Charchapatra

સરકારી યોજનાનો લાભ ખોટા લોકો ખોટી રીતે મેળવી જાય છે

કેન્દ્ર અને રાજયોની સરકાર અનેક પ્રજાલક્ષી યોજના કરતી હોય છે પણ વારંવાર બન્યું છે કે તેનો લાભ ખોટા અનધિકૃત લોકો લે છે. ઘણી વાર આવી યોજના વડે જે તે પક્ષના નેતાઓ પણ લાભ મેળવતા હોય છે. તેઓ જાણે લોકો પર રહેમ કરતા હોય તેમ એ યોજના હેઠળ લાભ અપાવતા હોય છે. આ પણ ખોટું જ છે. સરકાર પોતાની યોજનાની યોગ્ય જાહેરાત નથી કરતી તેથી પણ તેનાથી ઘણાં વંચિતો રહી જાય છે. હમણાં કાર ધરાવતા 162ના બી.પી.એલ. કાર્ડ રદ કરાયા. આવા લોકો પાસે સરકારે વસુલી કરવી જોઇએ. લોકો વધુ ઉસ્તાદ છે. અરે ઘણા દલિતો, પછાતો જાહેરમાં પોતાની અટક બ્રાહ્મણ, ક્ષત્રિયની રાખે અને સામાજિક સન્માન મેળવવા પ્રયાસ કરે અને લાભ લેતી વેળા વળી પાછા પોતે જે હોય તેના દસ્તાવેજ રજૂ કરે. આ પણ ખોટું છે. આ દેશમાં એટલું ખોટું છે કે કેટલું ગણાવીશું?
વાંકાનેર           – નીતા ત્રિવેદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સરકાર શા માટે અંધશ્રધ્ધા રોકવાનો કાયદો ઘડતી નથી
તાજેતરમાં ગુજરાતના વિછીયા ગામે આવેલ કમળપૂજાના બલિનો બનાવ દેશ માટે શરમજનક ઘટના ગણાય. ભગવાન અને માતાજીના નામે એકના ડબલ કરવા, ચમત્કારિક રીતે દુ:ખો દૂર કરવા, છેતરપિંડી, વિધિના બહાને સ્ત્રીઓ સાથે દુષ્કર્મ, રોગી બાળકોને ડામ આપવા, જેવી અનેક જાતની અંધશ્રધ્ધાઓ આખા દેશમાં ફેલાયેલી છે. દેશભરમાં અંધશ્રધ્ધા નાબૂદી માટે કામ કરતી સંસ્થાઓના અથાગ પ્રયાસો, સમાચારપત્રો, મિડિયા, સોશ્યલ મિડિયા પર રોજે રોજ જાગૃતિના સમાચારો પ્રગટ થતા રહે છે, પણ જનમાનસ પર તેની જરાયે અસર થતી નથી. રાજ્યે વૈજ્ઞાનિક અભિગમનો પ્રચાર-પ્રસાર કરી અંધશ્રધ્ધા દૂર કરવાના પ્રયત્નો કરવાને બદલે જાહેરમાં પ્રધાનોની હાજરીમાં ભુવા ધુણાવે – સન્માન કરે અને અંધશ્રધ્ધાયુક્ત કામ કરે છે. દેશમાં 6 રાજ્યોએ અંધશ્રધ્ધા નાબૂદીના કાયદા ઘડયા છે. ગુજરાતમાં 15 વર્ષોથી કાયદો ઘડવા રજૂઆતો કરવા છતાં આ વાતને રાજ્ય જરાયે ગંભીરતા દાખવતી નથી ત્યારે કાયદો ક્યારે ઘડાશે તેની રાહ જોવાની રહી.
પાલનપુર          – ગિરીશ સુંઢિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top