Gujarat

બાબા બાગેશ્વરનું ગુજરાતમાં આગમન, ભારે ગરમી છતાં લાખો ભક્તો ઉમટ્યા

અમદાવાદ: હિન્દુ રાષ્ટ્રના મિશન સાથે ગુજરાત (Gujarat) આવી રહેલાબાબા બાગેશ્વરના (Baba Bageshwar) સુરત, અમદાવાદ, રાજકોટમાં દરબાર યોજનાર છે. ત્યારે ગુરુવારે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી 10 દિવસના દિવ્ય દરબારોના કાર્યક્રમો માટે ગુજરાત આવી પહોંચ્યા છે. ગુરુવારે બપોરે તેઓ અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) ખાતે આવી પહોંચ્યા હતા. ત્યાંથી સીધા કાર મારફત અમરાઈવાડી ખાતે રહેતા એક ભક્તના ઘરે જવા નીકળ્યા ત્યારે રસ્તામાં જ લોકો તેમને મળવા ઉમટી પડ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કારમાંથી બહાર નીકળી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. અસહ્ય ગરમી હોવા છતાં પણ બાગેશ્વર બાબાના અનુયાયીઓ ઉમટી પડ્યા હતા.

એરપોર્ટ પરથી તેઓ વટવા ખાતે ઠાકુર દેવકીનંદનના નિવાસ્થાને પહોંચ્યા હતા. બપોરના ભોજન પછી તેઓ અમદાવાદમાં બપોરે ત્રણ વાગ્યે દેવકીનંદનની શિવપુરાણ કથામાં ભાગ લેશે. અમદાવાદમાં ચાણક્યપુરી વિસ્તારમાં અને 28મી મેના રોજ સાંજે 5-00 વાગે ઝુંડાલ સર્કલ નજીક બાબાનો દરબાર યોજાશે.

ગુરુ વંદના મંચના અધ્યક્ષ ડી. જી. વણઝારાએ જણાવ્યું હતું કે, રાજસત્તા સાથે ધર્મસત્તા હોવી જોઈએ. બાબાજી હિન્દુ રાષ્ટ્રના વિચારો સાથે સુસંગત છે, કેમકે ધર્મ સત્તા રહિત હિન્દુ રાષ્ટ્રની કલ્પના કરી શકાય નહીં. તેથી બાબાજીએ આહવાન કર્યું છે કે, ‘તમે મને સાથ આપો હું તમને હિન્દુ રાષ્ટ્ર આપીશ’ આ આહવાનને ગુજરાતના સાધુ-સંતો મહાપુરુષોએ ઉપાડી લીધું છે, અને બાબા બાગેશ્વરની હિન્દુ રાષ્ટ્રની પરિકલ્પના જલ્દી ચરિતાર્થ થાય તે માટે ગુરુ વંદના મંચના હજારો સાધુ સંતો 28મી મેના રોજ સાંજે 5-00 વાગે ઝુંડાલ સર્કલ પાસે રાઘવ ફાર્મમાં યોજાનાર દરબારમાં ઉપસ્થિત રહી બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને સહકાર આપવાની જાહેરાત કરશે.

બાબા બાગેશ્વરને મળી Y કેટેગરીની સુરક્ષા
બુધવારે જ એમપીની (MP) શિવરાજ સરકારે બાગેશ્વર બાબાને “Y” કેટેગરીની સુરક્ષા આપવાનો આદેશ આપ્યો છે. આ સાથે રાજ્ય સરકારે દેશના અન્ય રાજ્યોની સરકારોને પણ એક પત્ર લખ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી તેમના રાજ્યમાં આવે ત્યારે તેમને “Y” કેટેગરીની સુરક્ષા આપવામાં આવે. “Y” કેટેગરીની સુરક્ષા દેશમાં સુરક્ષાનું ત્રીજું સ્તર છે. બાબા બાગેશ્વરને આપવામાં આવેલી “Y” કેટેગરીની સુરક્ષામાં કુલ 11 સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવશે. સુરક્ષાની આ શ્રેણીમાં બે PSO પણ હશે. આ રક્ષણ એવા લોકોને આપવામાં આવે છે જેઓ જોખમમાં છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને પણ અજાણ્યા લોકો દ્વારા હુમલાની ધમકી મળી છે. બાબા બાગેશ્વરને દેશભરમાં આયોજિત કાર્યક્રમોમાં ભારે જનમેદનીને ધ્યાનમાં રાખીને આ સુરક્ષા આપવામાં આવી છે.

Most Popular

To Top