SURAT

સુરતમાં 18 વર્ષની યુવતીને 6 મહિના પહેલાં કૂતરું કરડ્યું, વેકેસિન લીધી છતાં હડકવા થયો, પાણી પણ પી શકતી નથી

સુરત: સુરત મહાનગરપાલિકાની મહેરબાનીથી શહેરમાં રખડતા કૂતરાંઓ દ્વારા શહેરીજનો પર કરવામાં આવતા જીવલેણ હુમલાઓનો ત્રાસ યથાવત છે, છેલ્લાં બે-ત્રણ મહિનામાં શહેરમાં બે બાળકોએ રખડતાં કૂતરાંના હુમલામાં જીવ ગુમાવ્યા છે તો અડાજણની એક બાળકી હડકવાના કારણે જીવ ગુમાવી ચૂકી છે, ડોગબાઈટના રોજના 100 જેટલા કેસ સામે આવી રહ્યાં હોવાનું ખુદ પાલિકા સ્વીકારી ચૂકી છે પરંતુ રખડતાં કૂતરાં દ્વારા નાગરિકો પર થઈ રહેલા જીવલેણ હુમલાઓને સુરત પાલિકાના તંત્રએ દ્વારા ગંભીરતાથી લેવામાં નથી આવી રહ્યાં જેના કારણે સતત ડોગબાઈટની ઘટનાઓ બની રહી છે જેના કારણે વધુ એક યુવતી હડકવા જેવી જાનલેવા બિમારીનો ભોગ બનીને સિવિલના બિછાને પડી છે.

બુધવારે નવી સિવિલ હોસ્પિટલમાં હડકવાના લક્ષણો સાથે જે યુવતી દાખલ થઈ છે. તેને હાંફ ચઢે છે અને પાણી પણ નથી પીવાતું. તેને 6 મહિના પહેલાં રખડતા કૂતરાંએ બચકા ભર્યા હતાં. પરિવારનો દાવો છે કે તે સમયે તેઓએ વેક્સિન લીધી હતી.

નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર મોરાભાગળ વિસ્તારમાં શાકભાજી માર્કેટ પાસે વિનોદ દેવીપુજક પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની ઉપરાંત એક દીકરી અને એક દીકરો છે. 18 વર્ષિય દીકરી જ્યોતિ પણ માતા-પિતા સાથે શાકભાજી વેચવાનું કામ કરે છે. બે દિવસથી તેની તબિયત ખરાબ હતી.

બુધવારે બપોરે તેને હાંફ ચઢતી હતી અને પાણી પીવામાં તકલીફ થતી હતી. તેના માતા-પિતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતાં. ડોક્ટરે તપાસ કરતાં જ્યોતિને હડકવાની અસર દેખાઈ હતી. જ્યોતિની માતા મીતાબેને જણાવ્યું હતું કે 6 મહિના પહેલા જ્યોતિને પગમાં રખડતાં કૂંતરાએ બચકા ભર્યા હતા. તે સમયે સ્મીમેર મેડિકલ કોલેજમાં ઇન્જેક્શન લીધા હતા. જ્યોતિને નવી કિડની બિલ્ડિંગમાં 6-ડી વોર્ડમાં દાખલ કરવામાં આવી છે.

મેયર ગૌરવપથના અકસ્માતોના મુદ્દે મેદાને પડ્યાં તે આવકાર્ય પણ કૂતરાંઓના જીવલેણ હુમલામાં બાળકો જીવ ખોઈ રહ્યાં છે છતાં ઝમીર જાગતું નથી
શહેરના પાલ આરટીઓ અને ગૌરવપથ વિસ્તારમાં મોટા વાહનોની અડફેટે આવીને ગત અઠવાડિયામાં જ એક કિશોરી અને એક બાળક જીવ ગુમાવી ચૂક્યાં છે, જેના પગલે મંગળવારે જ મેયરે આ વિસ્તારની વિઝિટ કરીને ટ્રાફિક નિયમન માટે સૂચનાઓ આપી, કેમરા મૂકવા સૂચન કર્યું તે અવશ્ય આવકાર્ય છે પરંતુ રખડતાં કૂતરાંઓના જીવલેણ હુમલાઓમાં તો નાના બાળકોના જીવ જઈ રહ્યાં છે, મેયરના અડાજણ જ વિસ્તારની ખુશી ફોટોગ્રાફર નામની એક દીકરીએ હડકવાથી જીવ ખોઈ ચૂકી છે છતાં આ મુદ્દે હજી તેમનું ઝમીર જાગતું નથી.

માર્ગ પર ઉતરીને બીઆરટીએસ બસના ડ્રાઈવરને ઝડપ બદલ તત્કાળ પાણીચું આપવા જેવી કામગીરી મેયર કરી શકતા હોય તો શહેરના નાગરિકો રોજ કૂતરાંઓના હુમલાઓનો ભોગ બની રહ્યાં છે તે વાસ્તવિક પ્રશ્ને કેમ આંખ આડા કાન કરી રહ્યાં છે, એવી તો કઈ બાબતો છે કે જેણે મેયરના હાથ બાંધી દીધા છે?

Most Popular

To Top