Charchapatra

કાશ્મીર ફાઈલ્સ, ધ કેરાલા સ્ટોરીઝ, પરઝાનીયા, માચિસ અને બીબીસી નું વૃત્તચિત્ર

હાલ કાશ્મીર ફાઈલ અને ધ કેરાલા સ્ટોરિઝ બાબતે ઘણા વિવાદો પેદા થયા છે જેમાં આ ફિલ્મોને વિવાદાસ્પદ અને વિશેષ રૂપે કોમી એખલાસના વાતાવરણને ડહોળનાર તરીકે ઓળખાવી છે અને લઘુમતી સમાજ પ્રત્યે બહુમતી સમાજમાં તિરસ્કારની લાગણી પેદા થાય તે બાબતે કહેવાતા બિનસાંપ્રદાયિકોને ચિંતા થાય છે. અહીં બધા લઘુમતી સમાજને આરોપીના પિંજરામાં મૂકવા યોગ્ય નથી જ. તો આ વેળા અગાઉની શ્રી મહેશ ભટ્ટની ફિલ્મ પરઝાનિયા અને ગુલઝાર સાહેબની માચિસ બાબતે વિચારીએ તો તેમાંના પ્રસંગો સત્ય હોય તો પણ તે સંપૂર્ણ બહુમતી સમાજની વિચારધારા નહીં જ હતી. અલબત્ત માચિસમાં હિન્દુ સમાજ પર આંગળી નહીં ચિંધાઈ હતી પણ સરકારી તંત્રને આરોપી બનાવાયું હતું.

પણ પરાઝાનિયામાં તો મોટા ભાગનાં બહુમતી લોકો લઘુમતી વિરોધી માનસિકતા ધરાવે છે એવો સૂક્ષ્મ સંદેશ જરૂર હતો,  પણ આ સ્થિતિ કયાં કારણોની પ્રતિક્રિયારૂપે ઉદ્દભવી હતી તે બાબતે આ બન્ને ફિલ્મમાં મૌન સેવાયું હતું નહીં તો માચિસમાં પણ લાલા જગતનારાયણ જેવા પીઢ પત્રકારથી રમખાણોનો સિલસિલો શરૂ થયો હતો તે વાત ભૂલાવવામાં આવી હતી.  અમદાવાદનાં રમખાણો બાબતે બીબીસીએ જે દસ્તાવેજી ફિલ્મ બનાવી તેમાં પણ બહુમતી સમાજ ઝનૂની છે તેવી માનસિકતા લઘુમતી સમાજમાં પેદા કરવાનો હેતુ છે જ, જે  સત્યથી વેગળું છે.

પણ આ ફિલ્મો બાબતે આ બધા કહેવાતા બિનસાંપ્રદાયિકો ચૂપ રહ્યા એટલું જ નહીં પણ જ્યાં જ્યાં ફિલ્મનું સ્ક્રીનીંગ અટકાવાયું ત્યાં અભિવ્યક્તિની સ્વતંત્રતાને નામે બોલવા માંડ્યા. આવા બેવડા માપદંડ બાબતે આપણે શું સમજવું? અહીં તેમને કોમી એખલાસ અને લઘુમતી સમાજમાં બહુમતી સમાજ માટે પેદા થતા તિસસ્કારના ભાવ બાબતે કંઈ જ કહેવાનું નથી?
નાનપુરા, સુરત -પિયુષ મહેતા  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top