Editorial

તુર્કીમાં ચૂંટણીના બીજા રાઉન્ડમાં ભારત વિરોધી એર્દોગન જીતી શકશે?

વિશ્વમાં કેટલાક વિશિષ્ટ પ્રકારના દેશો છે તેમાંનો એક દેશ તુર્કી છે. એક તો આ દેશ અનેક નામોથી જાણીતો છે. તુર્કસ્તાન, તુર્કી, ટર્કી એવા નામોથી તે જાણીતો હતો, તેણે કેટલાક સમય પહેલા પોતાનું સત્તાવાર નામ બદલીને તુર્કીયે કર્યું છે. આ એવો દેશ છે કે જે બે ખંડોમાં વસેલો છે. તેનો કેટલોક ભાગ યુરોપમાં અને કેટલોક ભાગ એશિયા ખંડમાં છે. જો કે તેનો વધુ ભાગ એશિયા ખંડમાં જ છે છતાં આ દેશ યુરોપિયન મુસ્લિમ દેશ તરીકે પણ ઓળખાય છે અને યુરોપમાં તેનો ભાગ હોવાને કારણે તેને નાટો લશ્કરી સંગઠનમાં પણ સ્થાન મળ્યું છે.

આ તુર્કી છેલ્લા કેટલાક સમયથી અનેક કારણોસર ચર્ચામાં છે. એક તો આ મુસ્લિમબહુલ દેશે પોતાને દાયકાઓથી બિનસાંપ્રદાયિક જાહેર કર્યો હોવા છતાં તેના વર્તમાન પ્રમુખ રિસપ તૈયિપ ઓર્દોગાને મુસ્લિમ વિશ્વના હામી બનવાના ધખારામાં અન્ય અનેક દેશો સાથે શિંગડા ભેરવવા માંડ્યા, કાશ્મીરને મામલે તેઓ સતત પાકિસ્તાનને ટેકો આપતા રહે છે. કેટલાક સમય પહેલા આ દેશે પોતાનું સત્તાવાર નામ બદલીને તુર્કીયે કર્યું! અને હાલ થોડા મહિના પહેલા ત્યાંના એક પ્રદેશમાં પ્રચંડ ભૂકંપ થયો જેમાં હજારો લોકો મૃત્યુ પામ્યા અને હવે હાલ પ્રમુખપદની ચૂંટણી યોજાઇ જેમાં કોઇને સ્પષ્ટ બહુમતિ નહીં મળતા ચૂંટણીનો બીજો રાઉન્ડ યોજવાનો વારો આવ્યો છે.

તુર્કીયેના ચૂંટણી વડાએ જણાવ્યું છે કે પ્રમુખપદની ચૂંટણીમાં કોઇને સ્પષ્ટ બહુમતિ નહીં મળતા હવે ૨૮મી મેના રોજ આ ચૂંટણીનો બીજો રાઉન્ડ યોજાશે. હાલના પ્રમુખ રીસપ તૈયિપ એર્દોગનને સૌથી વધુ મત મળ્યા છે પરંતુ સ્પષ્ટ બહુમતિમાં તેમને થોડા મતો ખૂટી રહ્યા છે. ૧૪મી મેએ તુર્કીયેમાં યોજાયેલ ચૂંટણીના પરિણામો આવ્યા છે જેમાં હાલના પ્રમુખ એર્દોગનના પક્ષ એકેપીને ૪૯.પ ટકા મત મળ્યા છે. જેમને તુર્કીના ગાંધી કહેવામાં આવે છે તે કમાલ કેલિદારોગ્લુના પક્ષ સીએચપીને ૪૫.૦ ટકા મત મળ્યા છે.

જ્યારે અન્ય બે ઉમેદવારો ઓગન અને ઇન્સેને તો અનુક્રમે માત્ર પ.૩ અને ૦.૪ ટકા મત જ મળ્યા છે. તુર્કી કે જે હવે તુર્કીયે તરીકે ઓળખાય છે તેના સુપ્રીમ ઇલેકટોરલ બોર્ડે કોઇને સ્પષ્ટ બહુમતિ નહીં મળતા ચૂંટણીનો બીજો રાઉન્ડ આ ૨૮મી મેએ યોજવાનું નક્કી કર્યું છે. તુર્કીના કાયદા પ્રમાણે પ્રમુખ બનવા માટે ઓછામાં ઓછા ૫૦ ટકા મત મળ્યા હોવા જરૂરી છે. આથી હવે બીજો રાઉન્ડ યોજવો જરૂરી છે જેમાં મુખ્ય બે ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે. તુર્કીયેમાં એર્દોગન ૨૦ વર્ષથી સત્તા પર છે. તેઓ ૧૧ વર્ષ વડાપ્રધાન અને નવ વર્ષથી પ્રમુખ રહ્યા છે.

હાલમાં મોંઘવારી અને ફેબ્રુઆરીમાં આવેલા ભૂકંપમાં યોગ્ય પગલા નહીં ભરવાના મુદ્દે એર્દોગન સામે લોકરોષને કારણે તેઓ હારી શકે છે એવું અનુમાન હતું પરંતુ આ અનુમાન ખોટું પડયું છે. એર્દોગન પાકિસ્તાન તરફી છે અને તેમણે અનેક વખત કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને ટેકો આપ્યો છે. આ એર્દોગનને કમાલ ગાંધી તરીકે પણ ઓળખાતા કમાલ કેલિદારોગ્લુએ સારી એવી ટક્કર આપી છે. કમાલ કેલીદારોગ્લુનો દેખાવ ગાંધીજી જેવો જ દેખાય છે અને તેઓ કમાલ ગાંધી તરીકે ઓળખાય છે. ભારતીયોને તેમનામાં કદાચ પોતીકાપણાના દર્શન થાય છે પરંતુ આ ગાંધી પણ સત્તામાં આવ્યા પછી કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને ટેકો નહીં જ આપે તેની તો કોઇ ખાતરી ન હતી.

તુર્કી સલ્તનતની એક સમયે દુનિયામાં ધાક હતી અને આ સલ્તનત એક મહાસત્તા હતી. પછી જો કે આ દેશ અનેક ચડાવ ઉતારમાંથી પસાર થયો. ધીમે ધીમે તેની મહાસત્તા તરીકેની ધાક ઓસરતી ગઇ. તેના ક્રાંતિકારી નેતા કમાલ પાશાએ તુર્કીની જૂની ગરિમા તેને પાછી અપાવવા પ્રયાસ કર્યો જેમાં મર્યાદિત સફળતા મળી. પાશાએ તુર્કીને એક પ્રજાસત્તાક દેશ બનાવ્યો તે મોટી સફળતા હતી. દુનિયામાં એવા થોડાક મુસ્લિમ દેશો છે જેમણે પોતાને બિનસાંપ્રદાયિક જાહેર કર્યા છે તેમાંનો એક તુર્કી દેશ છે.

જો કે આપણે અગાઉ જોયું તેમ તેના હાલના પ્રમુખ ઓર્દોગન મુસ્લિમ પત્તુ અનેક પ્રસંગે રમવાનો પ્રયાસ કરતા રહ્યા છે. કાશ્મીર મુદ્દે તેમણે અનેક વખતે પાકિસ્તાનને ખુલ્લેઆમ ટેકો આપ્યો હોવાને કારણે ભારતમાં તેઓ સ્વાભાવિક રીતે અળખામણા બન્યા છે. હાલની ચૂંટણીમાં એર્દોગન કંઇ નહીં તો છેવટે ભૂકંપમાં નબળી વ્યવસ્થાના મુદ્દે પરાજિત થશે એમ વિશ્લેષકોને લાગતું હતું પરંતુ પ્રથમ રાઉન્ડમાં તેમને બહુમતિથી થોડા મત ઓછા મળ્યા છે અને હવે ચૂંટણીનો બીજો રાઉન્ડ યોજાવા જઇ રહ્યો છે. ઘણા ભારતીયોને લાગે છે કે ઓર્દોગન હારવા જોઇએ પરંતુ પહેલા રાઉન્ડના પ્રવાહો જોતા આવું થવું બહુ શક્ય લાગતું નથી બલ્કે બીજા રાઉન્ડમાં એર્દોગનને સ્પષ્ટ બહુમતિ મળી જાય તેવી શક્યતા હવે જોવામાં આવી રહી છે. હવે થોડા દિવસમાં જ યોજાનાર આ બીજા રાઉન્ડમાં શું થાય છે તે જોવાનું રહે છે.

Most Popular

To Top