સુરત: માતા-પિતા માટે ચેતવા જેવો કિસ્સો ઉધના વિસ્તારમાં બન્યો છે. ઉધનાના કૈલાસ નગરમાં રહેતાં શ્રમજીવી પરિવારનો દોઢ વર્ષનો દીકરો ચીકુ ખાતી વખતે ચીકુનો ઠળિયો ગળી ગયો હતો. પરિવારજનો સારવાર માટે તાત્કાલિક દીકરાને નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરોનું માનવું છે કે બાળક ઠળિયો ગળી ગયા બાદ તે ઠળિયો શ્વાસ નળીમાં ફસાઈ જતાં બાળકનો શ્વાસ રૂંધાયો હતો.
નવી સિવિલ હોસ્પિટલ અને ઉધના પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ ઉધનામાં આવેલ કૈલાસનગરમાં રહેતા સંતોષભાઈ નાયક મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લામાં આવેલા પંચવૃતિ ગામના વતની છે. પરિવારમાં પત્ની ઉપરાંત એક દીકરી છે અને દોઢ વર્ષનો દીકરો રૂષી હતો. સંતોષભાઈ પાંડેસરા વિસ્તારમાં બટલીબોય ખાતે આવેલા કારખાનામાં સાડીમાં લેસપટ્ટી લગાડવાનું કામ કરે છે.
બપોરે સાડા ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન રૂષીની માતા ચીકુ ખાતી હતી, તેની સાથે રૂષી પણ હતો. રૂષી પોતાની રીતે ચીકુ લઈને ખાવા લાગ્યો હતો, પરંતુ થોડીવારમાં જ તે અચાનક બિમાર જેવો થઈ ગયો. તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. તેને પરિવારજનો સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ડોક્ટરોનું કહેવું છે કે રૂષીએ ગળેલો ઠળિયો તેની શ્વાસનળીમાં ફસાઈ ગયો હતો. તેના કારણે રૂષીની તબિયત ખરાબ થઈ હતી. તેનો શ્વાસ રૂંધાયો અને તેનું મોત નિપજ્યું હતું. ઉધના પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.