સુરત: છેલ્લાં કેટલાંય સમયથી સતત વિવાદમાં (Controversy) રહેતા બાગેશ્વર ધામના (Bageshwar Dham) ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shashtri) આગામી દિવસોમાં સુરતમાં (Surat) આવી રહ્યાં છે. તેઓ સુરતમાં દિવ્ય દરબાર ભરવા જઈ રહ્યાં છે. ધીરેન્દ્ર શાસ્ત્રીની સુરત વિઝિટ પહેલાં સુરતના એક હીરાના વેપારીએ તેમને પડકાર ફેંક્યો હતો, જેને ખાસ્સી ચર્ચા જગાવી હતી.
સુરતના હીરાના વેપારી (Diamond Trader) જનક બાબરીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને એવી ચેલેન્જ (Challenge) કરી હતી કે, જો તેઓ પડીકામાં કેટલાં હીરા છે તેની સંખ્યા જણાવશે તો પોતે તે પડીકામાં મુકેલા અંદાજે બે કરોડની કિંમતના તમામ હીરા (Diamond) તેમને સોંપી દેશે. જનક બાબરીયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ કરી ત્યારથી જ તે ચર્ચામાં છે, ત્યારે હવે હીરાના વેપારી જનક બાબરીયાએ યુટર્ન માર્યો છે અને પોતાની ચેલેન્જને પાછી ખેંચી લીધી છે. જનક બાબરીયાએ એક લેટર સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર કરીને પોતે પીછેહઠ કરી હોવાનું જાહેર કર્યું છે.
જનક બાબરીયા આ ચેલેન્જ આપ્યા બાદથી લાઈમલાઈટમાં આવ્યો હતો. તે સતત મીડિયા સાથે વાત કરીને પોતાની ચેલેન્જનું પુનરાવર્તન કરી રહ્યો હતો. જોકે હવે હીરાના વેપારી જનક બાબરીયાએ પત્ર જાહેર કર્યો છે. તેમાં તેણે લખ્યું છે કે તેણે ધીરેન્દ્ર શાસ્ત્રીને જે ચેલેન્જ આપી હતી તેને લઈને ઘણો વિવાદ થયો હતો. ગુજરાતમાં આસ્થા અને અંધશ્રદ્ધાને લઈને વિવાદ શરૂ થયો હતો. આ માટે તે માનસિક ત્રાસ સહન કરી રહ્યો હતો. તે નિવેદન આપી આપીને થાકી ગયા છે. આવી સ્થિતિમાં હવે આ વિવાદનો અંત લાવવા માંગે છે.
હીરાના વેપારીએ પોતાના પત્રમાં વધુમાં લખ્યું છે કે, આ વિવાદ બાદ તેને સતત ફોન આવી રહ્યા છે. આ કારણે તે આ વિવાદનો અહીં જ અંત લાવી રહ્યો છે. આગામી દિવસોમાં તેઓ મધ્યપ્રદેશના બાગેશ્વર ધામમાં જઈને ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરશે. સુરતના હીરા વેપારી હવે મીડિયાથી અંતર રાખી રહ્યા છે. તે હવે ચેલેન્જ બાદ ઉભા થયેલા વિવાદનો અંત લાવવા માંગે છે.