સુરત: કાળઝાળ ગરમી વચ્ચે પાણી વિતરણ અને કવોલીટીમાં એવોર્ડ જીતી લાવેલી સુરત મનપાના પાણી વિભાગની બરોબરની કસોટી થઇ રહી છે. પાણી વિભાગ માટે હાલમાં એક સમસ્યામાંથી છુટે ત્યાં બીજી સમસ્યા રાહ જોતી હોય તેવી સ્થિતિ ઉદ્ભવી રહી છે.
થોડા સમયથી શહેરના કતારગામ, સેન્ટ્રલ, લિંબાયત અને ઉધના વિસ્તારમાં ગંદુ અને વાસ મારતું તેમજ લીલા રંગનું પાણી મળતું હોવાની વ્યાપક ફરીયાદ ઉઠી છે. તેનું નિરાકરણ હજુ આવ્યું નથી ત્યાં હવે રાંદેર ઝોનમાં મોરાભાગળ વિસ્તારની એક સોસાયટીમાં છેલ્લા ત્રણ મહિનાથી પીવાનું પાણી કાળા રંગનું મળી રહ્યું હોવાની ફરિયાદ સામે આવી છે.
કાળા રંગનું પાણી લોકોના ઘરમાં આવતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ પાણીના કારણે લોકોના આરોગ્ય સામે ખતરો હોવા સાથે કેટલાક લોકો બીમાર પડ્યા હોવાની ફરિયાદ પણ બહાર આવી છે. આ અંગે લોકોએ ફરિયાદ કરી હોવા છતાં પાણીમાં કોઈ સુધારો થતો ન હોવાથી લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
વિસ્તૃત વિગતો મુજબ છેલ્લા કેટલાક મહિનાઓથી સુરત શહેરના જુદા જુદા વિસ્તારમાં પીવાના પાણીની ગુણવત્તાની સમસ્યા આવી રહી છે. ખાસ કરીને રાંદેર વિસ્તારમાં પીવાનું પાણી પીળું આવતું હતું, ત્યારબાદ લીલું અને લાલ પાણી આવતું હોવાની ફરિયાદ હતી.
તો હવે મોરાભાગળની શારદા નગરમાં છેલ્લા ત્રણ મહિનાથી પીવાનું પાણી ગંદુ અને કાળા રંગનું આવી રહ્યું હોવાનું બહાર આવ્યું છે. સ્થાનિકોની ફરિયાદ એવી છે કે આ પાણીના કારણે સોસાયટીમાં અનેક લોકો બીમાર પડી રહ્યાં છે. આ અંગે અનેક ફરિયાદ કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી જેના કારણે લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે.