નવસારી : કૃષ્ણપુર ગામના મેઈન રોડ પર કાંદા (Onions) ભરેલા ટેમ્પાને કારે ટક્કર મારતા ટેમ્પો (Tempo) પલ્ટી ગયો હતો. જે અકસ્માતમાં (Accident) ચાલકને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન મોત (Death) નીપજ્યું હતું. જ્યારે અન્ય બેને ઈજાઓ થઈ હોવાનો બનાવ જલાલપોર પોલીસ મથકે (Police Station) નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, ગણદેવી તાલુકાના બીલીમોરા ગૌહરબાગ પાસે સૂર્યકિરણ એપાર્ટમેન્ટમાં રહેતા નટુસિંગ રાણાસીંગ સરદાર (ઉ.વ. 60) થ્રી વ્હીલ ટેમ્પા (નં. જીજે-21-એક્સ-2687) માં શાકભાજી ભરી તેનો ફેરો મારી વેચાણ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત 11મીએ નટુસિંગ તેમનો ટેમ્પો લઈ ઘરેથી નીકળી બીલીમોરા શાક માર્કેટમાં ગયા હતા. જ્યાંથી નટુસિંગ, રમેશસિંગ કતારસિંગ સરદાર (ઉ.વ. 58) અને અમ્રીતસીંગ લાંભુસિંગ સરદાર (ઉ.વ. 38) ટેમ્પોમાં કાંદાઓ ભરી કનેરા ગામે ગયા હતા. જ્યાંથી તેઓ કૃષ્ણપુર ગામ તરફ કાંદાનું વેચાણ કરવા જતા હતા.
દરમિયાન કૃષ્ણપુર ગામે મેઈનરોડ મહાદેવ મંદિર પાસે પહોચ્યા ત્યારે પાછળથી આવતી વિટારા બ્રેજા કાર (નં. જીજે-15-સીજી-4915) ના ચાલકે ઓવરટેક કરવા જતા નટુસિંગના ટેમ્પાના આગળના ભાગે અથડાવી દેતા ટેમ્પો પલ્ટી ગયો હતો. જેથી ટેમ્પાના ચાલક નટુસિંગ અને પાછળ બેસેલા રમેશસિંગ અને અમ્રીતસીંગને ઈજાઓ થતા રાહદારીઓએ 108 એમ્બ્યુલન્સ મારફતે ચીખલીની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાંથી અમ્રીતસીંગ અને રમેશસિંગને રજા આપી દીધી હતી. જ્યારે નટુસિંગને વધુ સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલમાં રીફર કર્યા હતા. જ્યાંથી ચીખલી સરકારી રેફરલ હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાંથી આલીપોર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. પરંતુ ત્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન નટુસિંગનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર જોગેન્દરસિંગે જલાલપોર પોલીસ મથકે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ એ.એસ.આઈ. રાજુભાઈને સોંપી છે.
ભરૂચની નર્મદા ચોકડી ઉપર ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત થતાં રસ્તા પર ટામેટાં વેરણછેરણ
ભરૂચ: ભરૂચની નર્મદા ચોકડી ઉપર સળિયા ભરેલા ટ્રેલર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં હાઇવે પર ટામેટાંની રેલમછેલ વચ્ચે ચક્કજામ સર્જાયો હતો. ભરૂચ હાઇવે પર નર્મદા ચોકડી નજીક ગુરુવારે સવારે ટ્રકમાં કેરેટોમાં ટામેટાં ભરી ટ્રક જઈ રહી હતી. દરમિયાન વળાંક લેતા સળિયા ભરેલા લાંબા ટ્રેલર સાથે અકસ્માત સર્જાયો હતો. ટામેટાં ભરેલી ટ્રક અને સળિયા ભરેલું ટ્રેલર એકબીજા સાથે ભટકાતાં ટ્રક પલટી મારી હાઇવે વચ્ચે જ આડી પડી ગઈ હતી. આ અકસ્માતમાં હાઇવે પર ટામેટાંનું ઘોડાપૂર જોવા મળ્યાં હતાં. ટ્રક પલટી મારી ટામેટાંની રેલમછેલ થઈ જતાં એક તરફનો વાહન વ્યવહાર અવરોધાવા સાથે જોતજોતામાં વાહનોની લાંબી કતારો જામવા લાગી હતી. આ ઘટના અંગે ૧૦૮ એમ્બ્યુલન્સ વાન અને પોલીસને જાણ કરાતાં હાઇવે ખુલ્લો કરવા સાથે ઇજાગ્રસ્ત ૩૫ વર્ષીય ટ્રકચાલક રાહુલ રાજેન્દ્રભાઈ કુરાડીને સારવાર અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતી. સાથે જ ક્રેઇનની મદદથી પલટી મારેલી ટ્રકને રસ્તાની બાજુમાં ખસેડી હાઇવે પર વેરાયેલાં ટામેટાંનાં કેરેટોને દૂર કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાયો હતો.