સુરત: ગયા વર્ષે 2022 માં ચેમ્બર ઓફ કોમર્સ અને ખાનગી સંસ્થા GTTF દ્વારા સંયુક્ત રીતે કેન્દ્ર સરકારના મંત્રાલયની મદદથી અમેરિકાના જુદા જુદા શહેરોમાં યોજાયેલા ટેક્સટાઈલ એક્ઝીબિશન પાછળ થયેલા ખર્ચની વિગત નહીં આપવામાં આવતા ચેમ્બર પ્રમુખને લીગલ નોટિસ આપવામાં આવી છે.
ચેમ્બરની મેનેજીંગ કમિટીના સિનિયર મેમ્બર નીતિન ભરુચાનાં એડવોકેટ ઝમીર શેખે જણાવ્યું હતું કે, મારા અસીલે બે વાર પત્રો મોકલી એક્ઝીબિશનમાં થયેલા ખર્ચની વિગત માંગી હતી. બીજા સભ્યએ ચેમ્બરની મેનેજીંગ કમિટીની બેઠકમાં પણ વિગત માંગી હોવા છતાં આપવામાં આવી ન હતી.
પ્રમુખે વિગત ન આપતા નાં છૂટકે સંસ્થાના 9000 સભ્યોના હિતમાં લેખીતમાં આવક જાવકના હિસાબ આપવા કાનૂની પત્ર મોકલ્યો છે. ગત વર્ષે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દુબઈ તેમજ અમેરીકા મુકામે એકઝીબીશન રાખવામા આવ્યું હતું. તેનું આયોજન GTTF (ગ્લોબલ ટેક્સટાઈલ ટ્રેડ ફેર) નામની સંસ્થાના સહયોગથી કરવામાં આવ્યું હતું.
GTTF ના કર્તાહર્તા કોઈ સંદિપ પટેલ છે અને ગત વર્ષના પ્રમુખ આશીષ ગુજરાતી હતા દુબઈ અને અમેરીકામાં યોજાયેલા પ્રદર્શનમાં ભાગ લેનાર વેપારીઓને ખૂબ મુશ્કેલીઓ નડી હતી. ચેમ્બર અને GTTF ને એક્ઝિબીટર્સ દ્વારા પુરેપુરી ૨કમ ચુકવવામાં આવી હોવા છતાં કોઈ કારણોસર એકઝીબીશન હોલમાં વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓને પ્રવેશ ન આપવામાં આવ્યો હોવાનો વીડિયો પણ વાઇરલ થયો હતો.
અમેરિકાના એક્ઝીબિશન વખતે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અંદાજે 12,000 ડોલર જેટલી માતબર રકમ મેનેજીંગ કમિટીને વિશ્વાસમાં લીધા વિના ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી હિસાબ આપવામાં આવ્યો નથી. આટલી મોટી રકમ 6 મહિના વાપરી ચેમ્બરને વ્યાજ વિના પરત કરવામાં આવી છે.
એ પણ ખાનગી સંસ્થા બીજીવાર અમેરિકામાં પ્રદર્શન યોજવાનું આયોજન કરી રહી હોવાથી વિવાદ થવાના ભયે આ રકમ પરત મળી હતી. ભરુચાનાં વકીલે આરોપ મૂક્યો છે કે,બીજીવારનાં એક્ઝીબિશનનાં આયોજનમાંથી ફોગવા અને એના પ્રમુખ અશોક જીરાવાળા કેમ ઘટી ગયા એની તપાસ થવી જોઈએ. અને 12,000 ડોલર 6 મહિના વાપરવા માટે ખાનગી આયોજક પાસે વ્યાજ વસુલવું જોઈએ.
પાયાવિહોણા,મનઘડંત આક્ષેપ છે: આશિષ ગુજરાતી
એક્ઝીબિશનનું આયોજન કરનાર ચેમ્બરના તે સમયના પ્રમુખ આશિષ ગુજરાતી એ જણાવ્યું હતું કે, નીતિન ભરૂચાના એડવોકેટ ઝમીર શેખના આક્ષેપ પાયાવિહોણા,મનઘડંત છે.આવી કોઈ ઘટના દુબઇ કે અમેરિકામાં બની નથી.અમેરિકામાં ગયા વર્ષે 45 એક્ઝીબીટરસે ભાગ લીધો હતો આ વખતે 134 એ સ્ટોલ બુકીંગ કર્યું છે.અમે એક્ઝીબિશનમાં ભાગ લેનારા 40 ઉદ્યોગકારોનાં અનુભવો પણ ચેમ્બરમાં શેર કરાવ્યા હતાં, જેનું રેકોર્ડિંગ ચેમ્બર પાસે છે.અમે પણ આ મામલે કાનૂની સલાહ લઈ કાર્યવાહી કરીશું.
ભરૂચાને એકાઉન્ટ બુક દેખાડવા જણાવ્યું છે: હિમાંશુ બોડાવાલા
ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે,મેનેજીંગ કમિટી સભ્ય નીતિન ભરુચાએ જોવા માંગેલી વિગતો તેમને દેખાડવા જણાવ્યું છે. કાલે તેમને એકાઉન્ટ બુક દેખાડવા જણાવ્યું છે. ચેમ્બરને અમેરિકાનાં એક્ઝીબિશનમાં એક રૂપિયાનું નુકસાન થયું નથી. ખૂબ સામાન્ય બાબત હતી. મેનેજીંગ કમિટીની બેઠકમાં પણ એનો ઉત્તર આપવામાં આવ્યો હતો.