National

કર્ણાટકમાં મુખ્યમંત્રીપદ માટેનું સસ્પેન્સ ઘેરુ બન્યું: આજે નિર્ણય

નવી દિલ્હી, બેંગલુરુ: કર્ણાટકના નવા મુખ્યમંત્રી (Karnataka New CM ) અંગે સસ્પેન્સ વધુ ઘેરું બન્યું છે ત્યારે રાજ્ય કોંગ્રેસના પ્રમુખ ડી.કે. શિવકુમારે પોતાની રાષ્ટ્રીય રાજધાનીની મુલાકાત આરોગ્યનું કારણ આપીને રદ કરી હતી જયારે તેમને અને સિદ્ધરમૈયા બંનેને પક્ષની કેન્દ્રીય નેતાગીરી દ્વારા ચર્ચાઓ માટે બોલાવવામાં આવ્યા હતા. બીજી બાજુ, કોંગ્રેસે જણાવ્યું છે કે મુખ્યમંત્રીપદ અંગે પક્ષ પોતાનો નિર્ણય મંગળવારે સાંજ સુધીમાં જાહેર કરશે.

ત્રણ કેન્દ્રીય નિરીક્ષકોએ રવિવારે કોંગ્રેસ વિધાનસભા (Congress Assembly) પક્ષની બેઠક પછી નવા ચૂંટાયેલા પક્ષના ધારાસભ્યો સાથે ચર્ચા કરી હતી અને તેના પછી પક્ષના વડા મલ્લિકાર્જુન ખડગેને માહિતી આપી હતી અને પોતાનો અહેવાલ સોંપ્યો હતો એમ સૂત્રોએ જણાવ્યું હતું. સરકાર રચના માટેની વધુ ચર્ચા માટે ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ઘરમૈયા ઉપરાંત શિવકુમારને આજે હાઇ કમાન્ડ દ્વારા દિલ્હી બોલાવવામાં આવ્યા હતા.

સિદ્ધરમૈયા આજે બપોરે જ રાષ્ટ્રીય રાજધાની પહોંચી ગયા હતા પરંતુ શિવકુમારે પોતાની મુલાકાત આરોગ્યનું કારણ આપીને રદ કરી હતી જેના પગલે એવી અટકળોને વેગ મળ્યો હતો કે કર્ણાટક કોંગ્રેસમાં જૂથબંધી લડાઇએ ફરી માથું ઉચકયું છે. શિવકુમારે કહ્યું હતું કે મને પેટમાં થોડી સમસ્યા છે.

ડોકટર દસ મીનિટમાં આવી રહ્યા છે….કંઇક ચેપ જેવું લાગે છે અને મને તાવ પણ છે…કૃપા કરી મને મુક્ત કરો…એમ તેમણે પત્રકારોને કહ્યું હતું. તેમની નજીકના સૂત્રોએ એ વાતને સમર્થન આપ્યું હતુ કે તેઓ આજે દિલ્હી જઇ રહ્યા નથી. સિદ્ધરમૈયા અને શિવકુમારને ટેકો આપતા ધારાસભ્યો અંગે અટકળો વચ્ચે શિવકુમારે આજે અગાઉ કહ્યું હતું કે તેમનું બળ ૧૩૫ ધારાસભ્યો છે, જ્યારે તેમના પ્રમુખપદ હેઠળ પક્ષ આ બેઠકો જીત્યું છે. ઘણા લોકો તેમના આ પગલાને દબાણની નીતિ તરીકે જોઇ રહ્યા છે.

દરમ્યાન, ત્રણ કેન્દ્રીય નિરીક્ષકો આજે દિલ્હી પાછા ફર્યા હતા અને પક્ષના હાઇકમાન્ડને પોતાનો અહેવાલ સુપ્રત કર્યો હતો જેના પછી પક્ષના કર્ણાટકના ઇન્ચાર્જ રણદીપ સુરજેવાલાએ પત્રકારોને જણાવ્યું હતું કે પક્ષ તેનો નિર્ણય મંગળવારે સાંજ સુધીમાં જાહેર કરશે. બીજી બાજુ, શિવકુમારના ભાઇ અને કોંગ્રેસના સાંસદ ડી.કે. સુરેશ દિલ્હીમાં પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા હતા અને બાદમાં પત્રકારોને જણાવ્યું હતું કે તેમના ભાઇ અને પ્રદેશ પ્રમુખ શિવકુમાર મંગળવારે દિલ્હી આવશે.

Most Popular

To Top