‘જબ પ્યાર કીયા તો ડરના ક્યા…’. મોટા ભાગના પ્રેમીઓ આ વાક્ય કહીને પ્યાર કરતા હોય છે પરંતુ એક વખત લગ્ન થઈ ગયા બાદ અનેક કિસ્સાઓમાં પ્રેમ બાજુ પર મુકાઈ જાય છે અને લડાઈ શરૂ થાય છે. છેલ્લે વાત છુટાછેડા સુધી પહોંચે છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટએ પણ એવી ટિપ્પણી કરી હતી કે દેશમાં મોટાભાગના છુટાછેડાનું સૌથી મોટું કારણ લવ મેરેજ છે. સુપ્રીમ કોર્ટમાં છુટાછેડા માટે આવેલા એક કેસ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા આ ટિપ્પણી કરવામાં આવી હતી. પ્રેમ કરવો ખોટો નથી પરંતુ ખોટી વ્યક્તિને પ્રેમ કરવો તે ખોટું છે.
જ્યારે યુવાની શરૂ થાય છે ત્યારે મુગ્ધાવસ્થા પ્રત્યેક યુવક કે યુવતી પર કબજો કરી લે છે. આ સ્થિતિમાં અનેક યુગલો એવા હોય છે કે જે પ્રેમ કરી બેસે છે. સદીઓથી એવી પરંપરા ચાલી આવી છે કે લગ્ન મોટાભાગના સમાજમાં જ અને જાણીતા પરિવારોમાં કરવા. આની પાછળ અનેક મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવતા હતા. પરિચિત પરિવાર હોય તો પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ વખતે બંને પરિવારો એકબીજા સાથે બેસીને આ સમસ્યાનું નિરાકરણ લાવી શકતાં હતાં. હવે જ્યારે પ્રેમ લગ્ન થઈ રહ્યા છે ત્યારે મોટાભાગે આ વાતોનો છેદ ઉડી રહ્યો છે. એવું નથી કે પ્રેમલગ્ન ટકતા નથી. કેટલાક યુગલો એવા પણ છે કે તેમના પ્રેમલગ્ન મરતા સુધી ટક્યા છે. પરંતુ સામે અનેક કિસ્સાઓ એવા પણ છે કે પ્રેમનું ઝરણું લગ્નના ટુંક સમયમાં જ સુકાઈ ગયું હોય અને ઝઘડાથી શરૂ થઈને છેલ્લે વાત છુટાછેડા સુધી આવી ગઈ હોય.
તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીઆર ગવઈ અને સંજય કરોલની બેંચ સમક્ષ લગ્નસંબંધી વિવાદને કારણે ઉદ્દભવતી ટ્રાન્સફર પિટિશનની સુનાવણી કરી રહી હતી ત્યારે કેસના વકીલે કોર્ટને જાણ કરી હતી કે આ પિટિશનમાં જે પત્ની છે તેના પ્રેમલગ્ન હતા. કોર્ટે જ્યારે મધ્યસ્થી કરવાનું કહ્યું ત્યારે પતિ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોર્ટે એવું કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા પ્રમાણે પતિની સંમતિ વિના પણ છુટાછેડા આપી શકાય છે. થોડા સમય પહેલા જ સુપ્રીમ કોર્ટ દ્વારા એવું કહેવાયું હતું કે જે લગ્ન બચાવી શકાય તેમ નથી, જેમાં સુધારો થઈ શકે તેમ નથી તેવા લગ્નોમાં છુટાછેડા આપી દેવા જોઈએ. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેંચએ કહ્યું હતું કે, આવા કેસમાં કોર્ટ દ્વારા છુટાછેડાનો આદેશ આપી શકાય છે.
અગાઉ જસ્ટિસ એસકે કૌલની આગેવાની હેઠળની બેંચએ પણ એવું કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ કલમ 142નો ઉપયોગ કરીને જે લગ્નમાં સમાધાન શક્ય નથી તેમાં છુટાછેડાનો આદેશ આપી શકે છે. અગાઉ લગ્નમાં અવિશ્વનિય ભંગાણ છુટાછેડા માટેનું કારણ મનાતું નહોતું. સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉનો છ માસનો કુલિંગ પિરીયડ પણ કેસ ટુ કેસ નક્કી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. અગાઉ પણ 2017માં સુપ્રીમ કોર્ટએ કહ્યું હતું કે, જ્યારે પતિ અને પત્ની વચ્ચે પરસ્પર સંમતિથી છુટાછેડાના કેસમાં બંને પક્ષો વચ્ચે સમજૂતિ થઈ શકે તેમ નહીં હોય તો કોર્ટ છ માસના સમયગાળાને સમાપ્ત કરી શકે છે.
દિવસેને દિવસે લવ મેરેજનું પ્રમાણ વધી રહ્યું છે. આ પ્રમાણની સાથે સાથે છુટાછેડાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. એરેન્જ મેરેજ માત્ર પતિ કે પત્ની વચ્ચે જ નહીં પરંતુ બે પરિવારો વચ્ચે સ્થપાતો સંબંધ હોય છે. જ્યારે લવ મેરેજમાં મોટાભાગે પતિ અને પત્ની વચ્ચે જ સ્થપાતો સંબંધ હોય છે. એરેન્જ મેરેજમાં મોટાભાગે બંને પરિવારો દ્વારા પતિ-પત્ની વચ્ચેની તકરારમાં બંનેને સમજાવી લેવાની સાથે કેટલીક વખત દબાણ કરીને પણ લગ્નસંબંધ ટકાવી દેવાતો હોય છે પરંતુ લવ મેરેજમાં આવી સ્થિતિ હોતી નથી. આ કારણે જ લવ મેરેજમાં છુટાછેડાનું પ્રમાણ વધારે જોવા મળે છે. ઘણી વખત એવું થાય છે કે લવ મેરેજ થઈ ગયા બાદ પતિ અને પત્ની વચ્ચેના ભણતર, આર્થિક સ્થિતિ, સામાજિક સ્થિતિની સાથે સાથે અન્ય મુદ્દા પરની વિસંગતતાઓ પણ ધીરેધીરે ઉજાગર થાય છે.
જેને કારણે પણ બંને પક્ષે છુટાછેડા થવાની સંભાવનાઓ વધતી રહે છે. પરસ્પર સન્માન પણ લવમેરેજ કરતાં એરેન્જ મેરેજમાં વધારે હોય છે. લવ મેરેજમાં મોટાભાગે જાતીય આકર્ષણ પણ જવાબદાર હોય છે અને એક વખત આ આકર્ષણ જતા રહ્યા બાદ તકરારો થઈને વાત છુટાછેડા સુધી પહોંચે છે. એવું નથી કે બધા લવમેરેજમાં છુટાછેડા થાય છે પરંતુ લવમેરેજમાં છુટાછેડાનું પ્રમાણ વધારે હોય છે તે નિશ્ચિત છે. જે લવ મેરેજ સમજણ સાથે થયા હોય તેમાં છુટાછેડાની સમસ્યા આવતી નથી પરંતુ જે લવમેરેજ ‘લવ એટ ફર્સ્ટ સાઈટ’ જેવા હોય છે કે જેમાં વધુ ઉતાવળ સાથે સમજણનો અભાવ હોય તેવા લવમેરેજ વધુ સમય ટકી શકતા નથી.
સુપ્રીમ કોર્ટ દ્વારા હાલમાં લવમેરેજને કારણે છુટાછેડા વધારે થતાં હોવાની ટિપ્પણી કરવામાં આવી છે. જેને આંકડાઓ પણ સમર્થન આપી રહ્યા છે. સુપ્રીમ કોર્ટની ટિપ્પણીનો હકારાત્મક સાર એ જ છે કે લવ મેરેજ કરતી વખતે પણ એરેન્જ મેરેજની સમજણ કેળવવામાં આવે તો છુટાછેડાની સંભાવના ઘટી શકે છે. છુટાછેડાનું વધતું પ્રમાણ લગ્ન વ્યવસ્થા ધીરેધીરે તૂટી રહી હોવાનું બતાવી રહ્યું છે. ભારતમાં એટલું સારૂં છે કે પ્રત્યેક 100 લગ્નમાંથી 1 લગ્નમાં જ છુટાછેડા થાય છે ત્યારે અન્ય દેશોમાં આ પ્રમાણ મહત્તમ 50 ટકા સુધી પહોંચી ગયું છે. જો ભારતમાં પણ લવમેરેજની આજ સ્થિતિ રહેશે તો ભારતમાં પણ છુટાછેડાનું પ્રમાણ વધતું રહેશે તે નક્કી છે.