કોલકાતા : આઇપીએલમાં (IPL) આજે ગુરુવારે અહીં રમાયેલી મેચમાં યુઝવેન્દ્ર ચહલના વિક્રમી બોલિંગ પ્રદર્શનની મદદથી રાજસ્થાન રોયલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને (KKR) આઠ વિકેટે 149 રન સુધી સિમિત રાખ્યા પછી યશસ્વી જયસ્વાલની 47 બોલમાં 12 ચોગ્ગા અને 5 છગ્ગા સાથેની 98 રનની આક્રમક નોટઆઉટ ઇનિંગની મદદથી 13.1 ઓવરમાં જ 1 વિકેટના ભોગે લક્ષ્યાંક કબજે કરીને મેચ 9 વિકેટે જીતીને 12 પોઇન્ટ અને સારી રનરેટને કારણે ત્રીજા સ્થાને પહોંચી ગયું હતું. યશસ્વીની સાથે સંજૂ સેમસન 29 બોલમાં 5 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 48 રને નોટઆઉટ રહ્યો હતો. આ બંને વચ્ચે 121 રનની નોટઆઉટ ભાગીદારી પણ થઇ હતી.
ઈડન ગાર્ડનની શુષ્ક વિકેટ પર પ્રથમ દાવ લેવા ઉતરેલી કેકેઆરના ફ્રન્ટલાઈન બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા, જો કે તે પછી વ્યંકટેશ અય્યરે બાજી સંભાળીને અર્ધસદી ફટકારીને ટીમને 149 સુધી લઇ જવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ચહલે ત્રણ બોલમાં વેંકટેશ અને શાર્દુલ ઠાકુરની એમ બે વિકેટ ઝડપીને તેમનો વિકાસ રૂંધ્યો હતો. 12 બોલમાં બે વિકેટ પડ્યા પછી પણ વેંકટેશે તેની ઈનિંગ્સને સારી રીતે આગળ ધપાવીને 39 બોલમાં અર્ધસદી ફટકારી હતી અને તે 42 બોલમાં 57 રન કરીને ચહલના બોલે કેચઆઉટ થયો હતો. તેના સિવાય નીતિશ રાણાએ 22 અને રહેમાનુલ્લાહ ગુરબાઝે 19 રન કર્યા હતા, જ્યારે રિન્કુ સિંહ 16 રન કરીને આઉટ થયો હતો.
ચહલની કમાલ, આઇપીએલમાં બ્રાવોનો રેકોર્ડ તોડી સર્વાધિક વિકેટ ઉપાડનારો બોલર બન્યો
કોલકાતા : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની (IPL 2023) 56મી મેચમાં રાજસ્થાન રોયલ્સના (RR) સ્પીનર યુઝવેન્દ્ર ચહલે ડ્વેન બ્રાવોનો આઈપીએલમાં સર્વાધિક વિકેટ ઝડપવાનો રેકોર્ડ તોડ્યો છે. ચહલ હવે્ આ લીગમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. ચહલે આજની કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામેની મેચમાં ચાર વિકેટ લેવાની સાથે જ આઇપીએલમાં તેના નામે 187 વિકેટ થઇ ગઇ છે.
ચહલે કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન નીતિશ રાણાને આઉટ કરતાની સાથે જ બ્રાવોનો સર્વાધિક 183 વિકેટ લેવાનો રેકોર્ડ તોડ્યો હતો અને તે પછી તેણે વધુ ત્રણ વિકેટ ખેરવી હતી. ચહલે આઈપીએલમાં 143મી મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે ડ્વેન બ્રાવોએ 161 મેચમાં 183 વિકેટ લીધી હતી. એટલું જ નહીં, ચહલ આઈપીએલના ઈતિહાસમાં આ લીગમાં સૌથી વધુ વિકેટ લેનારો પ્રથમ સ્પીનર પણ બની ગયો છે. ચહલ અને બ્રાવો સિવાય ભારતના સિનિયર સ્પીનર પીયૂષ ચાવલા હવે વિકેટના મામલે ત્રીજા સ્થાને છે. ચાવલાએ આઈપીએલમાં 174 વિકેટ ઝડપી છે. તેના પછી અમિત મિશ્રાએ 172 જ્યારે રવિચંદ્રન અશ્વિનના નામે 171 વિકેટ છે.
આઇપીએસમાં સર્વાધિક વિકેટ લેનારા બોલર
બોલર મેચ વિકેટ
યુઝવેન્દ્ર ચહલ 143 187
ડ્વેન બ્રાવો 161 183
પિયુષ ચાવલા 176 174
અમિત મિશ્રા 160 172
રવિચંદ્રન અશ્વિન 196 171
લસિથ મલિંગા 122 170