સુરત : હાલમાં જ રાંદેર પોલીસ દ્વારા વીએનએસજીયુની મહિલા પ્રોફેસરના આત્મહત્યા બાદ જમોઇ અને જામતારા ગામમાં જઇને ઓન લાઇન છેતરપિંડી કરનારા 3 યુવાનોને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમાં આ લોકોની મોડસ ઓપરેન્ડી અને નાણા કમાવવા અપનાવવા માટે અપનાવાયેલી ઘાતકી તરકીબથી રાંદેર પોલીસ દ્વારા ડીસીપી હર્ષદ મેહતાના માર્ગદર્શનમાં આખુ ઓપરેશન પાર પાડવામાં આવ્યુ છે.
ડીસીપી હર્ષદ મહેતાએ જણાવ્યુંકે નોઇડા, દિલ્હી, કલકતા, તથા જામતારા , હરિયાણાની બોર્ડર પર આવેલા મેવાત જમોઇ જેવા ગામોના હજારો પરિવારોનો જીવન નિર્વાહ ઓન લાઇન છેતરપિંડી પર ચાલી રહ્યો છે. ડીસીપી હર્ષદ મેહતાએ જણાવ્યુંકે આ ઓપરેશન માટે પોલીસ જયારે જામતારામાં ગઇ ત્યા છેતરપિંડી કેવી રીતે કરવી તેના કોચીંગ કલાસ ચલાવવામાં આવતા હતા.
હાલમાં ઉતર પૂર્વ રાજયો તેમાં બિહાર, છતીસગઢ, ઝારખંડમાં દોઢ થી બે લાખ લોકો આ છેતરપિંડીના ધંધામાં સંડોવાયેલા છે. શહેરપોલીસ દ્વારા આ રીતે હજારો લોકો દ્વારા કરવામાં આવી રહેલી છેતરપિંડી મામલે ગૃહમંત્રાલયને પણ વાકેફ કર્યુ છે.
પ્રતિ દીન દસ હજારથી બે લાખની આવક રળે છે પંદર થી પચ્ચીસ વર્ષના યુવાનો
કલકતામાં પચ્ચીસ હજાર કરતા વધારે કોલ સેન્ટરો આવેલા છે. આ ઉપરાંત ઉતર પૂર્વના રાજયોમાં જયા નોકરી નથી ત્યા યુવાનો માટે છેતરપિંડી કરી કરોડપતિ બનવાનું ઓનલાઇન ઠગાઇ સાધન બની ગયુ છે. આ લોકોની સાયબર ક્રાઇમની ટેકનિક સામે પોલીસ ખૂબ પાછળ છે.
હાલમાં પ્રોફેસર દ્વારા કરવામાં આવેલી આત્મહત્યામાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તેમાં ઝીરો પર્સેન્ટ ઇન્ટરેસ્ટથી લોન આપવાનુ મહિલા પ્રોફેસરને જણાવાયુ હતું. તેથી તેણે આ લોકોએ ઓન લાઇન મોકલેલા ફોર્મની તમામ વિગતો પર ક્લિક કરી નાંખ્યુ હતુ.
આ યુવતીનો આખો ફોન હેક થઇ ગયો હતો. તેમાં તેનો ફોટો મોર્ફ કરીને તેના મિત્રોને પોર્ન ફિલ્મ મોકલવામાં આવતા આ મહિલા પ્રોફેસરે આત્મહત્યા કરી લીધી હતી. આ યુવાનો દ્વારા કબૂલાત કરવામાં આવી છે કે તેઓની પ્રતિ દીન આવક દસ હજારથી બે લાખ સુધીની હોય છે.
સુરતમાં દસ કરતા વધારે લોકોને બ્લેકમેલ કરતી હતી ગેંગ
ડીસીપી હર્ષદ મેહતાએ જણાવ્યું કે, સુરતમાં દસ કરતા વધારે લોકો છેતરાયા છે. આ ઉપરાંત રાજયમાં સેંકડો લોકો આ ગેંગના ભોગ બન્યા છે. હાલમાં તેઓ વધુ ફરિયાદો દાખલ કરશે. દરમિયાન ડીસીપી હર્ષદ મેહતાએ જણાવ્યુંકે ઓન લાઇન ઝીરો પર્સેન્ટ લોન, ક્રેડિટ કાર્ડ, અમેઝોન કે પછી ફલીપકાર્ટ પરથી પાર્સલ લેતી વખતે ઓટીપી આપતી વખતે સંભાળ રાખવા જણાવ્યુ છે.
આ ઉપરાંત બેંકના ખાતા સીલ કરવામાં આવ્યા હોય કે પછી આરટીઓના લાયસન્સ કે આરસી બૂક તમારી સીઝ થઇ ગઇ છે જેવા ફોન આવેતો ડાયરેકટ કોઇ ઓટીપી આપવો નહી. આ રીતે આખા ફોન હેક કર્યા પછી લોકોને બ્લેકમેઇલીંગ કરવામાં આવે છે.