નડિયાદ: નડિયાદ શહેરમાં ચોમાસા દરમિયાન અનેક વિસ્તારો પાણીથી છલોછલ ભરાઈ જાય છે તે કોઈ નવી વાત નથી. ગટરો અને વરસાદી કાંસોમાં પાણીનો યોગ્ય નિકાલ ન થતા આ સ્થિતિ સર્જાય છે. તેમ છતાં આ પરીસ્થિતિનું નિવારણ મેળવવાને બદલે નગરપાલિકા જાણે જાણી જોઈને સ્થિતિ ઉભી કરતી હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે, ગટર અને વરસાદી કાંસ બંને કોન્ટ્રાક્ટ વર્ષોથી એક જ કોન્ટ્રાક્ટરને આપવામાં આવી રહ્યા છે.
નડિયાદમાં ગટર સફાઈ અને વરસાદી કાંસની સફાઈના કોન્ટ્રાક્ટ સંજય એન. વાણીયા પાસે છેલ્લા કેટલાક વર્ષોથી છે. પરંતુ બંનેની યોગ્ય સફાઈના અભાવે ચોમાસામાં નડિયાદના હાલ કેવા હોય છે, તેનાથી સૌ કોઈ વાકેફ છે. શહેરી વિસ્તારમાં ગટરોની સફાઈ ન થતા માત્ર ચોમાસામાં જ નહીં, પરંતુ બારે માસ ગટરો ઉભરાઈ અને જાહેર માર્ગોથી માંડી રહેણાંક વિસ્તારો ગંદકીથી ખદબદી ઉઠતા હોવાનું વારંવાર જોવા મળી રહ્યુ છે. એટલુ જ નહીં, ચોમાસામાં તો ગટરોમાંથી પાણીનો નિકાલ અટકી જ જાય છે અને પરીણામે આખા નડિયાદમાં ગટરો ઉભરાઈ જાય છે. જેના કારણે રસ્તાઓ ગટરના પાણીથી છલકાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાય છે. તે જ રીતે વરસાદી કાંસોની યોગ્ય સફાઈ ન થતા પાણી રોકાઈ જાય છે અને પારસ સર્કલ પાસે શૈશવ હોસ્પિટલ પાસેની કાંસ આખી છલકાઈ અને દિવસોના દિવસો સુધી રસ્તાઓ બ્લોક થઈ જાય છે. આ ઘટનાઓ છેલ્લા કેટલાય વર્ષોથી સામાન્ય બની ગઈ છે.
લોકો ત્રાહી-ત્રાહી પોકારી જાય છે, પરંતુ તેમ છતાં આ ગટર અને કાંસ સફાઈના કોન્ટ્રાક્ટરની સામે કાર્યવાહી અને કોન્ટ્રાક્ટ બદલવાને બદલે તેની પર તંત્રના 4 હાથ હોય તેમ માત્ર કારોબારીમાં ઠરાવ કરી કોન્ટ્રાક્ટ રીન્યુ કરી દેવાયા છે. ત્યારે નગરજનોના હિતને બાજુમાં મુકી આ એકમાત્ર કોન્ટ્રાક્ટર પર તંત્ર આટલુ મહેરબાન કેમ છે? તે સવાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આમ પણ પાલિકામાં કોન્ટ્રાક્ટર અને શાસકો વચ્ચે સાંઠગાંઠ હોવી એ કોઇ નવી બાબત નથી. તે મુદ્દો પણ ચર્ચાઇ રહ્યો છે.
તો કોન્ટ્રાક્ટર માત્ર મહોરુ..?
આંતરીક સૂત્રોના મતે એસ. એન. વાણીયા પાસે માત્ર કાંસ અને ગટર સફાઈ જ નહીં, પરંતુ અન્ય કેટલાય કોન્ટ્રાક્ટ પધરાવી દેવાયા છે. એટલે સંજય વાણીયા પાસે નડિયાદ નગરપાલિકાના અનેક કોન્ટ્રાક્ટ છે. જાણકારોના મતે કોન્ટ્રાક્ટર માત્ર મહોરુ છે, તેની પાછળ નગરપાલિકાનો વહીવટ કરતાં કેટલાક કાઉન્સિલરો પાસે જ એજન્સીની નાણાકીયથી માંડી કામ કરાવવા સુધીની બાગડોર છે. એટલે તંત્રના ચાર હાથ હોય, તેમ માનવામાં આવી રહ્યુ છે.