નવી દિલ્હી: તમે ઈલેક્ટ્રીક સ્કૂટર (E vehicle) કે મોપેડ ખરીદવા માંગો છો પરંતુ તેની ઊંચી કિંમતના લીધે પરેશાન છો અને કિંમત ઘટે તેની રાહ જુઓ છો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. કારણ કે ઈલેક્ટ્રીક સ્કૂટર કે મોપેડના ભાવ ઘટે તેવી હાલ કોઈ શક્યતા નથી, પરંતુ એવું બની શકે કે ઈલેક્ટ્રીક સ્કૂટર અને મોપેડના ભાવ વધી જાય. હા, ભારત સરકાર (Indian Government) એવો કોઈ નિર્ણય લેવા જઈ રહી છે જેના લીધે ઈ વ્હીકલ્સ મોંઘા થઈ શકે છે.
નજીકના ભવિષ્યમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદનારાઓને મોટો ફટકો પડી શકે છે. ઈલેક્ટ્રિક સ્કૂટરથી લઈને બાઈક સુધી આ બધી ખરીદી મોંઘી થવા જઈ રહી છે. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માટે સબસિડી (Subsidy) 40 ટકાથી ઘટાડીને 15 ટકા કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ માટે ઉદ્યોગ મંત્રાલયે ઉચ્ચ સ્તરીય આંતર-મંત્રાલય પેનલને ભલામણ મોકલી છે જે અંતિમ નિર્ણય લેશે. જો સબસિડી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવશે તો ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરની કિંમતમાં વધારો થશે.
એક અહેવાલ અનુસાર, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માટે સબસિડી 40 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવી શકે છે. સરકાર દ્વિચક્રી વાહનોનો વ્યાપ વધારવા તેમજ ઉપલબ્ધ ભંડોળમાંથી વધુ વાહનોનું ભંડોળ પૂરું પાડવા માટે આવું કરી રહી છે. આ ઉપરાંત બિનઉપયોગી પડેલા થ્રી વ્હીલર્સ માટે સબસિડી ફાળવણીનો ભાગ (જે રકમ વહેંચવામાં આવી નથી)નો ઉપયોગ ટુ વ્હીલર માટે પણ કરવામાં આવશે. જો આ પ્રસ્તાવને લીલી ઝંડી મળશે તો તેની સીધી અસર ઈલેક્ટ્રિક વાહન ખરીદનારાઓના ખિસ્સા પર પડશે અને તેનાથી યુનિટ દીઠ ખર્ચ વધી શકે છે.
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે FAME Indiaના બીજા તબક્કા હેઠળ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ માટે કુલ ભંડોળની ફાળવણી ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સ માટે રૂ. 1,000 કરોડના બિનઉપયોગી ભંડોળનો ઉપયોગ કરીને વધારીને રૂ. 3,500 કરોડ કરવાની યોજના છે.
અહેવાલમાં એક અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “જો સરકાર વર્તમાન સ્તરે પ્રતિ યુનિટ સબસિડી ચાલુ રાખશે તો નિર્ધારિત રકમમાં વધારો કર્યા પછી પણ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માટે ઉપલબ્ધ ભંડોળ આગામી બે મહિનામાં સમાપ્ત થઈ જશે, તેથી આ નિર્ણય લેવો આવશ્યક છે.”
અધિકારીએ વધુમાં જણાવ્યું કે સબસિડીની ટકાવારી ઘટાડ્યા પછી પણ ફેબ્રુઆરી 2024 સુધીમાં 10 લાખ ઇલેક્ટ્રિક દ્વિચક્રી વાહનોના વેચાણને કોઈ અસર થશે નહીં. અધિકારીઓને સરકારના આ નિર્ણયથી વાહનોની માંગ પર અસર થવાની આશા નથી એવો દાવો કર્યો હતો.