Comments

વડા પ્રધાન કે મુખ્ય પ્રધાન પસંદ કરવાના રાજકીય પક્ષોના પોતાના નિયમો હોવા જોઈએ

ગયા શનિવારે કોંગ્રેસને કર્ણાટક વિધાનસભામાં ચોક્ખી બહુમતી મળી ત્યાર બાદ મુખ્ય મંત્રી કોણ બનશે તેનો નિર્ણય કરવામાં લગભગ પાંચ દિવસની કસરત કર્યા પછી મુખ્ય મંત્રી તરીકે સિદ્ધારામૈયાના અને નાયબ મુખ્ય મંત્રી તરીકે ડી.કે. શિવકુમારના નામોની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્ય મંત્રીપદના બે સબળ દાવેદારો હતા; સિદ્ધારામૈયા અને શિવકુમાર. સિદ્ધારામૈયા બે વખત વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ કરી ચૂકેલા અનુભવી નેતા છે તથા લઘુમતી, પછાત જાતિ અને દલિતો વડે રચાયેલ ‘અહીંડા’નું તેમને પીઠબળ છે. શિવકુમાર વોક્કાલિગા જાતિના નેતા છે, જે જાતિનો કર્ણાટકમાં કોંગ્રેસને મળેલી જીત પાછળ બહુ મોટો હાથ રહ્યો હતો. સતત ત્રણ દિવસની સમજાવટ પછી છેવટે ડી.કે. શિવકુમાર નાયબ મુખ્ય મંત્રીપદ સ્વીકારવા તૈયાર થયા હતા. કોંગ્રેસના બે વરિષ્ઠ નેતાઓની હુંસાતુંસી રોકવા માટે કોંગ્રેસનાં માજી પ્રમુખ સોનિયા ગાંધી વચ્ચે પડ્યાં હતાં.

ભારતનાં અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પછી મુખ્ય મંત્રીપદ માટે કટ્ટર હરીફાઈ જામે છે, જેમાંથી કોઈને કોઈ રસ્તો કાઢવામાં આવતો હોય છે. કોંગ્રેસે કર્ણાટકમાં વિજય તો મેળવ્યો પરંતુ લોકસભાની ચૂંટણીઓ વખતે આ ખટરાગ મોંઘો પડી શકે છે. એક બાજુ કોંગ્રેસની નબળી કેન્દ્રીય નેતાગીરી છે અને બીજી બાજુ ભાજપમાં મોદીની સરમુખત્યારશાહી ચાલે છે. ભારતની લોકશાહી માટે આ બંને બાબતો હાનિકારક છે. તાજેતરમાં થયેલા શિવસેનાના ભાગલામાં પક્ષનું નબળું વલણ જવાબદાર હતું જેને કારણે લોકો દ્વારા ચૂંટાયેલા વિધાનસભ્યો પોતાની પાર્ટીના નિર્ણયનો વિરોધ પણ નહોતો નોંધાવી શક્યા. કોંગ્રેસને મુખ્ય મંત્રીપદના ઉમેદવારને પસંદ કરવામાં આટલી તકલીફ કેમ પડી? શું દરેક રાજકીય પક્ષો ચૂંટણી જીત્યા બાદ આ તકલીફોનો સામનો કરતા હોય છે? ભારતનાં બંધારણમાં વડા પ્રધાન કે મુખ્ય પ્રધાનની પસંદગી કરવા માટે કોઈ સજ્જડ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? જો ના, તો બંધારણમાં ક્યા પ્રકારના ફેરફારો કરવા જોઈએ?

શિવસેનાના કેસમાં કોર્ટ એક અગત્યની વાત કહેવાનું ચૂકી ગઈ કે કદાચ પક્ષના બંધારણમાં ફેરાફાર કરવાની તાકાત કોર્ટ પાસે નથી પરંતુ રાજકીય પક્ષો પોતે જ આ બદલાવ લાવી શકવા સમર્થ છે. પ્રશ્ન એ છે કે આ દરેક પક્ષોને પોતાના બંધારણમાં ફેરફાર કરતા કોણ રોકે છે? ચૂંટણીનું આયોજન કરીને કોંગ્રેસના પ્રમુખપદે મલ્લિકાર્જુન ખડગેની વરણી કરવામાં આવી અને તેમના પ્રતિસ્પર્ધી શશી થરૂરની હાર થઈ, તે કોંગ્રેસની આંતરિક કાર્યપ્રણાલીઓમાં લોકશાહીનો અમલ સૂચવે છે. તેમ છતાં રાજ્યના મુખ્ય પ્રધાનની વરણી વખતે કેમ કોંગ્રેસ આટલી ગૂંચવાઈ જાય છે? હકીકત એમ છે કે કોંગ્રેસના બંધારણમાં આ પ્રકારની પસંદગી કરવા માટેના કોઈ નિયમો જ નથી.

ભારતનાં બંધારણના મહત્તમ અંશો જે દેશનાં બંધારણ ઉપર આધારિત છે, તે બ્રિટનમાં ૧૯૬૫ પહેલા કન્ઝર્વેટીવ પક્ષમાં પ્રમુખ અને વડા પ્રધાન પદના ઉમેદવારની પસંદગી પક્ષના તમામ સાંસદો વચ્ચે ચર્ચા કરવા દ્વારા થતી હતી. વર્ષ ૧૯૬૫માં તે સમયના પક્ષ પ્રમુખ એલેક્સ ડગ્લાસ દ્વારા ચૂંટણી પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી હતી. આ પ્રક્રિયા મુજબ પ્રથમ વારમાં પ્રમુખ પદના ઉમેદવારે ૫૦ ટકાથી વધુ મતો મેળવવાના રહેતા, જે બીજા ક્રમાંકે આવેલા ઉમેદવાર કરતા ૧૫ ટકા વધુ હોવા જોઈએ. જો પ્રથમ વખતે આ પ્રકારનું પરિણામ ન મેળવી શકાય તો જ્યાં સુધી ઉમેદવારને ૫૦ ટકા કરતા વધુ મતો ન મળે ત્યાં સુધી ફરી મતદાન થતું રહેતું.

વર્ષ ૧૯૯૮માં સામાન્ય ચૂંટણીમાં મળેલી હાર બાદ પક્ષ પ્રમુખ વિલિયમ હાગે દ્વારા નિયમોમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો. નવા નિયમો મુજબ જો પક્ષના ૫૦ ટકા કરતા વધુ સાંસદો એક ઉમેદવારને વોટ આપે તો તે ઉમેદવાર પક્ષ પ્રમુખ અને વડા પ્રધાનપદનું સુકાન વહન કરી શકે છે. બીજા બાર મહિના સુધી ફરી તે બાબત ઉપર ચૂંટણી નથી થઈ શકતી. જો ઉમેદવાર વિશ્વાસનો મત હારી જાય તો તે ફરી વાર ઉમેદવારી નથી નોંધાવી શકતો તેમ જ તેની જગ્યા પર પક્ષના અન્ય કોઈ સાંસદને ઉમેદવાર બનાવવામાં આવે છે.

વર્ષ ૨૦૦૩માં માઈકલ હાવર્ડ અને વર્ષ ૨૦૨૨માં ઋષિ સુનાક જ્યારે પક્ષના પ્રમુખ અને બ્રિટનના વડા પ્રધાન બન્યા ત્યારે પક્ષમાં ચૂંટણીનું આયોજન ન થયું કેમકે તેમના વિરોધમાં કોઈ ઉમેદવાર ન હતા. બ્રિટનના અન્ય પક્ષોમાં પણ પોતાના આંતરિક નેતા પસંદ કરવા માટે અલગ અલગ પદ્ધતિઓ છે, તો પછી ભારતના જ પક્ષો કેમ આંતરિક વિખવાદોમાંથી ઊંચા નથી આવતા? સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના રાજકીય પક્ષોના બંધારણમાં ખાસ કોઈ બદલાવ નથી આવ્યો તેનું કારણ એ છે કે ભારતનાં બંધારણમાં રાજકીય પક્ષો માટે કોઈ જોગવાઈ જ કરવામાં નથી આવી.

ધારાસભ્યોનો પક્ષપલટો ભારતની લોકશાહી અને અનેક રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય છે. પક્ષપલટા વિરૂદ્ધનો કાયદો અમલમાં તો છે પરંતુ તેને કારણે સમસ્યાઓ ઘટવાને બદલે વધી છે. ‘ધ નેશનલ કમિશન ફોર રિવ્યુ ઓફ ધ વર્કિંગ ઓફ કોન્સ્ટિટ્યુશન’ (એનસીઆરડબલ્યુસી) નું કામ ભારતના બંધારણની કાર્યક્ષમતા ચકાસવાનું અને તેમાં ફેરફારો સૂચવવાનું છે. આ કમિશન દ્વારા પક્ષપલટા વિરૂદ્ધના કાયદામાં સુધારો લાવવા માટે ‘બ્લોક વોટ’ની દરખાસ્ત મૂકવાની ચર્ચા થઈ હતી. આ દરખાસ્ત અમલમાં નથી મૂકી શકાઈ પરંતુ તે બહુ નક્કર સમાધાન હતું.

આ દરખાસ્ત મુજબ સંસદમાં કે વિધાનસભામાં કોઈ પણ ખરડો પસાર કરતી વખતે સભ્યો પોતાના મતો અન્ય પક્ષોને વેચી નાખે તેના સામે જોગવાઈ રાખવામાં આવી હતી. જે મુજબ સંસદમાં મત મૂકતી વખતે દરેક રાજકીય પક્ષ પાસે ‘બ્લોક વોટ’ હશે, જેની કિંમત તેની સાંસદ સંખ્યા ઉપરથી નક્કી થશે. ઉદાહરણરૂપે જો ભાજપ પાસે ૩૦૦ સાંસદો હોય તો તેના ‘બ્લોક વોટ’ની કિંમત ૩૦૦ થશે. દરેક અપક્ષ સાંસદ માટે આ કિંમત એક મત જેટલી રહેશે અને તે કોઈ પણ પક્ષમાં નહીં જોડાઇ શકે. સંસદમાં કે વિધાનસભામાં મત આપતા પહેલા દરેક પક્ષે આંતરિક મતદાન કરીને નક્કી કરવાનું રહેશે કે તેના સભ્યો ઠરાવના સમર્થનમાં છે કે વિરોધમાં?

ધારોકે ૩૦૦ પૈકી ૨૦૦ સભ્યો ઠરાવને સમર્થન આપે તો પણ સંસદમાં મતદાન વખતે તમામ ૩૦૦ સભ્યોનું ઠરાવને સમર્થન ગણાશે. જો આંતરિક મતગણતરી વખતે બંને બાજુએ સરખા વોટ પડે તો સંસદમાં આખા બ્લોક માટે તે શૂન્ય મત બરાબર થશે. આ દરખાસ્તમાં ચૂંટણી પહેલાં એક કરતાં વધુ પક્ષોની યુતિ રચવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જે મુજબ યુતિ દ્વારા રચાયેલા પક્ષો માટે એક જ બ્લોક ગણવામાં આવે. આ વ્યવસ્થાને કારણે ચૂંટણી પત્યા પછી યુતિ તૂટવાનો ભય પણ ઊભો નથી થતો.

‘બ્લોક વોટ’ વડે ધારાસભ્યોનો મત આપવાનો અધિકાર નથી ઝૂંટવાતો પરંતુ સરકારની સ્થિરતા જ્યાં જોખમાતી હોય તેવા નિર્ણયોમાં બહુમતી મતોના આધારે બ્લોક બનાવી તે મુજબ મત ગણાય છે. આ રીતે ધારાસભ્યોની ઈચ્છાનુસાર અને પક્ષપ્રમુખના દબાણ વગર નિર્ણયો લેવાથી તેમને ગેરલાયક ઠેરવવાની જરૂર પણ નથી રહેતી. તેને અમલમાં મૂકવા માટે બંધારણની લોકસભા સંબંધિત કલમ ૧૦૦ અને વિધાનસભા સંબંધિત કલમ ૧૮૯માં સામાન્ય ફેરફારો કરવાની જ જરૂર છે. રાજકીય પક્ષો પોતાના આંતરિક માળખા માટે પણ આ પ્રકારના નિયમો અમલમાં મૂકી શકે છે. જોકે ખરીદવેચાણ કરીને સરકાર રચવામાં નિષ્ણાત રાજકીય પક્ષો આ સુધારા માટે તત્પર નથી.

Most Popular

To Top