : રવિવારે સંસદભવન ભણીની કૂચ દરમિયાન અટકમાં લેવાયા પછી મોડી રાત્રે પોલીસ (Police) કસ્ટડીમાંથી મુક્ત કરાયેલા રેસલર્સ (Wrestlers) હજુ તેમના આગામી પગલા અંગે વિચાર કરી રહ્યા છે, રવિવારની ઘટના સંબંધે રમતગમત સમુદાય તરફથી તેમને સમર્થન મળવાનું ચાલુ જ છે. રાજકીય અને રમતગમતની હસ્તીઓએ રવિવારે ટોચના રેસલર્સ સામે પોલીસ કાર્યવાહીની નિંદા કરી હતી.
વિનેશ ફોગટ, બજરંગ પુનિયા, સંગીતા ફોગાટ, સાક્ષી મલિક સહિતના રેસલર્સે રવિવારે મહિલા મહાપંચાયત માટે નવા સંસદ ભવન તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે દિલ્હી પોલીસે તેમને અટકાયતમાં લીધા હતા. જંતર-મંતર પરથી ટોચના રેસલર્સ સામે પોલીસ કાર્યવાહીના અનેક વીડિયો સામે આવ્યા છે. ધરણા પ્રદર્શનમાં સામેલ એક રેસલરે કહ્યું હતું કે અમે તમને ટૂંક સમયમાં જણાવીશું કે અમારું આગળનું પગલું શું હશે. ગઈકાલે જે બન્યું તેમાંથી અમે હજી પણ બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મને રાત્રે 11 વાગે મુક્ત કરવામાં આવ્યો હતો અને બજરંગને અડધી રાત્રે છોડવામાં આવ્યો હતો. અમે બધા હજી મળ્યા નથી. અમે ટૂંક સમયમાં મળીને આગળની ચર્ચા કરીશું.
આ તરફ દિલ્હી પોલીસે બજરંગ, વિનેશ અને સાક્ષી અને અન્ય કેટલાક લોકો વિરુદ્ધ કાયદો અને વ્યવસ્થાના ભંગ બદલ એફઆઇઆર નોંધી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે તેઓ રેસલર્સને જંતર-મંતર પાછા ફરવા દેશે નહીં. રેસલર્સને તેમના ધરણા સ્થળ પરથી હટાવ્યાના એક દિવસ પછી, દિલ્હી પોલીસે સોમવારે કહ્યું કે તેઓને જંતર-મંતર સિવાય અન્ય કોઈપણ યોગ્ય જગ્યાએ વિરોધ કરવાની મંજૂરી આપવામાં આવશે.