સુરત: અઠવા ઝોનમાં સમાવિષ્ટ વેસુની હાઇટેક એવન્યુ સોસાયટીની કોમન જગ્યામાં રાતોરાત ફેબ્રિકેટેડ દેરાસર મુકી દેવાનો વિવાદ ભારે ચગ્યા બાદ સતત વકરી રહ્યો છે. અહીં રહેતા જૈન સમુદાયના અમુક લોકોએ કોમન જગ્યા પર 10 બાય 15 ચોરસ ફુટની જગ્યા જેટલું ફેબ્રિકેટેડ સ્ટ્રકચર મુકી દીધું હતું, જેમાં દેરાસર બનાવવાનું હોવાનું જણાતાં અન્ય (હિન્દુ) સમુદાયના રહીશોએ વિરોધ કર્યો હતો.
- હિન્દુ સમુદાયના લોકોએ વિરોધ કરતાં વિવાદ ખાસ્સો વકર્યો હતો
- સ્ટ્રક્ચર અને દેરાસરની મૂર્તિ પરત કરવા જૈનોના ટોળા ઉમટતાં ફરી તણાવ
જે દિવસે આ સ્ટ્રકચર મુકાયું ત્યારે વિરોધ કરનારાઓને કાબુમાં રાખવા બાઉન્સરો પણ લઇ અવાયા હોવાનો વિડિયો વાયરલ થયો હતો. દરમિયાન મામલો પોલીસ અને પાલિકા સુધી પહોંચ્યો હતો. મનપા દ્વારા આ મુદ્દે અહીંના ચારેય ટાવરના પ્રમુખોને નોટિસ પણ પાઠવાઇ હતી અને આખરે મનપા દ્વારા આ જૈન દેરાસર હટાવી લઇને સ્ટ્રકચર જપ્ત કરી લેવાયું છે.
વિસ્તૃત વિગતો મુજબ અઠવા ઝોનની ટીપી સ્કીમ નં. 29 (વેસુ-રૂઢ-મગદલ્લા)ના ફાઇનલ પ્લોટ નં 28 ખાતે હાઇટેક એવન્યુ નામની હાઇરાઝ બિલ્ડીગના સી.ઓ.પીમાં તમામ સભ્યોની સહમતી નહીં હોવા છતાં બહારથી ફેબ્રિકેટેડ સ્ટ્રકચર લાવીને તેમાં દેરાસર બનાવવામાં આવ્યું હતું. જેથી જૈન સમુદાય અને હિન્દુ સમુદાયના લોકો સામસામે આવી ગયા હતા.
જૈન સમુદાય કાયદેસર રીતે જૈન દેરાસરનું બાંધકામ કર્યું હોવાની રજુઆત કરી રહ્યો હતો અને અન્ય સમુદાયના લોકોએ દેરાસરનું દબાણ દુર કરવાની માંગણી કરી હતી. દરમિયાન બંને પક્ષો મનપા મુખ્યાલય ખાતે દોડી આવ્યા હતાં અને મ્યુ કમિશ્નરને રજુઆત કરી પોતપોતાનો પક્ષ મુકયો હતો. જ્યારે દેરાસરનો વિરોધ કરતાં રહીશોએ તો, જો આ મુદ્દે મનપા કડક કાર્યવાહી નહીં કરે તો જાહેર રસ્તા પર શુક્રવારે ઘરણાં પર બેસવાની ચિમકી પણ આપી હતી.
આખરે મનપા દ્વારા આ જૈન દેરાસર હટાવી લેવાયું છે. જો કે ત્યાર બાદ જૈન સમાજના અહીના લોકોએ જપ્ત કરાયેલું સ્ટ્રચર અને મૂર્તિ પરત કરવાની માંગ સાથે મોડી રાત સુધી ટોળે વળ્યા હતાં. જેને પગલે પોલીસનો મોટો બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો હતો.
ડીસીપી સાથે ધક્કામુક્કી કરતાં હળવો લાઠીચાર્જ
વેસુ હાઈટેકમાં મોડી રાત સુધી ચાલેલી બબાલમાં પોલીસ દ્વારા રહીશોને સમજાવવા પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ ઉશ્કેરાટ ખૂબ હોવાથી ભારે ધમાલ વચ્ચે ડીસીપી સાગર બારમાર સાથે પણ ધક્કામુક્કી થઈ હતી, જેના પગલે પોલીસ દ્વારા એકત્ર થયેલા ટોળાંને વિખેરવા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો