નવી દિલ્હી: સિકયુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા(સેબી)એ આજે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે અદાણી જૂથ સામે ૨૦૧૬થી તપાસ કરી રહ્યું નથી અને આવા દાવાઓને હકીકતની રીતે પાયાવિહોણા ગણાવ્યા હતા.
વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા ૧૨ તારીખે એવું કહેવાયું હતું કે સેબી ૨૦૧૬થી અદાણી જૂથ સામે કંઇક પ્રકારની તપાસ કરે છે
તેની અગાઉની એફિડેવિટ ગ્લોબલ ડીપોઝિટરી રિસીપ્ટ્સ(જીડીઆર્સ) ૫૧ ભારતીય કંપનીઓ દ્વારા જારી કરવા અંગેની હતી અને આમાં અદાણી ગ્રુપની નોંધાયેલ કોઇ કંપની ન હતી. બજાર નિયંત્રક સેબી અમેરિકી કંપની હિન્ડનબર્ગ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે અદાણી ગ્રુપ સામે તેની કંપનીઓના શેરોની કિંમતમાં કોઇ ચેડા આ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યા છે કે કેમ? તે બાબતે તપાસ કરે છે.
આ તપાસ માટેનો સમયગાળો છ મહીના લંબાવી આપવા માટે સેબી દ્વારા માગણી કરવામાં આવી છે. બારમી મેના રોજ વકીલ પ્રશાંત ભૂષણે સમય લંબાવવાની આ અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે સેબી આ બાબતમાં ૨૦૧૬થી કંઇક પ્રકારની તપાસ કરતી ઝડપાઇ છે.
સેબી દ્વારા ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની બેન્ચ સમક્ષ નવી રિજોઇન્ડર એફિડેવિટ અને સમય લંબાવવા માટેની એક જુદી અરજી કરવામાં આવી છે. આ બેન્ચે તેની સુનાવણી મંગળવાર સુધી મુલતવી રાખી છે. સોમવારે સમયના અભાવને કારણે અને સ્પેશ્યલ બેન્ચ સમક્ષ બપોરે ત્રણ વાગ્યે ચોક્કસ બાબતોની સુનાવણીનો કાર્યક્રમ હોવાને કારણે આ સુનાવણી થઇ શકી ન હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અદાણી હિંડનબર્ગ વિવાદમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ અનેક જાહેર હિતની અરજીઓ થઇ છે જેમાં કોંગ્રેસના નેતા જયા ઠાકુર દ્વારા કરવામાં આવેલી અરજીનો પણ સમાવેશ થાય છે.