નવી દિલ્હી: યુક્રેન સાથેના યુદ્ધને (RussiaUkraineWar) કારણે વિશ્વથી અલગ પડેલું રશિયા FATF (ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ)માં સહયોગ માટે ભારત પર દબાણ કરી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર, રશિયાએ કહ્યું છે કે જો ભારત (India) રશિયાને (Russia) FATFની ‘બ્લેક લિસ્ટ’ અથવા ‘ગ્રે લિસ્ટ’માં (GreyList) સામેલ થવાથી નહીં બચાવે તો તે ભારત સાથેના સંરક્ષણ અને ઉર્જા સોદાને સમાપ્ત કરી દેશે.
FATF (ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ) એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે આંતરરાષ્ટ્રીય નાણાકીય ગુનાઓને રોકવાનો પ્રયાસ કરે છે. FATFની બ્લેક અથવા ગ્રે લિસ્ટમાં સામેલ દેશ પર દેખરેખ વધારવામાં આવે છે અને આપવામાં આવતી નાણાકીય સહાય બંધ કરવામાં આવે છે.
એક રિપોર્ટ અનુસાર પડદા પાછળ રશિયા ભારત સહિત ગ્લોબલ સાઉથના ઘણા દેશોને FATF લિસ્ટમાંથી બચાવવા માટે દબાણ કરી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેન સાથે યુદ્ધને કારણે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ જૂનમાં રશિયાને બ્લેક લિસ્ટ અથવા ગ્રે લિસ્ટમાં સામેલ કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયા પોતાને આર્થિક અલગતાથી બચાવવા માટે ભારતને સંરક્ષણ અને ઉર્જા સોદા ખતમ કરવાની ધમકી આપી રહ્યું છે.
FATF એ ફેબ્રુઆરી 2023 માં રશિયાનું સભ્યપદ રદ કર્યું હતું. રશિયાની સદસ્યતા રદ કરતી વખતે FATFએ કહ્યું હતું કે યુક્રેનમાં રશિયાની ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી FATFના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે. FATF એ પણ કહ્યું હતું કે યુક્રેનમાં રશિયાની ચાલી રહેલી કાર્યવાહી ઉશ્કેરણીજનક છે. FATF સભ્યપદ રદ થયા બાદથી રશિયાને બ્લેક લિસ્ટ અથવા ગ્રે લિસ્ટમાં સામેલ કરવાનો આગ્રહ કરી રહ્યું છે.
રિપોર્ટ અનુસાર, આ મહિનાની શરૂઆતમાં એક રશિયન રાજ્ય એજન્સીએ ભારતીય સમકક્ષને ચેતવણી આપી હતી કે જો FATF રશિયાને બ્લેક લિસ્ટ અથવા ગ્રે લિસ્ટમાં સામેલ કરે છે, તો તેના ઉર્જા, સંરક્ષણ અને પરિવહન ક્ષેત્રે ખૂબ ગંભીર પરિણામો આવશે.
રશિયન અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, “આ ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ મુદ્દો છે. આ રશિયા તરફથી અણધાર્યા અને નકારાત્મક પરિણામો અંગેની એક પ્રકારની ચેતવણી છે.” રશિયન એજન્સીએ ભારતને FATFના આ પગલાને રાજકીય અને ગેરકાયદેસર ગણાવી તેનો વિરોધ કરવા વિનંતી કરી છે.
તેમણે કહ્યું છે કે જો રશિયાને પણ ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવે છે તો તે ભારત માટે મુશ્કેલીઓનું કારણ બનશે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે ભારતે આ ચેતવણીઓનો જવાબ આપ્યો છે કે નહીં. આ સિવાય રશિયા કે ભારત તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.