SURAT

સુરતના વેડરોડ પર રાતોરાત મસ્જિદ અને કબ્રસ્તાનનું ડિમોલીશન કરાયું

સુરત : ગુરુવારે મુખ્યમંત્રી વેડ વરિયાવ બ્રિજનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવાના છે. આ બ્રિજના વેડરોડ તરફના છેડે વર્ષો જૂનુ કબ્રસ્તાન અને મસ્જિદ નડતરરૂપ હોવાથી સુરત મહાનગર પાલિકાનો કાફલો પોલીસ બંદોબસ્ત સાથે ત્યાં પહોંચ્યો હતો અને રાતોરાત ડિમોલિશન કરી નાંખ્યું હતું. રિંગ રોડના મસ્જિદ મંદિરનું ડિમોલિશન કર્યા બાદ કમિશનર શાલિની અગ્રવાલનું મધ્યરાત્રિએ આ બીજુ ઓપરેશન છે.

સુરત મહાનગર પાલિકાના કતારગામ ઝોનનો કાફલો મોડી રાત્રે વેડ રોડ ગુરુકુળ પાસે પહોંચ્યો હતો. કોઇ અનિચ્છનિય ઘટના નહીં બને તે માટે આ ઓપરેશન ગુપ્ત રાખવામાં આવ્યું હતું. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકાના અધિકારીઓએ આ ઓપરેશન પાર પાડ્યું હતું. આ ઓપરેશન દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ બન્યો ન હતો અને શાંતિપૂર્વક ડિમોલિશન પાર પાડવામાં આવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર વેડ વરિયાવ બ્રિજના 200 મીટરના દાયરામાં વર્ષો જુનુ કબ્રસ્તાન અને મસ્જિદ નડતરરૂપ હતાં. જો કે, જરૂરિયાત નહીં હોવાથી પાલિકા ડિમોલિશન કરતી ન હતી પરંતુ હવે જરૂરિયાત લાગતા રાતોરાત ડિમોલિશન કરી દેવામાં આવ્યું હતું. શાલિની અગ્રવાલના નેતૃત્વમાં આ બીજુ ડિમોલિશન મધ્ય રાત્રે કરવામાં આવ્યું હતું. આ પહેલા રિંગ રોડ ઉપર વર્ષોથી મંદિર અને મસ્જિદ રસ્તાની વચ્ચોવચ હતાં તેનું પણ તેમણે રાતોરાત ડિમોલિશન કરીને રિંગ રોડ ખુલ્લો મૂકી દીધો હતો.

વેડ-વરિયાવ બ્રિજ ગુરૂવારે ખુલ્લો મુકાશે
વેડ-વરિયાવના નાગરિકો જેની વરસોથી જેની રાહ જોતા હતા તે ફોર-લેન બ્રિજનું ગૂરૂવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વર્ચ્યુઅલી લોકાપર્ણ થવા જઈ રહ્યું છે, આ બ્રિજના કારણે હવે કતારગામથી વરિયાવ અને છાપરભાઠાનું છ કિલોમીટરનો ચકરાવો નહીં મારવો પડે અને માત્ર દોઢથી બે મિનિટમાં આ અંતર કાપી શકાશે.

અંદાજે આઠ લાખ નાગરિકોને તેનો લાભ મળશે. રૂપિયા ૧૧૮.૪૨ કરોડના ખર્ચે તાપી નદી પર નિર્માણ પામેલા આ બ્રિજ આશરે ૧.૫૦ કિલોમીટરની લંબાઇ ધરાવે છે. આ બ્રિજના નિર્માણથી વરિયાવ વિસ્તારનાં રહેવાસીઓને ચોક તથા સ્ટેશન જેવાં શહેરનાં મુખ્ય વિસ્તાર સુધી પહોંચવા માટે ખૂબ જ સરળતા થઇ જશે.

સાથે સાથે વેડ, કતારગામ તથા સુરત શહેરના અન્ય વિસ્તારનાં રહેવાસીઓને પણ બ્રિજના કારણે મુખ્ય શહેરથી આઉટર રિંગરોડ અને હાઇવે સુધીની નવી કનેક્ટિવિટી મળશે. ખાસ કરીને નાગરિકોના સમય અને ઇંધણની બચત થશે.

Most Popular

To Top